ભારત સામું ભીડવા, ખોંખારા જો ખાય,
માઠી બેઠી મોકળી, માલદીવની માંય..!
ચીને જરા ચડાવિયું, ત્યાંતો થયું ટટ્ટાર,
બાંયુ ચડાવી બાધવા, આવ્યું છે અણવાર..!
લખ બે જાતા લૉંઠકા, ફરવા દરિયે પાર,
જાજી ઝાકઝમાળ, રૂપિયો આપી આવતા..!
કર્યો બોયકોટ કારમો, ચડી આવકે ચોટ,
માલદીવ્યે મફતમાં, ખાધી ભારી ખોટ..!
ભારતના ભડવીર, વાત્યું કરે છે દેશની,
લક્ષદ્વીપના લીર, થશે પટોળા થોકમાં..!
પ્લાનિંગ સાથે પર્યટન, કામણ કૈંક કરંત,
દેશી દ્વિપનો દાયકો, આવ્યો હાશ અનંત..!