ઘણા દિ થયા નકરું હિન્દી ઠાલવ્યું કાં? જો કે નવું કાંઈ ખાસ ઉકલતુંય નહોતું..! કાલ તાપણું કરતા તા રાતે, જુના ભેરુ.. હું, બુધો ને પ્રીતમ..! તે વાત વાત માં ક્યાં ને ક્યાં નીકળી ગયા..! એયને બુધે તો એની પી-પણાં ની વાત્યું આદરી.. તાપણું ને બુધો બેય જામ્યાં'તા.
મારે એક તો પી-પણાવની હાર્યે ઘણો અનુભવ છે, એક વખત તો એવું થયું કે બુધો ઢીંચીને ઢીંગલી થઇ ગયો.. ખબર નહીં ક્યાંક હારા માંહ્યલો ટેકો લલકાર્યો'તો..! હાલવાના હોંશ નહીં ને, રોડ ઉપર આંટા દેતો'તો..! ને મોકે હું મોટરસાયકલ લઈને ન્યાંથી નીકળ્યો, જોયું, આતો બુધો છે, તે થયું કે આને કોક આંટી જાહે, એના કરતા ક્યાંક સેફ જગ્યા એ લઇ જાઉં, હવે એક સોસાયટીના કોમન પ્લોટ માં લઇ ગયો, તો મને કે, બાપુ તમે તો મને પરદેશ લઇ આવ્યા..! હું કઉં છાનોમાનો બેહ ને..! ન્યાં બાજુમાં જ પાણી નો ટાંકો હતો, સાંભળ્યું હતું, પાણી માથા માં છાંટો તો નશો ઉતરી જાય.. ડિસેમ્બરનો મહિનો હતો, કડકડતી ટાઢ હતી, નસીબે જ ટાંકા પાસે પાણી ખેંચવા હાટુ ડોલ પણ હતી, ડોલ એક પાણી કાઢ્યું.. હાથ બોળ્યો તો મારા શરીરમાંથી જ એક કંપકંપારી છૂટી ગઈ..! વિચાર્યું કે આવા ટાઢા પાણીએ માથું કેમ પલાળવું આનું.. પણ ગમે ઈ હિસાબે નશો ઉતારવો જ હતો.. એટલે ખોબો ભરીને પાણી એના મોઢા ઉપર છાંટ્યું, પણ ભાઈ બુધો તો ન્યાં ધૂળ માં જ મંડ્યો આળોટવા.. કપડાં-બપડા ધૂળથી ખડઘાઈ ગયા, ને કેમેય પાણી માથા ઉપર અડવા જ નો દે.. પછી તો મેય ખીજ માં ને ખીજ માં પાણી ની આખી ડોલ જ એના માથા ઉપર ઉંધી વાળી.. દાંત મંડ્યા એનાય કડકડવા.. રાડ્યું નાખે "વોય બાપા" ટાઢ વાય એ ટાઢ વાય.. પાણી રેવા દે.. પણ માને ઈ બીજા. પ્રિતમને ફોન કર્યો, ઘરેથી એક-બે લીંબુ લેતો આવ, ઘરે નો હોય તો ગમે ન્યાંથી ગોતી ને લઇ આવ પણ ઝટ આવ..! પ્રિતમેય સમજી ગયો તો, કે નક્કી આજ બુધો બાંગરો થયો છે..! ઘા એ ઘા એ લીંબુ લઇ આવ્યો, પ્લોટ માં ટાંકા પાંહે પલળેલો બુધો જમીન ઉપર આળોટતો'તો.. બાજુ માં જ હુંય બસ એના આ નખરા જોતો કપાળે હાથ દઈને બેસી રહ્યો'તો..! પ્રિતમ લીબું ચીરી ને જ લઇ આવ્યો હતો..! બુધા ને મોઢા માં લીંબુ દીધું.. ને ભાઈ એ પેટમાં ઉતારેલો હંધોય ઇંગલિશ લીંબુના રસ હારે બારે કાઢી નાખ્યો.. વળી એવું ય સાંભળ્યું'તું કે પીધેલો ઉલ્ટી કરી નાખે તો નશો ઉતરી જાય.. પણ ઈ આશા ય ઠગારી જ નીકળી.. બુધે બે-ત્રણ બીજી લાળ્યું કાઢી.. વળી મહામહેનતે બુધા ને ઉપાડી ને થોડીક સાફ જગ્યા માં સરકાવ્યો.. ગંધાતા-ખાટાં-બળા જેવા માલ માથે ધૂળ વાળી..! ખબર નહીં કેટલો ઢીંચ્યો હશે, નશો ઉતરે જ નહીં..! ઉભો થાય ને ભફ દઈ ને પડે.. હું ને