રોજે રોજ શું લખવું? કવિ હોત તો લખેત કે,
***
હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
– હેમંત ગોહિલ ‘મર્મર’
પણ આપણે રહ્યા અલ્લડ, વાડીયું માં ઊંધે કાંધ પાવડા હાંકી હાંકી ને હસ્તરેખાઓને ભૂંસી નાખી છે..! અમુક વાર તો ખાતર-બિયારણ કાગળિયામાં મારેલો અંગુઠો ય ધારીયું-લીટીંયું વિનાનો હોય એવું લાગે છે. જો કે ઘણા કેય છે ને કે હસ્તરેખા કરતા કાંડાબળનું માત્યમ જાજુ.. ને આપણે અંગ્રેજીનાં અભણથી બીજું થાયેય હું? સિવાય બસ આવું વાતનું વતેસર..!
***
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
– મનહર મોદી
હવે આમાં મનહરભાઈનો આશય જે હોય તે પણ મોદી સાહેબ, ગઝલ તો દૂરની વાત છે, મારાથી તો રાતે આવેલું રોઝડુંય હંકારતું નથી, તો આ ગઝલ કેમ લખવી..
કઈ યાર્ડમાં રદીફ હશે ને,
કઈ બજારમાં કાફિયા?
ગોતી ગોતીને આપણે તો હાંફીયા..
સાહેબ સિરિયસલી નો લેતા પણ આ તમારે ચીલે કાંક તો જોડકણું જોડ્યું હો..!!
***
આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ અમને દુ:ખો કાયમ લખે છે ?
– મનિષ પરમાર
મનીષ ભાઈ, ગંભીરતાથી નો લેતા પણ, એક તો આ કવિઓ રોવે બહુ, આંહૂડાં જાણે પાંપણ્યે બાંધેલા હોય, જાણે આંખ્ય થી નીકળું નીકળું થાતું હશે.. દુઃખ તો ક્યાં નથી ભાઈ? જ્ન્મ્યાથી માંડીને મર્યા સુધી.. સુખને શોધવું પડે, દુઃખ તો સ્થાયી છે..!! પણ હા, આશા અમર કેવાય એમ દુઃખ પણ અમર છે, આપણે તો બસ બે ઘડી ઈ દુઃખમાંથી સુખનું સંપેતરું શોધવાનું હોય ને ઈ જેટલી ઘડી મળે એટલી ઘડી આનંદ ના ઉભરા લઇ લેવાના..!!!
***
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે.
– જવાહર બક્ષી
કરી બાકી બક્ષી સાહેબે વટ વાળી..! આજકાલ ના આ ક્રશ (સિગારેટ વળી ક્રશ નહીં હો એલા, આકર્ષણને આજકાલ ક્રશ ક્યે છે.) વાળા સામેનું પાત્ર સામું ન જોવે તો ય રીસાયી જાય છે..! ને એક અમે હતા.. આઠ-આઠ દી સુધી એની શકલ આંખ્યું માં અંજાયેલી રહેતી..! શકલ.. અરે અમે તો એની કાળી લટ થી માંડીને કાનના મોટા કુંડળ સુધી ની યાદી રહેતી..! જો કદાચ એને સામું આકર્ષણ ન હોય તો દુઃખના દરિયામાં ડુબવાને બદલે બસ આશાને ઉંબરે વળગી રહેતા..! જો પ્રસ્તાવ દરખાસ્ત ના-મંજુર થાય તો તું નહીં તો તારી બહેન બીજી..!!! (મજાક હો એલા..!) બક્ષી સાહેબે સાચું જ કીધું છે, સહમત છું, હું તો અહીં જ હઈશ...
***
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
– હેમેન શાહ
ખરેખર આ પંક્તિ પરમ સત્ય છે..! સત્ય પાછું સૌનું જુદું હોય હો..! જેણે જેવી અનુભૂતિ કરી, એણે એવું સત્ય વર્ણવ્યું. દૂધનો દાઝેલો છાશ ફૂંકે ઈ માહ્યલું. જો કે હું એવું માનતો નથી કે, ચાહવામાં હૂંફ હોય અને ઇય માત્રા માં હોય, ચાહનારા સામેના પાત્રના પ્રત્યુત્તર વિના પણ ચાહી જાણે છે. શરૂઆતમાં પરમ સત્ય એટલે કહ્યું કે દુભાયેલા ચાહકોનો બોલીવુડે એક આખો દાયકો દીધો છે. જેને જોવો ઈ ઘાયલ થઈને ફરતો હોય..!
***
જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું !
પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
– દક્ષા બી. સંઘવી
આ પંક્તિ હું કુદરતી કવિતામાં ગણીશ. બહેને હંધુંય આવરી લીધું, પર્યાવરણથી માંડી ને દેહધારી સુધી સર્વસ્વ. પણ અર્ધું-પરધું શું કામ જોવાનું? દેનારાએ કોડાં જેવિયું બબ્બે આંખ્યું દીધીયું છે તે સરખું નો જોવી? માણહ તો ઓમેય ઓલ્યા રંગ બદલતા કાચિંડા (Camelion) જેવો છે તે વારે ઘડીયે બદલ્યા કરે, ઘડીકમાં આ પક્ષે હોય તો ઘડીકમાં ઓલી કોર્ય ક્યારે ભળી જાય કળાવાય નો દે.. સમુકનું એવાંની સામું તો મોટા ડોળાં કાઢીને જોવું જોઈએ..! એટલે પોપટલાલ ક્યે એમ કેન્સલ.. કેન્સલ.. કેન્સલ.. અર્ધું-પરધું જોવાનું કેન્સલ..!
