આગ્રાના તખ્ત ઉપર બિરાજતો મુઘલિયા સલ્તનતનો બાદશાહ શાહજહાં ઈ.સ. 1658ની આસપાસ બીમાર પડ્યો, ત્યારે એના ચાર દીકરા મુઘલિયા સલ્તનતની ચારે દિશામાં રક્ષણાર્થે બેઠા હતા. ઉત્તર માં શાહજહાં નો પ્રિય દારા શિકોહ હતો, પૂર્વમાં બંગાળનો સૂબો થઈને બેઠેલો શાહ સુજા હતો, પશ્ચિમમાં ગુજરાતનો સૂબો મુરાદબક્ષ અને દખ્ખણમાં ઔરંગઝેબ બેઠો હતો. શાહજહાઁએ પોતાની પાછળ મુઘલિયા સલ્તનતનો બાદશાહ દારા શિકોહ સ્વીકાર્યો. શાહજહાંની બીમારી ના સમાચાર અને દારા આગલો બાદશાહ બનવાના સમાચાર ઓલ્યા ત્રણે સૂબા એ સાંભળ્યા.. મુઘલોમાં જૂનો ને જાણીતો રિવાજ હતો કે, બાપના મર્યા પછી એના બધા દીકરા અંદરોઅંદર બાધે, બીજા હંધાયને મારીને જે જીતે ઈ ગાદીએ બેસે.
કહેવાય છે કે, ઔરંગઝેબે મુરાદ ને હાથમાં લીધો કે, "ભાઈ, સાંભળ્યું દારા જેવો નબળો સુલતાન બનશે? મારા હિસાબે તો મારો ભાઈ મુરાદ સુલતાન બનવો જોઈએ.."
મુરાદને ય મનમાં લડ્ડુ ફૂટે.., "સાચે તું ચાહે છે કે હું સુલતાન બનું?"
પેટમેલા ઔરંગઝેબે મુરાદ ને ચડાવ્યો કે "હા ભાઈ, તું ફોજ લઈલે આપણે બુદ્ધિહીન બાપને ઉતારી ને હું તને ગાદીએ બેસાડીશ."
બેયે નક્કી કર્યું કે માળવામાં પોતપોતાની ફોજ હાર્યે ભેગા થાવી ને ન્યાંથી ભેગા આગ્રા જાશું.. બીજી બાજુ બંગાળથી એકલો શાહ સુજા ચડ્યો..! બાદશાહ બનવાની હોંશ કેને ન હોય? આગ્રામાં શાહજહાં અને દારા ને આ હંધાય સમાચાર મળ્યા, કે તખ્તોપલટ થાય એમ છે..! એટલે સભા ભરી, શાહજહાંએ પોતાના મનસબદારો ને કહેવડાવ્યું કે, શાહ સુજા ને રોકો, જવાબદારી અપાણી જયપુર વાળા મિર્ઝા રાજા સવાઈ જયસિંહને..! જયસિંહ યુદ્ધકૌશલને ઘોળી પી જનારો જણ..! જેવા તેવાને તો સવા પોર દી ચડે ઈ પેલા જ યુદ્ધમાં ધમરોળી નાખતો..! આ જયસિંહે આગળ જતાં મરાઠા સામ્રાજ્યના વીર શિરોમણી શિવાજીને પણ પકડ્યા હતા. જો કે દીધેલ વચન ખાતર શિવાજી ને આગ્રા થી ભાગવામાં પણ મદદ કરેલ. આ જયસિંહ એટલા શક્તિશાળી અને સામર્થ્યવાન હતા કે ધારેત તો મુઘલિયા સલ્તનત ને દબાવીને પોતે આગ્રાની ગાદીએ બેસી શકેત પણ એવું કેમ ન કર્યું એનું કારણ રાજપૂતોની વચનનિષ્ઠા..! હા તો વાત હાલતી હતી, બંગાળથી શાહ સુજો ચડ્યો, એને ડામવા સામે મિર્ઝા રાજા સવાઈ જયસિંહ ચડ્યા, અને બહાદુરપુર માં યુદ્ધ થયું. રાજા જયસિંહે શાહ સુજાને એવો સોજાડ્યો કે પાછો બંગાળ ભણી ભાગી નીકળ્યો.
