એલા એય.. ભારે કરી ગજા..!
ગજો : કાં ?
હું : દાઢીવાળાએ દાટ વાળી દીધો.
ગજો : કોનો પણ.. કાંક માંડી ને કરો ને..!
હું : સમાચાર નથી જોતો.. માલદીવ્સનો..!
ગજો : માલદીવ્સ ઓલું જ ને જ્યાં આપણી બોલીવુડની બાયું અંતર્વસ્ત્રો માં આંટા મારતી..!
હું : વાહ ગજા તારો શિષ્ટચાર..! હા ઈ જ માલદીવ્સ.
ગજો : હં, તો એનું શું ?
હું : કાંઈ નહીં એલા, થોડાક દી પેલા ચીનની ચાટુકાર સરકાર નિમાણી છે, સાંભળ્યું છે આપણા વડાપરધાન નું જુલુસ કાઢ્યું'તું. ને કેતા'તા કે ભારતની સેના માલદીવ છોડો..!
ગજો : હેં, ભારતની સેના ન્યાં શું કરે છે?
હું : કાંઈ નહીં, એમની જ સેવા હાટુ ન્યાં ખડેપગે છે, ઇય સેના એટલે લગભગ સાત-સિંતેર જવાન છે.. કોઈ આખી બટાલિયન કે એવું નથી કાંઈ..!
ગજો : તો એને આ સિત્તેર શેના નડે છે?
હું : એલા ગજા, આ ચીનનો ગેમ પ્લાન છે. સમજ, અરબ સાગર માં એકમાત્ર ભારતીય નેવી જ સામર્થ્યવાન છે. જો કે આમ તો ભારતીય નેવી દુનિયા ને ગમે ઈ ખૂણે શક્તિશાળી જ છે, પણ અરબ સાગર તો ભારતીય નૌકાદળ નું હોમગ્રાઉન્ડ કેવાય. આ વિસ્તાર માં ભારતીય નૌકાદળની તૂતી બોલે છે એમ સમજ. હમણાં જો ને ઓલા યમન સોમાલિયા પાંહે ચાંચીયાવ ચપટી માં ચોળીને કાર્ગો વેસલ છોડાવિયાવ્યા તા આપણા નેવી ના માર્કોસ વાળા..
ગજો : હા ઈતો સાંભળ્યું'તું..!
હું : તો ગજા, ચીન ને અરબસાગર માં એન્ટ્રી જોઈએ છે, શ્રીલંકાનું હમ્બનટોટા તો છે એની પાસે, માલદીવમાં એકાદ ઠેકાણું એને મળી જાય તો જલસો પડી જાય ને ચીનને.. એટલે એણે તો માલદીવને ચડાવ્યું. ને આ નખના મેલ જેવડું માલદીવ, ભારતની સામે બાયું ચડાવતું આવ્યું કે તમારી સેના પાછી લઇ જાવ. ભારત કે ભલે..! હવે બે-ચાર દી પેલા, આપણા વડા પરધાન લક્ષદ્વીપ આંટો મારવા ગયા, સારા સારા ફોટા પડાવ્યા, ને આપણા વડાપ્રધાનથી મોટી બ્રાન્ડ તો કોઈ છે, ને હારોહાર લક્ષદ્વીપના ટુરિઝમને ટોચે લઇ જવાનું કેતા આવ્યા..! હવે આટલું થયું ત્યાં તો માલદિવને પેટમાં શૂળ ઉપડી, એના બે-ત્રણ મંત્રી આપણા વડાપ્રધાનને મંડ્યા ગાળ્યું દેવા, પછી આપણી પ્રજા મૂકે કાંઈ માલદિવને.. સોસીયલ મીડિયા માથે એકધારો બોયકોટ માલદિવનો મારો હલાવ્યો..! ને બી જે દી એ તો માલદિવનો પ્રધાનમંત્રીય પરસેવો છોડતો ઓનલાઇન આવ્યો, કારણ કે ભારતની પ્રજા એ માલદીવની તમામે બૂકિંગ્સ રદ્દ કરી નાખી..! હવે માલદીવ જનારા સૌથી જાજા ભારતીય જ છે..! જે માલદિવને પીવાનું પાણી હોત ભારત આપે છે, ઈ આપણા વડાપ્રધાનને જેમ-તેમ કહી જાય એમ હાલે..!