પ્રીતમ આ તાલ જોઈએ, વળી એકબીજાના ડાચાં જોઈએ.. શું કરવું ને શું નહીં.. એક બે મિત્ર વર્તુળ ને પૂછ્યું કે નશો ઉતારવાના તિકડમ જણાવો.. એમાં વળી કોકે આઈડીયો દીધો.. જો હાલી શકે એમ હોય તો એને મેદાનમાં થોડુંક હલન-ચલન કરાવો, હવે ઈતો અમારાથી થાય એમ હતું નહીં કેમ કે બુધો તો બેસાડો તોય ઢળી જાતો'તો. વળી કોકે સલાહ દીધી કે માથું પાણી માં પલાળો એના જેવું એકેય નહીં.. હવે આવી કડકડતી ટાઢમાં પૂર્ણ નિર્દયતા થી બુધા ના માથા ઉપર ત્રણ ડોલ બીજી ઠાલવી.. પણ તોય બુધો તો બુધો હો રંગ બદલે નહીં.. વળી કોકે સલાહ દીધી કે એને સુવડાવી દ્યો, કલાકેક માં ઉતરી જાશે.. હવે રાતના પોણા બાર થયા'તા.. અમારે ઘર-બાર હોય ને.. આને એના ઘરે મુકવા જાઈએ તો કોક અમને કે કે તમે જ પાયો.. આબરૂ ની બીકે એનેય એના ઘરે મુકવા જાતા નહોતા.. વળી એક મિત્રે સલાહ દીધી કે એના પગના તળિયામાં ભીનો ગાભો ઘસો.. આ વળી કાંક નવું લાગ્યું એટલે થયું કે અજમાવીએ.. પ્લોટમાં રખડી-આથડીને કાંઈ નો મળ્યું, તો છેવટે બારે કોક ની મોટરસાયકલમાં એક ગાભો પ્રીતમ ગોતી આવ્યો.. (હતો મારો જ, પણ મિત્ર ઉપર કુરબાન..) હવે આવી ટાઢમાં ગાભો ભીનો કરીને બુધાનાં પગમાં ઘસવાનું સાહસ કોણ કરે..? પ્રીતમેતો પોતાના બેય હાથ જેકેટના ખિસ્સામાં ભરાવી ને દેહાકૃતિથી જ જાહેર કરી દીધું.. કે આપણું યોગદાન લીંબુ પૂરતું હતું, ડોલ હજી ખેંચવી હોય તો ખેંચી દઉં પણ આ ટાયઢમાં પાણીમાં હાથ નહીં બોળાય ભાઈ..! છેવટે એ પણ નિર્દયતાપૂર્ણ જોખમી કૃત્ય મારે જ ભાગે આવ્યું.. બુધા ના ચપ્પલા તો ઓમેય ક્યાંય ઉડતા'તા.. ધ્રુજતા હાથે પાણીમાં ગાભો ભીનો કર્યો.. બુધા ના બેય પગના તળિયા ઘસ્યા.. ત્યાં તો મંડ્યો પાટા ઝીંકવા.. એય ગદગદીયા નો કરો ને.. એમ બબડ્યો..! ઉભડક બેસીને કચકચાવીને એના બેય પગ પકડીને હું તો મંડ્યો ઘસવા.. ત્યાંતો એણે પગની એવી આંચક મારી કે હું ધૂળમાં પડ્યો, ને પોતેય ડગમગતો ઉભો થઇ ગયો.. ને મારું મગજ ગયું.. ફેરવી ને એક લાફો ગાલ ઉપર ઝીંક્યો ત્યાં તો ભાઈ ના ડોળા ઠેકાણે આવી ગયા, બેય પગ ઉપર સ્થિર ઉભો રહી ગયો..! અચાનક થયેલા આ આક્રમણ થી કદાચ એનું મગજ બેધ્યાની માંથી ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યું, પ્રિતમને પણ કાંક સમજાયું તે ફોનમાં બુધાના બાપાનો ફોટો દેખાડીને કે જો તારા પપ્પાનો વિડીયો કૉલ ચાલુ છે..! હવે બુધો કાંક હોંશમાં આવતો લાગ્યો, પણ જરાક ડોલ્યો ને બીજા ગાલ ઉપર બીજો લાફો ઝીંક્યા પછી તો બુધો બિલકુલ હોંશમાં બોલ્યો, "વાગે છે ભાઈ.." પછી તો બિલકુલ સ્વસ્થ દિમાગ પણ પલળેલી હાલતમાં જ ઈ ઘરે પૂગ્યો, અને અમે અમારા ઘરે..!