બીજી તરફથી બે જણા એક સાથે આવતા હતા, મુરાદ્દબક્ષ અને ઔરંગઝેબ પોતે. એટલે આ તરફ વધુ તાકાત ની જરૂર હતી. શાહજહાંએ પસંદગીનો કળશ ઢોળ્યો જોધપુરના રાજા જસવંતસિંહ ઉપર..! જસવંતસિંહ કે,"તમારા ઘરનો મામલો છે, હું શું કામ વચ્ચે પડું?"
એટલે શાહજહાંએ માળવાપ્રદેશ યુદ્ધના બદલામાં જસવંતસિંહને આપવા નક્કી કર્યું, માળવા સમૃદ્ધ હતું, ખેતીમાં ઉપજાઉ હતું, એટલે મુઘલો માળવા પોતાને હસ્તક જ રાખતા, પણ પોતાને માળવા મળશે એટલે જસવંતસિંહ તો પોતાની સેના લઈને માળવા જઈ બેઠા..! ઉજ્જૈન પાસે ધર્મત માં ઔરંગઝેબ અને મુરાદ્દબક્ષ પહોંચ્યા ત્યાં જસવંતસિંહ પેલે થી બેઠા હતા, ઓલા બેય ને રોક્યા અને પૂછ્યું "કઈ બાજુ એય?"
"કાંઈ નહીં, બાપુ બીમાર છે, ખબર કાઢી આવીયે.."
"ધન્ય છે તમારી માયું ને, બાપની ખબર પૂછવા જાવ છો. પણ બાપની ખબર-અંતર પૂછવામાં સેના ની શું જરૂર?"
"અમે સેનાપતિ છીએ, સેના તો ભેગી હોય જ ને.."
"હા તો વાંધો નહીં, સેના અહીંયા મુકતા જાવ, ને ખબર-અંતર પૂછી આવો.."
પણ હુંશિયાર ઔરંગઝેબે સેનાની ભોજનાદિ ગોઠવણ કરવામાં એક મહિના ની મુદ્દત લીધી, અને જસવંતસિંહ ભેળા આગ્રાથી આવેલ કાસીમ ખાન હાર્યે મસલત શરુ કરી..!
"કાસીમખાન તું હિન્દૂ ક્યારનો થઇ ગયો? હિંદુઓની ભેગો રહીને જંગ કરવા આવ્યો છો? તુંય મુસલમાન હુંય મુસલમાન, આપણે તો એક પક્ષમાં હોવા જોઈએ.."
ને યુદ્ધના બ્યુગલ ફૂંકાણા, અને કાસીમખાન દગો કરીને ધર્મને નામે 30000ની સેના સાથે ઔરંગઝેબ સાથે મળી ગયો, દારાના પક્ષેથી લડતા જસવંતસિંહના સાથી કોટાના મુકુન્દસિંહ હાડા, રતલામના રતનસિંહ રાઠોડ, દયાળસિંહ ઝાલા, અર્જુનસિંહ ગૌડ, સુજનસિંહ સીસોદીયા આ બધા વીરગતિને વર્યા..! ઘાયલ જસવંતસિંહ પુરજોશથી યુદ્ધ લડી રહ્યા હતા..! કાસીમખાન ના દગાથી લગભગ યુદ્ધ નું પરિણામ હાર નક્કી થઇ જ ગયું હતું. બધાએ મૃત્યુ સ્વીકારી લીધું હતું, અને જસવંતસિંહના મંત્રીઓએ વિચાર્યું કે, આ બાપ-દીકરાવની કંકાસમાં આપણે શું કામ મરવું, ને ઘાયલ જસવંતસિંહને યુદ્ધમેદાન માંથી કાઢીને જોધપુર ઉપાડી ગયા. જોધપુર પહોંચતા જ અલગ મામલો ઉચક્યો..! જસવંતસિંહજી ની રાણી હતા જસવંતદે, હા રાણી નું નામ પણ જસવંત જ હતું..! હાડી રાણી