ગજો : બરોબર છે, મજા તો ચખાડવી જ જોઈએ.
હું : પણ ગજા, મજા વાંહે ધ્યાનેય રાખવી જોહે, માલદિવને એટલું બધું છેટુય નો કરી શકાય કે, ચીન ન્યાં જઈને બેસી જાય.. કેમકે ચીનકું જ્યાં ચોંટે ન્યાં મંકોડાની જેમ ચોંટે, મરે તોય મુકે નહીં..!
ગજો : પણ મેં સાંભળ્યું છે, કે વિપક્ષ આ મુદ્દે ય સરકાર સાથે ન્હોતો.
હું : હા ગજા, સાચી વાત છે, વિપક્ષ નું કામ છે વિરોધ કરવાનું, પણ જયારે વાત દેશ ની હોય ત્યારે કમસેકમ વિપક્ષે પણ સહકાર આપવો જોઈએ. વિપક્ષમાંથી નીતિમૂલ્યોનું એટલી હદે પતન થયું છે જેની વાત જ જાવા દે..! કરોડોની આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં જયારે રામ મંદિરનું નિર્માણ થઇ ને પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ આવી રહ્યો છે, ત્યારે ય વિપક્ષ રાજનીતિ કરે છે, હા સીધી વાત છે, આ સરકારે ઈ મંદિર બનાવ્યું છે, તો એનો રાજનૈતિક લાભ પણ આ સરકાર ને મળશે જ. વિપક્ષ જયારે સત્તા માં હતું ત્યારે એમણે આ વસ્તુ કરી હોત તો એમનેય આ લાભ મળેત. પણ ના, ઈતો સેક્યુલારિઝમની ટંકોરી વગાડતા હતા, ને અટાણની સત્તાપક્ષે તો ગઈ ચૂંટણી પેલા પોતાના કરેલા વાયદા માં જ હતું કે ભગવાન રામ નું ભવ્ય મંદિર બનાવશે, જે એમને વાયદો પૂરો કર્યો છે, તો બેશક એનો રાજનૈતિક લાભ પણ ભોગવશે..! વિપક્ષને એવી બહુ ચળ તો હમણાં ચૂંટણી આવે જ છે, કરે વાયદો કે POK નો મુદ્દો સોલ્વ કરી નાખશે, પણ વાયદો પૂરોય કરવો પડે.
ગજો : હા, વાત તો સાચી છે, પણ તમે એક વાત જોઈ, ભારતના તમામે પાડોશી અસ્થિર છે.
