1857ની ક્રાંતિ અને આઉવાના કુશાલસિંહ.. || Kushalsinh Champavat of Auwa || 1857 Rebellion || Revolt of 1857 in Gujarati ||

0

અંગ્રેજકાલીન ભારતના રાજાઓ એક કાગળના ભાર હેઠે દબાઈ ગયા હતા. ઈ કાગળ હતો સંધિનું કરારનામું..! દિલ્લીના તખત માથે બેઠેલી મુઘલિયા સલ્તનત નબળી પડી તયેં દખ્ખણમાંથી એક સામ્રાજ્ય ભગવો લઈને ઠેકઠેકાણે વિસ્તાર વધારતું હતું. શિવાજીએ સ્થાપિત કરેલું મરાઠા સામ્રાજ્ય ઈ.સ. 1818 આવતાં સાવ નબળું પડી ગયું હતું. એના પ્રમુખ કારણો માંથી એક એટલે મરાઠાઓને પોતાની શક્તિ ઉપર અતિ-વિશ્વાસ આવી ગયો હતો, બીજું પ્રમુખ કારણ હતું કે ઉપદ્રવ ઉપર ઉતરી આવ્યા હતા..! વિશાલ ઘોડાદળ લઈને ફરતા રહેતા, જે-તે રાજ્યમાં જઈને ખંડણી ઉઘરાવતા, ઇય મન પડે એમ..! એટલે રાજસ્થાન ના રાજપૂત રાજાઓ ગળા સુધી મરાઠાઓથી ત્રાસ પામ્યા હતા. જયારે અંગ્રેજોને 1818માં મરાઠાઓ સાથે ત્રીજો સંઘર્ષ થયો ત્યારે અંગ્રેજોને એક ડર હતો રાજપૂતોનો, કે આ લોકો ક્યાંક મરાઠાઓને સાથ ન આપી દે, પણ પહેલાંથી ત્રસ્ત રાજપૂતો નિષ્પક્ષ રહ્યા. પરિણામે મરાઠાઓનો અસ્ત થયો અને ભારતીય ઇતિહાસમાં અંગ્રેજોનો અધ્યાય શરુ થયો..! અંગ્રેજો એ રાજાઓ સાથે એક કાગળ માત્રની ચિઠ્ઠીઓ વડે સંધિઓ કરી, સંધિ નું પ્રમુખ ઉદ્દેશ હતું કે રજવાડાના આંતરિક મામલા રાજાઓએ જોવાના વિદેશી મામલા અંગ્રેજો જોશે. હવે અંગ્રેજો આવ્યા બાદ સૌથી મોટી શાંતિ તો થઇ કે યુદ્ધો બંધ થયા, જેથી પ્રજા ને સૌથી મોટી એ રાહત થઇ જો કે અંગ્રેજો જ પાછા આડકતરી રીતે એ પ્રજાને લૂંટી રહ્યા હતા. પણ રજવાડાઓ માં તો નહીં જ.. રાજાઓના વિદેશી મામલા અંગ્રેજો પાસે હોવાથી અંગ્રેજો સૈન્ય છાવણીઓ બાંધતા ગયા રજવાડાની રક્ષા માટે. એ વખતે ઠેકઠેકાણે મોટા રજવાડાઓની આસપાસમાં જ અંગ્રેજો પોતાની સૈન્ય છાવણીઓ રાખતા.

 

1857 સુધી બધું સમું-સુતરું હાલતું'તું, પણ આ ભુરકા અંગ્રેજોએ ઈ વખતે સેનામાં એક નવી એન્ફિલ્ડ નામની રાયફલ દાખલ કરી હતી. હવે આ રાયફલના જે કારતૂસો હતા ઈ રાયફલમાં દાખલ કર્યા પહેલા દાંત વડે એનું કવર ખેંચવું પડતું, અને ઈ કારતુસ પર ગ્રીસ જેવો ચીકણો પદાર્થ રહેતો, એટલે એ વખતે સેનામાં એ વાત પ્રસરી ગઈ કે ઈ ચીકણો પદાર્થ ગાય અને સુંવરની ચરબીમાંથી બનાવવામાં આવે છે, ડખો ઈ થયો કે ગાય ઈ હિન્દુઓ માટે પવિત્ર પ્રાણી છે અને સુંવર મુસલમાનો માટે અપવિત્ર. અંગ્રેજોએ સૈનિકો પાસે ધર્મભ્રષ્ટ કરાવ્યો. એટલે સૈનિકો નાખુશ હતા જ, કોલકાતામાં 29 માર્ચ 1857 ના મંગલ પાંડે એ એક અંગ્રેજને ઉલાળી નાખ્યો.. પછી તો આ વાત ઠેકઠેકાણે ફેલાણી, ક્રાંતિ નો ઉદ્ભવ થયો, સેનામાંથી અમુક અમુક ટુકડીઓ વિદ્રોહ કરીને દિલ્લી ભણી રવાના થવા લાગી, દિલ્લીમાં જઈને છેલ્લો બાદશાહ બહાદુરશાહ ને ઢંઢોળ્યો, કે ઉઠ, તને પાછી મુઘલિયા સલ્તનતનો બાદશાહ બનાવીયે..! બુઢો બહાદુરશાહ પણ છેલ્લે સુધી ઘણી વીરતાથી લડ્યો હતો.