હતા. જસવંતદે એ ગઢના દરવાજા બંધ કરાવી દીધા હતા કે, રાજા જસવંતસિંહ યુદ્ધ મેદાનમાંથી ભાગી ને આવ્યા છે..! રણમેદાનમાંથી ભાગીને આવવું એક રાજપૂત માટે અસહ્ય જ થઇ પડતું..! જેમ-તેમ કરીને હાડીરાણી ને મનાવવામાં આવ્યા, કે ઈ ભાયું-ભાયું ની કંકાસમાં કોણ પડે, ઈતો એમનો રિવાજ છે કે ભાઈ ભાઈને મારીને ગાદીએ બેસે, શાહજહાં પોતે પોતાના ચાલીસેક ભાયુંને મારીને ગાદીએ બેઠો'તો.. ને એવું એવું..! રાણી એ રાજાને અંદર તો આવવા દીધા, પણ વાતે વાતે મેણાં-ટોણા માર્યા કરતા..! રાજા જમવા બેસે તો ધાતુના વાસણો ને બદલે પતરાળીયું માં પીરસતા અને કટાક્ષમાં કારણ કહેતા કે ધાતુના વાસણ ખખડે તો રાજાજી બી જાય, કેમ કે ધાતુની તલવાર્યુ ટકરાતી'તી તયે તો ભાગીને આવ્યા છે..! એ રાણીયુ માતૃભૂમિ પ્રત્યે કેટલા સંસ્કારોથી સિંચિત હશે જે પોતાના પતિના મૃત્યુ માટે કામના કરે છે કે આ યુદ્ધમાંથી ભાગીને આવે એના કરતા રણમેદાનમાં જ પોઢી જાય..!
જસવંતસિંહના ગયા પછી ઔરંગઝેબ યુદ્ધ જીતી ગયો. દારા ના પક્ષની હાર થઇ. ઔરંગઝેબ અને મુરાદબક્ષ આગરા તરફ આગળ વધ્યા..! આ વખતે દરબારીઓના સમજાવવા ઉપરાંત દારા શિકોહ પોતે યુદ્ધમેદાનમાં ઉતર્યો..! સામુગઢમાં યુદ્ધ થયું.. ઔરંગઝેબના સિતારાઓ જોરમાં હતા, અને ફરી ઔરંગઝેબ જીત્યો, દારા શિકોહ ભાગીને ગુજરાત આવી ગયો. આગ્રા કબ્જે થયું..! ઔરંગઝેબે મુરાદબક્ષને "સરપ્રાઈઝ" કહીને મોતને ઘાટ ઉતાર્યો..! શાહજહાંને તખ્ત ઉપર અયોગ્ય ઠેરવીને કેદ નંખાવ્યો, અને પોતે આગ્રા ના તખ્ત ઉપર બેસીને મુઘલિયા સલ્તનતનો બાદશાહ બન્યો..!
દરબારીઓ અને મનસબદારોએ હવાની દિશા જોઈને ઔરંગઝેબને નવા બાદશાહ તરીકે સ્વીકારી લીધો, મિર્ઝા રાજા સવાઈ જયસિંહ ઔરંગઝેબને સ્વીકારનાર રાજપુતાનાના પહેલા મનસબદાર હતા. ઔરંગઝેબને પણ જસવંતસિંહની જરૂર તો હતી જ. જોધપુર એક સશક્ત અને સામર્થ્યવાન રજવાડું હતું. રાજા જયસિંહની મધ્યસ્થી થી ઔરંગઝેબ અને જસવંતસિંહ વચ્ચે સંધિ અને સુલેહ થઇ. પણ 1659 માં જ પાછો બંગાળમાંથી સશક્ત થઇ ને શાહ સુજો ચડી આવ્યો દૂર્તદમંગલ ફૌજ લઈને..! કથાનકો કહે છે, કે ઔરંગઝેબે જસવંતસિંહને કહેણ મોકલાવ્યું..! અને ખજવા પાસે યુદ્ધની રણભેરીઓ ગાજી..!