કાલે ઈ જ પ્લોટ માં સાંજે તાપણું કરતા કરતા ઈ આખો પ્રસંગ આંખ આગળ થી ફરી ગયો.. હવે તો બુધો અડતો ય નથી એટલે મેં ને પતે (પ્રીતમ) કાલ ભરપૂર મજા લીધી..
પતો : "કેવા દી હતા નહીં? બેક વરહ પેલા આ જ જગ્યા એ કોક ઉલ્ટીમાં આળોટતું'તું..!"
બુધો : "યાદ છે હો.. બહુ ચાબુ થવાની જરૂર નથી પતા."
પતો : "રેવા દે ને હવે, તને શું તંબુરો યાદ હોય..ક્યાં ગથોલિયાં ખાતું'તું ઢીંગલું થઇ ને.."
હું : "પણ એલા પડી ને ગોથા કેવા ખાતો તું..!"
બુધો : "ઈતો કાંઈ નથી. એક વાર તો મેં બે ત્રણ મિક્સ માલ ઠબકાર્યા, મોટરસાયકલ લઈને નીકળ્યો, આપણો ઓલ્યો પુલિયો ઉતર્યો, ત્યાં સુધી યાદ છે, પછી તો શું થયું ખબર નથી, પણ હું પડ્યો, ને પતાના બાપા એની ગાડી માં ક્યાંક લઇ જતા'તા એવું લાગ્યું, પછી સીધું દવાખાને આંખ ખુલી, ડોક્ટર કાંક પ્લાસ્ટર જેવું કેતો'તો, ને હું ડોક્ટર સામું સીધી લપ કરતો તો કે જો *** મારો હાથ કઈ નથી થયો એમ કહીને હાથ સીધો કર્યો, ઊંચો કર્યો.. પણ પછી કોક બે-ચાર જણે મને એમ કરતા રોકી લીધો, પછી તો બીજે દિવસે જયારે સવારે આંખ ખુલી તો દવાખાના માં ડોક્ટરે જયારે મારો હાથ પકડ્યો ત્યાં તો મોઢે થી રાડ નીકળી ગઈ..! ને ડોકટરે દુખતા માથે થોડુંક વધુ જોર દેતા કીધું, "કા ભાઈ, કાલ તો બળ માં હતા ને કાંઈ?"
હું ને પતો.. દાંત કાઢી કાઢી ને ગોતે વળી ગયા..
પતો : ઓલો મારો કાકા નો દીકરો ય તારા જેવો જ ઢીંગલાંવેડા કરે એલા.. એક દી ઇય ઢીંચીને નીકળ્યો'તો.. મોટરસાયકલ લઈને.. હવે આપણા આ હાઇવે માથે તો નકરા ટ્રક ને કન્ટેઇનર હાલતા જ હોય છે, એમાં આને કોક કન્ટેનર ટ્રક સહેજ સ્પીડ માં બાજુ માંથી નીકળ્યો, ત્યાં તો ભાઈ ટેકા માં તો હતા જ.. તે પોતાની પાછળ આવતા ટ્રક ને ઉભો રાખીને એના ડ્રાઈવરને લાફાવાળી કરી.. "તારા ભાઈ ને કેજે બીજી વાર ધીમી હાંકે.." એમ કહીને આ તો મોટરસાયકલ લઈને હાલતો થયો.. ને ઓલો વગરવાંકે બે-લાફા ગાલ ઉપર લઈને રાડ્યું નાખતો ઉભો ઉભો ગાળું દીધા કરે..!