 

આખા ભારતનો સૌથી મોટો અંગ્રેજ અધિકારી એટલે ગવર્નર જનરલ, એનથી હેઠે રાજસ્થાનમાં રાજાઓ સાથે સમજૂતી બેઠેલો અધિકારી એટલે એજેન્ટ ટુ ગવર્નર જનરલ, એનાથી હેઠે દરેક રજવાડાનો એક પોલિટિકલ એજેન્ટ હોય. રાજસ્થાન નો એજેન્ટ ટુ ગવર્નર જનરલ એટલે કે AGG બે જગ્યા એ બેસતો, એક તો અજમેર, અને ગરમી માં આબુ. રાજસ્થાનમાં ઈ ટાણે છએક સૈન્ય છાવણી હતી, એમાંની પાલી-જોધપુર ની રક્ષા હાટુ એરિનપુરામાં સૈન્ય છાવણી હતી. ભારતમાં ઠેકઠેકાણે ક્રાંતિની વાતો તો ફેલાઈ જ ગઈ હતી, એટલે એરિનપુરા છાવણીમાં પુરબીયા સૈનિકો હતા ઈ આબુમાં ડિપ્લોય હતા, એરિનપુરા છાવણીનો અધિકારી હતો હૉલ.. 21 AUG. 1857માં આ પુરબીયા સૈનિકોએ ક્રાંતિ કરી નાખી. ને અંગ્રેજ અધિકારી હૉલમાં હોલ કરી નાખ્યા. એરિનપુરા વાળા સૈનિકો એ હૉલ સાથે જેટલા અંગ્રેજો હતા ઈ બધાને પતાવીને એરિનપુરા આવ્યા, ને બીજા સાથી સૈનિકો ને કીધું હાલો એય, ક્રાંતિ કરી નાખી.. આ ગોરા દેખાય એટલા ધબધબાવવાના થાય છે. ને દિલ્લી ભણી પ્રયાણ કર્યું, નારો લગાવતા જતા હતા કે "મારો ફિરંગી દિલ્લી ચલો.."

 

*****

 

ઔરંગઝેબના કાળમાં જોધપુર મહારાજ જસવંતસિંહ થયા હતા. હતા તો જસવંતસિંહ ઔરંગઝેબના મનસબદાર જ પણ તોય ઔરંઝેબને પોતાની ઝેબમાં રાખીને ફરતા. જયારે જસવંતસિંહ મૃત્યુ પામ્યા ત્યારે ઔરંગઝેબે કહ્યું હતું કે "આજ કુફ્ર કે દરવાજા તૂટા હૈ..", ઔરંગઝેબ જોધપુર આંચકવાના પુરા પ્રયત્નો કરે છે પણ વીર દુર્ગાદાસ રાઠોડ પોતાના અદમ્ય સાહસ, વીરતા, ત્યાગ અને બલિદાન વડે જોધપુર ની ગાદી ટકાવી રાખે છે અને અજિતસિંહને ગાદીએ બેસાડે છે, ઈ જ વંશમાં અભયસિંહ થયા, એમણે પોતાના ભાઈ આનંદસિંહને ઇડર જીતવામાં મદદ કરી અને ઇડર રજવાડાની સ્થાપના થઇ. રાઠોડ વંશ ઇડરમાં પણ ચાલ્યો. ટૂંકમાં ઇડર અને જોધપુર બિલકુલ નજીકના ભાયું થયા, જયારે જોધપુર પર કોઈ રાજા નિર્વંશ જાય તો ઇડર થી દત્તક લેતા, ઇડરમાં કોઈ રાજા નિર્વંશ હોય તો જોધપુર થી દત્તક આવતો. ઈ.સ. 1843માં જયારે જોધપુર મહારાજા માનસિંહના મૃત્યુ બાદ કોઈ વંશ નહોતો ત્યારે ઈડરથી તખ્તસિંહને જોધપુરની ગાદીએ બેસાડ્યા. હવે રજવાડાઓનો પહેલાથી જ નિયમ હતો કે એક ભાઈ તો ગાદીએ બેસે, બાકીના નાની-મોટી જાગીર લઈને જુદા થાય, આ જુદા થયેલા ભાઈ, સામંત કહો, કે જાગીર મળી એટલે જાગીરદાર કહો, કે ઠીકાના મળ્યા એટલે ઠાકોર કહો.. આ સામંતો ને પોતાના ધારા-ધોરણો અને અમુક માર્યાદિત સત્તાઓ પણ મળતી..! પોતાની જાગીરના નાના-મોટા ફેંસલા પોતે જ સાંભળી સકતા. ને પાછું આ સામંતો એ સંકટ ટાણે રજવાડાને સૈન્ય સેવા પણ આપવાની. એટલે જાગીરદાર, સામંત કે ઠાકોર જે કહો ઈ એની પાંહે નાની-મોટી સેના પણ હોય જ.