જસવંતસિંહ મનોમંથનમાં હતા, કે હજી થોડા દી પહેલા જ હું આ ઔરંગઝેબને મારી નાખેત, પણ ઓલા કાસીમખાનના દગા ને લીધે નામ ઉપર બટ્ટો લાગ્યો, ઘરે રાણી હાર્યે ય લપ થઇ, ને આજ આ ઔરંગઝેબના પક્ષે રહીને મારે લડવું પડે? હદ થઇ છે. કહેવાય છે કે જસવંતસિંહે શાહ સુઝાને સંદેશ મોકલ્યો, "હાલ તને આગરા ના તખત ઉપર બેસાડું, હું યુદ્ધની શરુવાતમાં જ ઔરંગઝેબનો શસ્ત્રાગાર લૂંટી ને જોધપુર વયો જઈશ, ને તારે તરત જ ઔરંગઝેબ ઉપર હુમલો કરવો, ઔરંગઝેબને સમજમાં જ નહીં આવે કે એણે મારો પીછો કરવો કે તારી સાથે યુદ્ધ કરવું.." અને ખરેખર યુદ્ધમાં જસવંતસિંહે અચાનક જ ઔરંગઝેબ ઉપર જ હુમલો કરી દીધો, એનો શસ્ત્રાગાર લૂંટી ને જોધપુર ભણી ચાલી નીકળ્યા. પણ બીજી તરફ શાહ સુજાના વિલંબ ને કારણે ઔરંગઝેબને ફરી પોતાની સેના વ્યવસ્થિત કરવાનો સમય મળી ગયો, અને પુરા દમથમથી એણે શાહ સુજાને પરાસ્ત કર્યો, કહેવાય છે એ યુદ્ધ પછી શાહ સુજો ભાગીને ક્યાં ગયો કોઈ ને ખબર પડી નહીં.
ઔરંગઝેબને લૂંટીને જશવંતસિંહ જોધપુર તરફ જઈ રહ્યા હતા, આગ્રા રસ્તામાં જ આવતું હતું. ઔરંગઝેબ યુદ્ધમાં ગયો ત્યારે આગ્રાની સિક્યુરિટી સાહિસ્તાખાનને આપી ગયો હતો. સાહિસ્તાખાન ને સમાચાર મળ્યા કે જસવંતસિંહ સેના સાથે આગ્રા તરફ આવી રહ્યા છે, ત્યારે દરેક દૃષ્ટિએ નબળા સાહિસ્તાખાને ઝેરની ગોળીયું ગળીને જીવન ટૂંકાવવા વિચાર્યું. પણ ઈતો એની બેગમુએ એને સમજાવ્યો કે, મરવું જ છે તો કેમ સે કમ જશવંતસિંહ આગ્રા પાસે પહોંચીને હુમલો કરે ત્યારે મરી જાજે..! અને જશવંતસિંહ તો લૂંટનો સામાન ભેગો હોવાથી આગ્રા બાયપાસ કરીને નીકળી ગયા. થોડોક વખત વીત્યો, ઔરંગઝેબ આગ્રા ના તખ્ત ઉપર થોડોક સ્થાયી થયો, ત્યાં જ પાછું જસવંતસિંહે ઉંબાડીયું સળગાવ્યું. જસવંતસિંહે ગુજરાતમાં બેઠેલા દારા શિકોહ ને સંદેશ મોકલ્યો કે હાલ તને આગ્રા અપાવું, સેના વગેરે તૈયાર કર.