હું : હા છે, સ્વીકાર્ય છે, પણ એનો કોઈ ઈલાજ નથી..! ટૂંકમા એમ સમજને ને એની ય આર્થિક જરૂરિયાતો આપણે જ પુરી પાડીએ છીએ, પાકિસ્તાન નો કટ્ટો વેરી છે જ, નેપાળ વચ્ચે ઠેકડે ચડ્યું'તું, પણ એની આર્થિક મદદ કરવાને બહાને આપણે એની પાસે થી વીજળી ખરીદવાનું શરુ કર્યું. બાંગ્લાદેશ માં પપાચી શેખ હસીના જીતી છે, એટલે ઈ થોડીક આપણને શાંતિ છે. બાકી ભૂટાન પાંહે થી કાંઈ કાઢી લેવાનું છે નહીં, સમુકની એની સુરક્ષામાં આપણે જ ખર્ચો થાય છે, ખોટેખોટું અલગ દેશ થઈને બેઠું છે ઈ તો. એણે ને નેપાળે તો ભારતમાં જ ભળી જવું જોઈએ..! ઓમેય બેય લેન્ડલોક દેશ છે. પાછા બેય ભારત અને ચીન જેવા કદાવર ઘંટલા વચ્ચે ખોટા પીસાય છે..! ઓલી બાજુ શ્રીલંકાની હમણાં ગયે વર્ષે જ કટોકટી સંકેલવા ભારત જ આગળ આવ્યું હતું..! મ્યાનમાર માં ઓમેય સેના શાશન છે, ઇય હલફિલહાલ તો ચીનનું ચાટુકાર..! બચ્યું માલદીવ તો ન્યાંય હમણાં ઓલ્યા એના પ્રધાનમંત્રી મ્યુઝીઝી એ માથું દુખાડયુ..! ટૂંકમા દક્ષિણ એશિયા માં ભારત એકમાત્ર પોતાના પગભર દોડતો દેશ છે.
ગજો : તો તો કાલ ધારો કે કોક ભારત ઉપર હમલો કરે તો આપણે તો ક્યાંય જાય પણ નો શકીયે, એક બાજુ નવરીનું પાકિસ્તાન છે, બીજી બાજુ ચમન ચીન..! યુક્રેન ને ઈતો લાભ હતો કે રશિયા ના હુમલા ટાણે એના પશ્ચિમના પાડોશી દેશોએ યુક્રેની પ્રજા ને આશરો આપ્યો, આપણે તો આનીપા ને ઓનીપા એકેય કોરી ના નથી..!
હું : એટલે સાવ એવુંય નથી, આમ તો આપણી સામું સામી છાતિયે કોઈ આવી શકે એમ હમણાં તો નથી જ. હવે તો કદાચ ચીનને ય એકચોટ આપણે ધક્કો દઈને પાડી શકીયે છીએ.. ચીનને પછાડવાનો એકમાત્ર રસ્તો એને આર્થિક ચોટ પહોંચાડવાનો જ છે. જો કે બબ્બે હાથની બાધણ્યમાંય આપણે ઘટી નો તો નો જ દેવી, પણ વગર બાધ્યે ય જીતવું હોય તો ચીનને આર્થિક ચોટ પહોંચાડો..! માલદીવનું એવું જ કર્યુંને, EASEMYTRIP એ શરૂઆત કરી, બિઝનેસ પછી નેશન ફર્સ્ટની નીતિને અનુસરતા તત્કાળ ધોરણે માલદીવની તમામે બૂકિંગ્સ રદ્દ કરી..! ભાઈ સેલ્યુટ છે મારું તો EASE MY TRIP ને..!
ગજો : વચ્ચે જોવો ને ઓલા જગત જમાદારે હુઈતી ને મજો ચખાડવા સંગઠન કર્યું'તું..!
હું : ઈતો સાવ નકામીનો દેખાડો હતો..! હવે એમાં કેનેડા ય સદસ્ય છે.. કેનેડા પાસે કેવાની સૈન્ય શક્તિ? અરબસાગર નો એકમાત્ર બેતાજ બાદશાહ ભારત જ છે. ભારતની નેવી ખુલ્લી છૂટથી અરબસાગર માં આંટા મારે છે..! અરબસાગરમાં કોઈ પણ ઉત્પાત થાય અને જો કોઈ ભારતીય સંકટમાં હોય તો તો બસ.. જોયો'તો નો માર્કોસ નો વિડીયો.. માર્કોસ મગર છે..! પાણીમાંથી ક્યારે કેનીપા નીકળે કાંઈ કળાય નહીં..! સાત સાત દી કરાંચીને ભડકે બાળનારું ભારતીય નેવી છે. ઓપરેશન પાયથોન ને ટ્રાઇડેન્ટ જાણવા જેવા છે..!
હાલ ક્યારેક નિરાંતે ઇય વાત કરીશ..!