 

જોધપુર હેઠે ઘણી નાની-મોટી જાગીર હતી, એમાંની એક જાગીર એટલે આઉવા. આઉવામાં જાગીરદાર ઠાકોર કુશાલસિંહ ચાંપાવતના બેસણા. એક કુશળ બાહોશ અને બુદ્ધિશાળી પ્રતિભા હતી કુશાલસિંહની. આઉવા મોટી જાગીર હતી. આઉવાની બાજુમાં જ એક નાની જાગીર હતી બીઠોડા. બીઠોડાના જાગીરદારનું મૃત્યુ થયું, અને જાગીરદાર નિર્વંશ હતા, એટલે મુદ્દો ગયો જોધપુર તખ્તસિંહ પાસે, કે બીઠોડા માં જાગીરદાર હતા, મૃત્યુ પામ્યા છે, નિર્વંશ હતા, ને હવે બીઠોડા માં જાગીરદારની નિમણુંક કરવાની છે. એટલે તખ્તસિંહે કાનજી નામના માણસને બીઠોડાનો જાગીરદાર બનાવ્યો. આ વાતની જાણ કુશાલસિંહને થઇ એટલે એમણે જઈને તખ્તસિંહને કીધું કે કોને પૂછી ને આ માણસ અહીંયા બેસાડ્યો છે મારી બાજુમાં બીઠોડામાં?

તખ્તસિંહ : કોને પૂછીને એટલે? હું જોધપુરનો મહારાજા છું, મારે કોને પૂછવાનું?

કુશાલસિંહ : પણ બાપુ બીઠોડા મારી બાજુમાં છે, મને તો જાણ કરો.. કમસેકમ.. હું મોટો સામંત છું મને પૂછવું જરૂરી છે.!

તખ્તસિંહ : એલા ભાઈ ખોટી લપ નહીં, તમે મને શીખવાડશો કે મારે શું કરવું ને શું નહીં, બનાવી દીધો તો બનાવી દીધો, ને બહુ ચળ હોય તો થતું હોય ઈ કરી લેવાનું..

 

ટૂંકમાં કુશાલસિંહ અને તખ્તસિંહને બીઠોડા બાબતે લપ થઇ, ને કુશાલસિંહે ક્રોધે ભરાઈને કાનજી નું ખૂન કરી નાખ્યું. હવે થતા તો થઇ, પણ કુશાલસિંહને સમજાણું કે રાજાએ નિમણુંક કરેલ માણસનું ખૂન કરવું ઈ રાજદ્રોહ છે, રાજાજ્ઞાનું ઉલ્લંઘન છે, એટલે સજા તો મળશે.. હવે શું કરવું? એટલે કુશાલસિંહ બેઠા બેઠા વિચાર કરે છે કે એક ઓપશન તો છે કે તખ્તસિંહની પાસે જઈ ને માફી માગી લેવી કે, "બાપુ તમારી ગા, ભૂલ થઇ ઈ થઇ હવે નહીં થાય..", બીજો ઓપશન દેખાતો'તો કે, બીજા સામંતો ને સાથે લઈને મધ્યસ્થી કરાવવી, પૈસે-ટકે દંડ ભોગવી લેવો.. ત્રીજો ઓપશન વિચાર્યો, કે ન તો હું માફી માંગુ, ન હું કોઈ મધ્યસ્થી નો કરાર કરું, બસ બાઘી લેવું.. તખ્તસિંહની ફોજ આવે તયે ભરી પી લેશું.. ઓમેય સામંતો પાસે સેના તો હોય જ, એટલે જાજી ફિકર નહોતી..!