ગમે એમ પણ આ સમાચાર આગ્રા બેઠેલ ઔરંગઝેબને મળી ગયા કે જશવંતસિંહ દારા સાથે સાંઠ-ગાંઠ કરે છે, એટલે ઔરંગઝેબે જસવંતસિંહને દારા ને બદલે ગુજરાત દેવાની ઓફર કરી. જસવંતસિંહને ઓફર ગમી, એમણે હા પાડી, અને આ સૂચના દારા ને પણ મળી ગઈ કે જસવંતસિંહને ગુજરાતની સુબેદારી મળી છે એટલે દારા સિંધ તરફ ભાગી નીકળ્યો.
વળી ટાણાં ના વહેણાં વાયા..! શાંતિ હતી થોડીક, પણ જસવંતસિંહે પાછો સિંધમાં બેઠેલ દારાને મેસેજ કર્યો, "હાલ આગ્રા અપાવું, પણ એકલો ન આવતો, હવે ઔરંગઝેબ ઘણો શક્તિશાળી થઈ ગયો છે, મુરાદ મરી ગયો, સુજાને ભગાડી મુક્યો, તું એક જ છે એટલે રાજપુતાનાના રાજપૂત રાજાઓ ને તારા પક્ષે કર અને પછી હલ્લો કર."
દારા ને પણ પ્રસ્તાવ ગમ્યો. દારા મેવાડનાથ રાજસિંહજીને પોતાનો પક્ષ લેવા વિનંતી કરી, "હે હિંદુવા સુરજ, મારી રક્ષા કરો અને મને ઔરંગઝેબ થી પ્રતિશોધ લેવા મારી મદદ કરો." પણ મેવાડધણી રાજસિંહે દારાની વિનંતી અવગણી, રાજસિંહજી એ પ્રથમ રાજાઓમાંથી હતા જેમણે ઔરંગઝેબનો પક્ષ લીધો હતો. કારણ હતું, કે શાહજહાં ના વખતમાં જ્યારે રાજસિંહ ચિત્તોડગઢનું સમારકામ કરાવતા હતા, ત્યારે દારા એ આદેશ જાહેર કરીને ચિત્તોડગઢનું સમારકામ રોકાવી દીધું હતું. એટલે રાજસિંહ દારા પ્રત્યે નારાજ હતા. જો કે રાજસ્થાનનો કોઈ પણ રાજવી મુઘલો પ્રત્યે એકનિષ્ઠ પણ નહોતો, સમયાંતરે રાજપૂતોએ મુઘલોનો સાથ પણ દીધો છે, ને મુઘલો વિરુદ્ધ હથિયાર પણ ઉપાડ્યા છે.
દારા શિકોહ ને જયારે રાજસ્થાનના કોઈ પણ રાજપૂત રાજા નો સાથ-સહકાર ન મળ્યો, ત્યારે ઈ એકલો જ યુદ્ધે ચડ્યો, અજમેર પાસે દોરાઈના પાદરમાં યુદ્ધ થવાનું હતું. સામેથી ઔરંગઝેબ ચડ્યો, ઔરંગઝેબે જસવંતસિંહને યુદ્ધમાં સામેલ થવા કહેણ મોકલ્યું. અને જસવંતસિંહ સલવાણાં..! દારા ને નોતર્યો તો એમણે જ હતો. હવે જો દારા ના પક્ષે જઈને લડે તો મૃત્યુ છે, ઔરંગઝેબના પક્ષે રહીને એમને લડવું નહોતું, બેય બાજુના અપ્રિય વલણ જોતા એ જોધપુરથી સેના લઈને નીકળ્યા અને બ્યાવર બાજુ જઈને બેસી ગયા કે ભાઈ હું તો છું બીમાર.. તમે ભાયું-ભાયું તમારું જોઈ લ્યો..!!! યુદ્ધમેદાનમાં ઔરંગઝેબની શક્તિ સામે દારા નું કાંઈ ચાલ્યું નહીં, ઔરંગઝેબ જીત્યો, દારા ને કેદ લીધો..! કહેવાય છે પહેલા તો એણે દારા ને દિલ્લીની બજારમાં ફેરવ્યો, પ્રજા દ્વારા એનું અપમાન કરાવ્યું, પછી એના નખ, આંખ્યું વગેરે ખેંચાવીને એનું માથું ધડ થી જુદું કર્યું, અને એનું માથું સારી એવી રીતે ગિફ્ટ-પેકીંગ કરીને શાહજહાંને મોકલ્યું. અને સૂચના કરી કે શાહજહાંને આ ગિફ્ટ ત્યારે દેખાડવી જયારે ઈ જમવા બેઠો હોય.. દારા શાહજહાંનો પ્રિય પુત્ર હતો ને..!