***
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
– શૈલેન રાવલ
માફ કરજો શૈલેન ભાઈ, પણ આમ કાંક તો અજુગતું છે..! ઓલ્યો પડકારે તોય વાંધો ને સુલેહ નો વાવટો ફરકાવે તોય? તમારે બાકી લડી જ લેવું લાગે કાં? જો કે મેં તો મારા કન્ટેન્ટ હાટુ તમારી આ બે જ પંક્તિ ઉપાડી છે, જો કે આખુંય આજ્ઞાઉદ્દેશક કાવ્ય જ છે, પણ તમે કવિ લોકો ક્યાં ના ક્યાં પુગો કાંઈ નક્કી નહીં, જ્યાં નો પુગે રવિ ન્યાં ઉભો હોય કવિ..! તમે ચેસ નો રમતા ભાઈ, નકર કહેશો કે,
સ્થિર તારું ઊંટ ઉભું રાખને,
ઘોડલુ પણ ઠેકવું ના જોઈએ..!!
***
પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે,
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે..!
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
તાજો તાજો આકર્ષણનો આરાધક થયો હોય ને એના માટે તો આ પંક્તિ સ્તવન સમી છે..! કેમ કે એને તો એનું મનપસંદ પાત્ર જ મગજમાં ભમતું હોય.. એટલે જાતો હોય દૂધ ની થેલી લેવા ને, વળતા દૂધી લઇ આવે ઈ પ્રકારના ચાહકને તમે અક્ષરસહ વર્ણવ્યો હો..! એના હાટુ તો હંધાય રસ્તા બસ એ પ્રિયતમા ના ઘરે જ જાતા હોય ને.. પછી ભલે ને ઓલીની માં ખિજાણી હોય તયે ઠેઠ વાસણ ઉટકવા બેઠેલી ઈ એની પ્રિયતમા એને તો હિંચકીએ ઝૂલતી મોહિની જ લાગે..!
***
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
મતલબ અહીંયા રાજેન્દ્ર સાહેબ ભાવ ખાવા માંગે છે, લગન માં રિસાયેલા ફુવાસાહેબ જેમ. લગભગ હંધાયનાં લગન માં નાનેથી માંડીને મોટા સુધી કોક તો રીસાતું હોય જ..! અમુક પાછા કેવા હોય, એમને સલાહ તો અંદરથી ઉલળી ને બહાર આવતી હોય પણ કોઈ ઈ સલાહ લેવા માંગતું નો હોય.. એટલે શું થાય, અમારી તો કાંઈ કિંમત જ નથી.. એમ કરીને રીંહાય..!
***
હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !
– શ્યામ સાધુ
સાધુ સાહેબ માફ કરજો, તમારા કાવ્યની ઠેકડી નથી કરતો પણ મને આ પંક્તિ વાંચીને જે યાદ આવ્યું ઈ જ લખું છું..! હું મરજીવો તું મરજીવો.. આપણે આયા દારૂબંધી છે, માંડ માંડ ફાંફા મારીને એક બોટલ મળી હોય, પીવા વાળા બે જણા હોય એટલે એક જણો બીજા ને કહે, તું મરજીવો, હું મરજીવો મોતી (બોટલ) માટે, ને ચખણાં માં ચણાદાળ કે મગદાળ માટે થયેલી માથાકૂટ થી કંટાળી ને એક કહે, છોડ સકલ બકવાસ યાર તું યાર બની જા..!!!
***
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
– ‘ગની’ દહીંવાલા
વળી એક આંસુની ઉપાસક પંક્તિઓ પ્રસિદ્ધ ગનીભાઈ તરફથી..! જો કે કવિતા માટે એમ કહેવાય છે કે જે દુઃખને અભિવ્યક્ત કરી જાણે ઈ કવિતા.. સુખને શોધવી શકે ઈ કવિતા, કોઈ અપંગને દોડાવી શકે ઈ કવિતા..! પણ આપણે અહીંયા પ્રેમને જેટલું માહાત્મ્ય મળ્યું છે, જેટલા એના રસિકો છે, એટલી જ ઈ વાત ઉપર પંક્તિઓ રચાણી છે, અને પ્રેમ હોય ન્યાં આંસુ તો હોય જ.. અને આંસુ તો કવિઓનું બ્રહ્માસ્ત્ર છે. આમ તો બ્રહ્માસ્ત્ર ન કેવું જોઈએ.. ધારો કે કવિતા ઈ મશીનગન છે, અને આંસુ ઈ ગોળી.. જેને જેમ મન પડે ઈ એમ ભડાકા કરે છે..!
***
નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !
– જયન્ત પાઠક
સાહેબે ટાઇટેનિક જોતા જોતા લખી નાખ્યું..! (મજાક મજાક... શિયાળા વિશે આખું કાવ્ય છે આ.) શું ખબર આજકાલ માનહાની ના દાવા ઝીંકવા રમત થઇ ગઈ છે, સીધા સો-બસો કરોડની વાત્યું જ થાય છે. કવિઓ પણ ખરેખર અદભુત છે, હાલતા હાલ્યા જતા હોય ઈ ય કાવ્યમાં કંડારી નાખે. ઠીક છે, ઊર્મિ ઉપડી હોય એટલે લખવી તો ખરી જ..!
બહુ થયું એલા.. કવિઓની જાજી ગમ્મત કરવી સારી નહીં..! એક કવિ એ જ રાજસ્થાનીમાં કીધું છે કે "ભીંતડાં પડશી ગીતડાં રહશી..." ગમે એવી મજબૂત ભીંત કરી હશે ઈ પડી જાય પણ ગીત.. ઈતો અમર થઇ ગયા..! હજારો વર્ષો પૂર્વેની પંક્તિઓ પણ આજલગ ઉપલબ્ધ છે..!