 

એટલા માં એમનો એક ચાકર સમાચાર આપે છે કે, "બાપુ એરિનપુરામાં ક્રાંતિ થઇ ગઈ, આબુમાં અંગ્રેજોને ચારો વાઢે એમ વાઢ્યા છે, ને ઈ વિદ્રોહી/ક્રાંતિકારી સૈનિકો દિલ્લી બાજુ જાય છે."

 

કુશાલસિંહ નું કુશાગ્ર દિમાગ દોડવા લાગ્યું, કાંક વિચાર ઝબુક્યો ને ઉપડ્યા, માર્ગમાં ખેરવા ગામ આવ્યું, ત્યાં કુશાલસિંહ અને ઓલા એરિનપુરા વાળા સૈનિકો સામસામા ભેગા થઇ ગયા, રામ રામ કર્યા. સૈનિકો નો વડો કુશાલસિંહને ઓળખતો'તો એટલે પૂછ્યું, "બાપુ આમ કઈ બાજુ?"

કુશાલસિંહ : કઈ નહીં ભાઈ ઇવનિંગ વૉક ઉપર નીકળ્યો છું, પણ તમે આ ટુકડી લઈને કઈ બાજુ?

સૈનિક : અરે બાપુ અમે તો ક્રાંતિ કરી નાખી, અંગ્રેજો દેખાય એટલા વીણી લેવાના થાય છે. ને અમારો નારો સાંભળો, મારો ફિરંગી દિલ્લી ચલો..

કુશાલસિંહ : પણ તો દિલ્લી કેમ? આઉવા હાલો..

સૈનિક : બાપુ અમે આઉવા આવીને શું કરશું? અમે તો ક્રાંતિકારી છીએ.

કુશાલસિંહ : અરે હાલો, હુંય ક્રાંતિકારી છું.

સૈનિક : ક્યારથી?

કુશાલસિંહ : બસ અબી હાલ જ.. અને નારો ચેન્જ કરો, મારો ફિરંગી આઉવા ચલો..

 

ને ઉપડ્યા બધા આઉઆ. ટૂંકમાં કુશાલસિંહે જોયું કે આ ક્રાંતિકારી ફોજી ટુકડી એક દમ રેડી ટુ ફાઇટ છે. રાયફલ કારતુસ ને યુદ્ધ નો તમામ સાર-સરંજામ થી સજ્જ છે. જો આ લોકો મારી ભેગા ભળી જાય તો પછી તો જોધપુરનેય જોઈ લેશું.. એટલે મહેમાનગતિ ને નામે પણ કુશાલસિંહ પોતાને ત્યાં આ ફૌજી ટુકડીને લઇ જવામાં સફળ રહ્યા. પણ હવે કુશાલસિંહે એક હાર્યે બે દુશ્મન ઉભા કર્યા. જોધપુર સાથે તો દુશ્મની હતી જ, હવે અંગ્રેજ પણ સેના લઇ ને ચડી આવશે જ, યુદ્ધના બ્યુગલ ફૂંકાવાના હતા જ, અને ફૂંકાણાં.

 

પાલી પાસે બીઠોડા મુકામે ધિંગાણાંના ઢોલ ઢબુક્યા..! કુશાલસિંહની તૈયારિયું હતી જ કે બસ બાધી જ લેવું છે. કાં આ પાર કાં તો ઓલી પાર..! પોતાની સેના તો હતી જ, વળી એરિનપુરા વાળા ક્રાંતિકારીઓ પણ ઉકળતા લોહી હાર્યે તૈયાર જ હતા. જોધપુરની સેના લઈને કુશલરાજ સિંઘવી ચડ્યા, અંગ્રેજો તરફથી લેફ્ટેનેન્ટ હીથકોટ ચડ્યો. તારીખ હતી 8 sep. 1857..! બીઠોડામાં બાંકાઝીંક બોલી, અને કુશાલસિંહ ચાંપાવત એક સાથે બે દુશ્મનોને હરાવીને યુદ્ધ જીતી ગયા.