ઔરંગઝેબ એક ક્રૂર અને ધર્માન્ધ બાદશાહ થયો હતો દિલ્લીના તખ્ત ઉપર. બીજા મુઘલો પણ ગાય જેવા તો નહોતા જ પણ ઔરંગઝેબ તો સૌથી વધુ ક્રૂર અને ધર્માન્ધ હતો. અકબરની સામે જેમ મહારાણા પ્રતાપ પડ્યા હતા એમ ઔરંગઝેબની સામે આખા ભારતવર્ષમાં એક જ ઊંચો અવાજ ટકી રહ્યો હતો હતો, એ અવાજ હતો દખ્ખણમાંથી શિવાજી છત્રપતિ નો. શિવાજી ની રંઝાડ કાંઈ જેમતેમ નહોતી..! હાલતા-ચાલતા મુઘલોને ટપલી મારતા રહેતા. લગભગ દખ્ખણ શિવાજીએ કબજાવી લીધું હતું. એટલે શિવાજીને ડામવા ઔરંગઝેબ એના મામા સાહિસ્તખાન ને મોકલે છે. સાહિસ્તખાન ની મદદ માટે મોકલવામાં આવ્યા જસવંતસિંહ. જસવંતસિંહને શાહજહાં વખત થી જ ઔરંગઝેબ પ્રત્યે ઘૃણા તો હતી જ. સાહિસ્તખાને જઈને પૂનાનો કિલ્લો કબ્જે કર્યો. અને શિવાજી ને પૂનાનો કિલ્લો પાછો જોઈતો હતો પણ મેળ પડતો નહોતો...! વળી જસવંતસિંહ માર્કેટમાં ઉતર્યા, અને શિવાજીને મેસેજ કર્યો, કે "પુનાવાળો કિલ્લો જીતવો છે?"
"હા ભાઈ, જોતો જ હોય ને.."
"તો જીતી જા ભાઈ.."
"પણ સાહિસ્તો બેઠો છે તે"
એટલે જસવંતસિંહે આઈડીયો કર્યો, પોતે મુઘલોના સેનાપતિ તો હતા જ, મુઘલોની ડ્રેસ એમની પાસે હતી જ, એમણે શિવાજીને મુઘલ સૈનિકોનો ડ્રેસ આપ્યો, શિવાજીએ પોતાના માણસો સાથે રાતે ઈ ડ્રેસ પેરી ને ગઢનો દરવાજો ખખડાવ્યો, ચોકીદારે પૂછ્યું કે, "કોણ"
શિવાજીએ જણાવ્યું કે મુઘલ સૈનિકો છીએ, અહિયાંથી જતા હતા, અંધારું થઇ ગયું એટલે રાત રોકાવી છે. હવે ઈ વખતે ઓમેય સેનાઓ આમથી તેમ ફરતી રહેતી હતી, ચોકીદારો ને પહેરવેશથી પોતાના જ લાગ્યા, અંદર આવવા દીધા, અને પછી તો ધીંગાણું જામ્યું..! શિવાજી સાહિસ્તખાનની છાતી ઉપર ચડી બેઠા. અને સાહિસતાખાન નો અંગુઠો કાપી લીધો ને કીધું કે આજ તો અંગુઠો કાપું છું, નેક્સટ ટાઈમ ગળું ઉડાડીશ, પૂનાની આજુબાજુય ક્યાંય દેખાતીનો નહીં... સાહિસ્તાખાન તો બચાડો રોતો-કકળતો ગયો ભાઈ ઔરંગઝેબ પાસે કે, કોને તું મદદ માટે મોકલે છો એલા..! જસવંતસિંહ તો મારા બદલે શિવાજીની મદદુ કર્યે જાયે છે..! પણ ઔરંગઝેબને એના મામા સાહિસ્તખાન ઉપર જ ક્રોધ આવ્યો અને કીધું, કે મામા ભાગી જા, જો ક્યાંય દેખાણો તો ટાંટિયા તોડી નાખીશ, ને મામો સાહિસ્તખાન બંગાળ બાજુ વયો ગયો.