હું : એલા ઈતો હજી ઠીક છે, હમણાં થર્ટીફર્સ્ટ નો ગઈ.. આપણે ન્યાંય ઓલ્યા પી-પણાં ચેક કરવા પોલીસ મશીનમાં ફૂંક મરાવતીતી, તેદી હુંય ક્યાંક બેઠો તો, એક મજુર આવ્યો, બિલકુલ મુઘલિયા સલ્તનત નો બાદશાહ હોય એવી ચાલ પણ પગ સહેજ ત્રાંસા પડે.. સામે થી આવતા ખટારાની સામોસામ જઈને ઉભો રહી ગયો, ઈતો ડ્રાઈવરે બ્રેક કરી લીધી.. નકર પૃથ્વી માથે થી સાઠેક કિલો નો ભાર ઓછો થાત, પાછો ખટારો ઉભો રહી ગયો ત્યાં તો બળ માં આવ્યો.. ખટારા વાળા ને કે તે મારી સાયકલ કચડી નાખી, ખર્ચો કાઢ હાલ.. ઓલો ડ્રાઈવર ઘડીક તો વિચાર માં પડી ગયો, એણે ખટારા ફરતે પ્રદક્ષિણા કરી, બધા જોટા ચેક કર્યા, માથું ખંજવાળતો આવ્યો કે સાયકલ ક્યાંય દેખાતી નથી.. આ રહ્યો આ આવતો તો હતો હાલીને.. બાજુમાં જઈને એક લાફો ઝીંક્યો ત્યાં તો ઓલ્યો ગંથોલિયું ખાઈને રોડ થી હેઠે..! ટ્રાફિક પણ જામ નો થાય કદાચ એની જ દયા થી ટ્રક-ડ્રાઈવર હાલતો થઇ ગયો..!
પતો : હા.. બાકી પી-પણાં ની મજા જ જુદી છે... જો ને બુધે તેદી મ.પ્ર. થી વળતા કેવા ખેલ કર્યા'તા..!
બુધો : પી ને કોઈ દી રેસ લગાવી છે?
હું : આપણે તો વગર પીધે ય ઈ રિસ્ક લેવામાં માનતા નથી..!
પતા એ પણ નકાર માં માથું ધુણાવ્યું..!
ત્યાં તો બુધો ગર્વાન્વિત થતો બોલ્યો.. આપણે ઇય કરેલું છે.. થયું'તું એવું કે આપણો આ ચોકડી વાળો બ્રિજ રહ્યો ને, ન્યાં સિગ્નલ લબઝબ થાતું તું, હું ને બીજો એક ભાઈબંધ અમે બેય સેટ હતા ને, રેસ લગાવવાનું નક્કી કર્યું.. ઠેઠ ઓલી ફેમશ હોટલ પાસે ફાટક સુધી માં કોણ પેલા પુગે..! તે સિગ્નલ ના લબઝબિયાં સાથે અમે તો સ્ટાર્ટ કરી.. ઓલો મારી મોર હતો, હું વાંહે હતો, ફાટક થી થોડે જ આગળ મોટો બમ્પ હતો, એટલે એને દેખાણો હશે ને એણે તો ધીમે કરી પણ મને ઈ બમ્પ નો દેખાણો.. મને યાદ છે ત્યાં સુધી મેં કદાચ ઈ ફાટક ઉડી ને પાર કર્યો'તો..! પછી તો ઘરે પહોંચ્યો ત્યારે ઘરે કેવો કૂટાણો ઈ તો યાદ નથી, પણ રાતે નેણ પાંહે એક કાંકરી ચામડીમાં ગળી ગઈ'તી ઈ સવારે નીકળી હોય એવું લાગ્યું..!
હું : તયેં તેલ લેવા એટલો ઢીંચવો જોઈએ? ઉલ્ટી માં આળોટતા હોય જયારે જોવો તયેં..!
પતો : દીવ ગયા તા ને અમે થર્ટીફર્સ્ટે, તે મારી ભેળો ઓલો પંચાણજી ભાઈનો લધો આવ્યો તો, હવે આપણને તો ખબર નહીં આની કેપેસીટી કેટલી, તે ઓલ્યા બીયરના ત્રણ કેન પી ગયો, પછી કે તાપણું કરવું છે, તે મેદાનમાં અમે તાપણું કર્યું.. ને હાળાએ પાંચ જ મિનિટમાં તાપણું ઓલવી નાખ્યું, પણ તાપણું ઓલવવાની રીત થોડીક કેઝ્યુલ હતી, ઢીંગલીએ ઉલ્ટી થી ઓલવી નાખ્યું આખું તાપણું..!! MOYE MOYE..
હું : એલા હાલો એય બાર વાગ્યા.. ઘર ભેળા થાવી.. આમનમ વાતુએ ચડ્યે રાખશું તો સવાર સુધીય સુવાણ્ય નહીં ખૂટે..
ને હું ને પતો, બુધા ની જૂની ચાલમાં ચાલતા થયા..!