 

સખ્ત હારથી ચોટીલ અંગ્રેજોને ચળ તો ઉપડી કે એક નાનો એવો જાગીરદાર ગોરા ને કેવી રીતે હરાવી શકે? અડધું વિશ્વને આંબવા આવેલ ગોરા નાની અમથી જાગીરમાં આવીને માર ખાય? એ વખતે સમસ્ત રાજપુતાનાનો એજેન્ટ ટુ ગવર્નર જનરલ હતો જ્યોર્જ પેટ્રિક લોરેન્સ. બ્રિટિશ હોદ્દામાં સૌથી ઉપર હોય ગવર્નર જનરલ, એની હેઠે એજેન્ટ ટુ ગવર્નર જનરલ, એની હેઠે હોય પોલિટિકલ એજેન્ટ. એટલે લોરેન્સે મારવાડના પોલિટિકલ એજેન્ટ મોન્કમેસનને મેસેજ કર્યો, કે સાવ આમ થોડું હોય કાંય? તારા માણસો તૈયાર કરી લે, હુંય ફોજ લઈને નીકળું છું, આ ફેરી ઘેરીને મારવું છે આઉવા..! એટલે ચેલવાસ પાસે યુદ્ધના બ્યુગલ ફૂંકાવાના હતા.

 

બીઠોડાવાળા યુદ્ધના દસ દિવસ બાદ જ બ્યુગલ ફૂંકાણાં 18 sep. 1857 ના રોજ. ચેલાવાસ પાસે તોલાતોડ ધીંગાણું થયું.. મારવાડ વાળો પોલિટિકલ એજેન્ટ મોન્કમેસન તો હજી પૂગ્યો ય નહોતો ત્યાં તો A.G.G પેટ્રિક લોરેન્સ એકલો જ આઉવા માથે ચડી ગયો, પણ આઉવા વાળા ભારે પડ્યા, AGG ખુદને પાછું હઠવું પડ્યું.. એટલે પાછળ હટતો લોરેન્સ વાટ જોતો હતો કે મોન્કમેસન આવે એટલે સાથે મળીને મોટો હુમલો કરવો..! બીજી તરફ થી મોન્કમેસન આવ્યો, પણ એનાથી એક મોટા માંહ્યલો લોચો લાગ્યો..! હવે મોન્કમેસને દૂર થી જોયું કે એક પક્ષ તો જીતના જયકારા લગાવે છે, બીજો પક્ષ પાછળ હટે છે, એટલે એણે એમ ધારી લીધું કે લોરેન્સની જ સેના વિજયઘોષ કરે છે. પણ ખરેખરે તો લોરેન્સની પાછળ હટતી સેના જોઈને એરિનપુરા વાળા સૈનિકો રાડું નાખતા'તા.. વળી એરિનપુરા વાળા સૈનિકોનો ડ્રેસ પર અંગ્રેજો વાળો જ હતો, હતા તો ઈ પણ અંગ્રેજી સૈનિક જ.. એટલે મોન્કમેસન આ કંફ્યુઝનમાં આઉવા વાળા તરફ ચાલ્યો..! ઓલા બહુ રાજી થયા કે.. આલેલે આ તો બકરું પોતે પાંજરામાં પુરાવા સામેથી આવ્યું.. તલવારુંથી મોન્કમેસનનું ભવ્ય વેલકમ કરવામાં આવ્યું.. એક જોરદાર પંક્તિ છે કે,

 

"ઢોલ બાજૈ ચંગ બાજૈ ભલો બાજૈ બાંકીયો,

એજેંટ કો મારકર આઉવે માથે ટાંકીયો"

 