હવે પુના તો પાછું શિવાજીના કબજામાં આવી ગયું હતું, જસવંતસિંહ ન્યાં બેઠા બેઠા જલસા કરતા હતા. એટલે ઔરંગઝેબે પોતાના દીકરા મુઅજ્જમને મોકલ્યો. મિર્ઝા મુહમ્મદ મુઅજ્જમ જ આગળ જતા ઔરંગઝેબ પછી ગાદીએ બેઠો જે શાહઆલમ અને બહાદુરશાહ બંને નામોથી પ્રસિદ્ધ છે. હવે મુઅજ્જમ જયારે દખ્ખણ આવ્યો, ત્યારે જસવંતસિંહ ત્યાં બેઠા જ હતા, એટલે જસવંતસિંહે થોડાક દિ રહીને મુઅજ્જમ ને ચડાવ્યો.. "મુઘલ બાદશાહ બનવું છે તારે?"
ઓલ્યે હામી ભરી, એટલે જસવંતસિંહે એને બગાવત માટે ચડાવ્યો, અને મુઅજ્જમે દખ્ખણમાં પોતાને મુઘલ બાદશાહ ઘોષિત કરી દીધો. હવે ઔરંગઝેબને સમજાયું કે આ જસવંતસિંહ ક્યાંય સખણાં રહેશે નહીં ને રહેવા નહીં દે..! એટલે એણે જસવંતસિંહને ગુજરાત ટ્રાન્સફર કરી દીધા. હવે ગુજરાત અને જોધપુર બેય બાજુબાજુમાં જ.. એટલે વળી એને થયું કે આ જસવંતસિંહ ગુજરાતમાં રહેશે તોય કાંક ને કાંક પોદળામાં સાંઠીકા ભરાવ્યા કરશે.. એટલે થોડા જ ટાઈમમાં જસવંતસિંહને ઠેઠ કાબુલ ટ્રાન્સફર કરી દીધા.
જસવંતસિંહ ઔરંગઝેબના દરેક કામમાં ટંગડી ભરાવી દેતા, ઔરંગઝેબને જજિયા લગાવવો હતો, તો જસવંતસિંહ એને જજિયા ન લગાવવા દેતા, ઔરંગઝેબ શિવાજીની વિરુદ્ધ છે તો જસવંતસિંહ શિવાજીની મદદ કરી આવતા, ઔરંગઝેબ દારા ની વિરુદ્ધ હતો તો જસવંતસિંહ દારા ને હાથમાં રાખતા, ઔરંગઝેબ શુજાની ખિલાફ છે તો જસવંતસિંહ શુજાને મદદ કરે છે. ઔરંગઝેબને ખાર તો હતો જ જસવંતસિંહ માથે, એટલે જસવંતસિંહના કાબુલ ગયા પછી ઔરંગઝેબે ફરમાન જાહેર કર્યું કે જોધપુરના તમામે મંદિરો પાડી દેવામાં આવે..! બહુ ઠેકડે ચડ્યો'તો જસવંતસિંહ વાતે વાતે આડો જ હાલતો ને..! આજ બધાય બદલા એક હાર્યે વાળી દેવાના થાય છે.
આ સમાચાર જસવંતસિંહને કાબુલમાં મળ્યા કે, મારા જોધપુરના મંદિરો ઔરંગઝેબ પાડી દેશે? હું પ્રજાને શું જવાબ દઈશ, દિ ને રાત ઘોડા હંકાવું તોય ઔરંઝેબ પહેલા તો જોધપુર નહીં પહોંચાય, પોતાના વાળ ખેંચ્યા, કે મારી હયાતી માં મારા રાજ્યના મંદિરો તૂટે? શું કરવું શું નહીં, દિમાગની દરેકે દિશાએ બુદ્ધિના ઘોડા હંકારી મુક્યા, કોઈએ ઉપાય સૂઝતો નહોતો કે કેમ કરીને જોધપુરના મંદિરો બચાવવા..! નિશ્ચિત હતું જ કે હવે જોધપુરના મંદિરો તૂટશે, કોઈ પણ આશા દેખાતી નહોતી કે ઈ મંદિરો બચી જાય..! મંદિરો તો હવે બચશે નહીં એટલે જસવંતસિંહે ન્યાં કાબુલમાં બેઠા બેઠા આદેશ જાહેર કર્યો કે, કાબુલ ની બધી મસ્જિદો પાડી દેવામાં આવે..!
હવે ઔરંગઝેબે પોતાના વાળ ખેંચ્યા, ધાર્મિક કટ્ટરતા ને આધારે તો ઈ ગાદીએ બેઠો હતો, અને જો એક હિન્દૂ મસ્જિદો તોડી નાખે તો એના મૌલવીઓ જ એની વિરુદ્ધ થઇ જાય. કહેવાય છે કે ઔરંગઝેબે જસવંતસિંહને વૉટ્સએપ્પ મોકલ્યો, "એ ભાઈ તારી ગાય છું, ધૂળ ખાધી મેં..બસ મસ્જિદો ને કાંઈ નો કરતો.." ને જસવંતસિંહ રીપ્લાય કરે છે, કે "તારી જોધપુર જાતી સેના પાછી બોલાવી લે, નકર ઠેઠ ઈરાન ના સીમાડા સુધીની મસ્જિદુ હતી નહતી કરી નાખીશ.."
એક કથાનક પ્રમાણે કહેવાય છે જસવંતસિંહજી નો એક પુત્ર પૃથ્વીરાજસિંહ ઔરંગઝેબ પાસે દિલ્લી માં હતો, ઔરંગઝેબે એને ઝેરીલા વસ્ત્રો ભેંટ કર્યા, પૃથ્વીરાજસિંહે એ ઝેરીલા-વસ્ત્રો પહેર્યા અને બહુ પીડાદાયક મૃત્યુને પામ્યા હતા. જસવંતસિંહજી પુત્રના મૃત્યુથી ઘણા વ્યાકુળ થયા હતા અને, ઇ.સ. 1678માં પેશાવર પાસે જમરુદ માં એમનું મૃત્યુ થયું હતું. જ્યારે જસવંતસિંહજી મૃત્યુ પામ્યા ત્યારે ઔરંગઝેબ ઘણો જ ખુશ થયો હતો અને બોલ્યો હતો, 'आज कुफ्र का दरवाजा टूट गया'...
જસવંતસિંહજીના મૃત્યુ બાદ ઔરંગઝેબ જોધપુરને કબજે લેવા પ્રયત્નો આદરે છે, જસવંતસિંહજીના પુત્રોને ઇસ્લામ કબૂલ કરાવવા મથે છે જેના પરિણામ સ્વરૂપ આખું રાજસ્થાન ઔરંગઝેબની વિરુદ્ધ થઈ જાય છે, અને પ્રસિદ્ધ રાજપૂત યુદ્ધની શરૂઆત થાય છે જેમાં નાયક તરીકે પ્રખ્યાત દુર્ગાદાસ રાઠોડ વિશ્વ-વિખ્યાતી પામે છે..
किसी को कैसे बताएँ जरूरतें अपनी,मदद मिले न मिले आबरू तो जाती है।