આઉવા ગઢની પ્રાચીર માથે મોન્કમેસનનું માથું કાપીને ટીંગાડી દીધું'તું.! અને સૈનિકો જે નાચ્યાં છે ગોરા અંગ્રેજને મારીને... હવે ઓલા લોરેન્સ વાળા સૈનિકોએ આ દ્રશ્ય જોયું કે ગઢને કાંગરે તો ગોરાનું માથું લટકે છે તો એમણે લોરેન્સને પૂછ્યું કે હવે? લોરેન્સકે ખાંહડા હાથમાં લ્યો ને ભાગો.. નકર આ જમની દાઢ જેવા જીવતા નહીં રેવા દે..! ને AGG પોતે ભાગ્યો.. ઠેઠ નસીરાબાદ જઈને ઉભો રહ્યો..! આ યુદ્ધ ગોરા-કાળાનું યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ પણ કુશાલસિંહ જીત્યા..! કહેવાય છે કે અંગ્રેજો વિચારમાં પડી ગયા હતા કે આ કુશાલસિંહ હારતો કેમ નથી, સતત બીજી વારનું યુદ્ધ પણ ભયંકર રીતે જીત્યો, અરે જીત્યો તો જીત્યો પણ એક ગોરાનું માથું કાપીને ગાઢ માથે ટાંગ્યું. તો કોઈએ જઈને અંગ્રેજો ના કાન ભંભેર્યા કે કુશાલસિંહ પાસે એક માતાજી છે, સુગાલી માતા.. 10 મસ્તક અને 54 ભુજાઓ વાળી એ મૂર્તિ. અંગ્રેજી સૈનિકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે, કુશાલસિંહનો કોઈ સૈનિક મરે છે તો તેને સુગાલીમાતાના સ્થાનકે લઇ જવામાં આવે છે જ્યાં માતાજી એને ફરી સજીવન કરી નાખે છે..! હવે અંગ્રેજી ફૌજનું મનોબળ જ ભાંગી ગયું કે આપણે તો મર મર કરીયે છીએ ને ઓલ્યા સુગાલી માતા ની કૃપા થી પાછા જીવતા થઇ ને આપણે માર માર જ કરે છે..!

 

બંગાળ બેઠેલા ગવર્નર જનરલ કેનિંગ્સ ને આ વાત ની જાણ થઇ કે અંગ્રેજ સેના બીઠોડા અને ચેલાવાસ એમ બબ્બે વાર હારી, એટલે એણે AGG લોરેન્સને મેસેજ કર્યો કે આમ હોય કાંય, ગોરા થઈને હારો છો.. એલા આબરૂની ધૂળ-ધાણી કરી નાખી તમે તો..!

લોરેન્સ કે સાહેબ તમે હાજર હોત તો ખબર પડેત.. ઓલ્યો વગર ચપ્પલે ધોડાવે છે..!

કેનિંગ કે, પણ એલા તમે આટલા બધા તોય એક પોલિટિકલ એજેન્ટ ને મારી નાખ્યો?

લોરેન્સ કે બાપુ જય હો સુગાલી માતા..

કેનિંગ કે, ઈ હંધુંય અંધવિશ્વાસ છે..

લોરેન્સ કે, પણ  આખી સેના માને છે, માતાજી છે એક, એનાને તો કાંઈ નથ થાતું ને આપણા વાળા વરસાદ ના પરપોટા ફૂટે એમ ખૂટવા માંડે છે..!

ઓલી બાજુથી જોધપુરના તખ્તસિંહ કે છે કે હાલો આઉવા, હુંય તમારી ભેળો આવું પણ નસીરાબાદનો એકેય ફોજી તૈયાર થયો નહીં. અહીંયા તો લોરેન્સ સમેત હંધાય રાજીનામાં દેવા તૈયાર થઇ ગયા'તા કે ભાઈ માણહ હોય તો બાધીયે, માતાજી હામું કેમ બાધવું? ચાર મહિના પછી છેલ્લે દિલ્લીથી સેના મોકલવી પડી, અને ખરેખરી નો જંગ થવાની શરૂઆત થઇ, આઉવાના જ પાદરમાં યુદ્ધ થવાનું હતું..તારીખ 20 JAN. 1858.

 

અંગ્રેજોની સેનાનું નેતૃત્વ કરનાર કર્નલ હોમ્સ સાથે જોધપુર મહારાજાએ હંસરાજ જોશીને જોધપુરી સેના સાથે મોકલ્યો. આઉવાના આંગણામાં જ આ યુદ્ધ થયું, નોબતો ગાજી, બુંગીયા ઢબુક્યા, રણભેરીઓ રણકી, ભાલા, ઢાલ, તલવાર્યુ, ને બંધૂકું ના ભડાકા બોલ્યા.. આ વખતે નક્ષત્રો અંગ્રેજોના પક્ષે જઈ ઉભા રહેતા હોય એમ લાગતું હતું, ચાર દિવસ થયા.. યુદ્ધ ચાલુ જ હતું.. કુશાલસિંહનો સાર-સંજામ ખૂટવા લાગ્યો, અને યુદ્ધનું પરિણામ પણ દૂર દૂર સુધી દેખાતું નહોતું એટલે કુશાલસિંહ બહાર ક્યાંકથી સહાયતા મેળવવા યુદ્ધનું નેતૃત્વ લામ્બિયાના ઠાકોર પૃથ્વી સિંહને સોંપીને મેવાડ તરફ ચાલ્યા, અને પાંચમે દિવસે 24 JAN. 1858 ના રોજ અંગ્રેજો વિજયી થયા, આઉવા ઉપર અંગ્રેજો નો કબ્જો થયો. કુશાલસિંહ તો ગઢમાં હતા નહીં, અને વિજેતા અંગ્રેજો સુગાલી માતાજીની મૂર્તિ લઈને ચાલતા થયા..! એમને હજી ય બીક તો હતી કે ક્યાંક પાછા આ લોકો સુગાલીમાતાની મદદથી ફરી ક્રાંતિ નો કરે..! એ મૂર્તિ પહેલા તો અજમેર લઇ ગયા, ત્યાં રાજપુતાના મ્યુઝિયમ હતું ત્યાં રખાઈ હતી, પછીથી પાલીમાં બાંગડ મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી.

 

મેવાડમાં કુશાલસિંહને જાણ થઇ કે આઉવા પડ્યું..! ઘણા દુઃખી થયા, કે મારા જીવતા જ મારું આઉવા અંગ્રેજોને હાથ પડ્યું, પણ કુશાલસિંહ બળ સાથે સાથે બુદ્ધિનો પણ સારા માંહ્યલો પ્રયોગ કરી જાણતા હતા. વિચાર્યું કે હવે આઉવા જાઉં તો તો અંગ્રેજો કેદ કરે, કારાવાસની કોઈ અંધારી કોટડીમાં પુરી દ્યે, કાં તો મારી ય નાખે, પણ જો જીવતો રહું તો પ્રયત્ન તો કરી શકું કે કેમેય આઉવા મારે હાથ પાછું આવે..! મેવાડમાં સલુમ્બર ના ઠાકોર કેશરીસિંહ, અને કોઠારીયા ના ઠાકોર જોધસિંહ પાસે કુશાલસિંહને શરણ મળી. અંગ્રેજોનું દબાણ ખુબ હતું કે કેમેય કરી ને ફરાર ફરતા કુશાલસિંહને કેદ કરવા.

 

છેવટે કુશાલસિંહનેય લાગ્યું આમ ક્યાં સુધી નાસતું-ફરતું રહેવું..! કોઈને શરણે જાવું, કોઈના ઓશિયાળા થઇ ને રહેવું..? આવી ભાગતી રખડતી જિંદગી કરતા તો અંગ્રેજો પાસે જઈને સરેન્ડર થઇ જવું..! એટલે 8-Aug.-1860ના મેવાડ પાસે નિમચમા અંગ્રેજોની સૈન્ય છાવણી કુશાલસિંહ ચાંમ્પાવત સરેન્ડર કરી દે છે.

 

અંગ્રેજો તો ભારે રાજી થયા ભાઈ, કે આહાહા જેને ગોતતાં તા ઈ હાંમેથી આવી ગયો, ગોતવાની પીડા મટી, ફાંસી દ્યો આને.. અંગ્રેજો તમામે ક્રાંતિકારીઓને કાં તો ફાંસી દઈ દેતા, કાં તો કાલાપાની..

એટલે કુશાલસિંહ કે, રુકો, જરા સબર કરો.. કાં એલા શેની ફાંસી, મેં શું કર્યું છે?

એટલે ગોરા કે, તમે અમારી વિરુદ્ધ ક્રાંતિ કરી છે, અમારો એક ગોરો માર્યો છે. અમારી વિરુદ્ધ બબ્બે વાર યુદ્ધ કર્યા છે.

એટલે બુદ્ધિશાળી કુશાલસિંહે કહ્યું, કે મેં ક્યાં ક્રાંતિ કરી છે, મારે તો જોધપુર મહારાજા તખ્તસિંહ હાર્યે વાંધો હતો, મેં તો એમની વિરુદ્ધ યુદ્ધ કર્યું છે. આ લડાઈયુ પેલા તમે ક્યારેક આઉવા આવ્યા હોય ત્યારે તમારી આવભગતમાં તમને કોઈ દી વાંધો પડ્યો છે?

ગોરા માથું ધુણાવી ના પાડી.

કુશાલસિંહ : કોઈ દી એવુંય સાંભળ્યું છે કે આઉવા વાળા એ તમારી પીઠ પાછળેય તમારી બુરાઈ કરી હોય?

ગોરો કે બાત તો સહી હૈ, સાંભળ્યું તો નથી કોઈ દી કાંઈ..

કુશાલસિંહ : કોઈ દી તમને એવું લાગ્યું કે હું તમારી વિરુદ્ધ કોઈ કાવતરું, ષડયંત્ર કે કોઈ દુર્ભાવના રાખું છું,

ગોરો કે નહીં..

કુશાલસિંહ : તો એલા આપણે ભાઈબંધ છીએ, વી આર ફ્રેન્ડ્સ બ્રો... મારે ને તમારે કાંઈ દુશ્મની જ નથી, તો હું તમારી સાથે શું કામ લડું?

અંગ્રેજ કે તો બબ્બે વાર યુદ્ધ કેમ કર્યા?

કુશાલસિંહ : મને તો તખ્તસિંહ હારે વાંધો છે ને એની હારે તો હું હજીય બાધીશ..

અંગ્રેજોય ઘડીક તો મૂંજાણા કે વાત તો સાચી છે, આપણે ને આઉવા ને શેની લપ? પણ એટલામાં એકાદ અંગ્રેજ નું મગજ હાલ્યું કે તો ઓલા એરિનપુરાવાળા સૈનિકો દિલ્લી જતા હતા ઈ બધાંયને તું આઉવા કેમ લઇ ગયો?

કુશાલસિંહ કે, અરે સર, હું થોડો એમને આઉવા લઇ ગયો, ઈ લોકો મને આઉવા લઇ ગયા હતા. જબરજસ્તી મને ઉપાડી ગયા હતા, બાકી હું એમની સાથે નથી.

 

એટલે અંગ્રેજોએ કીધું કે અમે જાંચ-પડ઼તાલ કરશું, આ આખા પ્રસંગ નો, અને અંગ્રેજોએ ટેલર કમિશન બનાવ્યું. અને ઈ ટેલર કમિશને અંતે નિષ્કર્ષ આપતા કહ્યું કે, "કુશાલસિંહે ક્રાંતિ નતી કરી."

 

કેવું કેવાય નહીં, અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કર્યા, અંગ્રેજોને માર્યા, પોલિટિકલ એજેન્ટ નું માથું ગઢ ઉપર ટીંગાડ્યું, છેલ્લે અંગ્રેજોને ય મૂર્ખ બનાવીને લખાણ કરાવી લીધું, કે ક્રાંતિ નથી કરી અને આઉવા અંગ્રેજોનું મિત્ર છે. એટલે નિર્દોષ જાહેર થઇ ને કુશાલસિંહ આઉવા આવે છે તો તખ્તસિંહ તૈયાર બેઠેલ કે અંગ્રેજો એ છોડી દીધો, પણ હું નહીં છોડું, હું પકડીને મારીશ...!!

 

એટલે કુશાલસિંહે અંગ્રેજોને ફરિયાદ કરી કે, આ તખ્તસિંહ હવે કનડે છે..! એટલે અંગ્રેજોએ તખ્તસિંહને દબાવ્યા કે અમારા મિત્રને કાંઈ નો થવું જોઈએ..! ટૂંકમાં ઓલ્યો મોન્કમેસન મફત માં બ્રિટિશ-દેશને કામ આવી ગયો..!!! પણ આઉવા અને જોધપુર વચ્ચે ના તણાવ ને જોતા અંગ્રેજો એ કુશાલસિંહને આઉવા ન જવાની સલાહ કરી, કુશાલસિંહે પણ આઉવા છોડ્યું અને એમના અંત સમયે ઈ.સ. 1864માં ઈ ઉદયપુર માં હતા. જો કે બાદમાં એમના દીકરા દેવીસિંહને આઉવા ના જ જાગીરદાર બનાવવામાં આવ્યા હતા.

 

 

***** મારવાડ ના અન્ય સામંત/જાગીરદારોએ પણ કુશાલસિંહનો સાથ આપ્યો હતો..! આસોપ જાગીર ના શિવનાથસિંહ, ગુલરના બિશનસિંહ, આલણીયાંવાસના અજીતસિંહ, બસવાના જાગીરના ચાંદસિંહ, તુલગિરીના જગતસિંહ..!!!

Post a Comment

0Comments
Post a Comment (0)