ગજબ ગુજાર્યો મે ગજા..! મે પ્રતિજ્ઞા લીધી હતી એક, પણ ટકાવી ન શક્યો... શું કરું.. સંબંધ આડો આવ્યો..! ઘણું વિચાર્યું, ઘણું મનોમંથન કર્યું, અંતે શરમ ભરવા ખાતર, સંબંધ નું માન જાળવવા, અને કોઈનો અનાદર ન કરવા ખાતર જ મેં પ્રતિજ્ઞા ની પાળ તોડી નાખી..! શું કરું બીજું? કોઈ કેહતા કોઈ વિકલ્પ શેષ નહોતો, પાછી મારે કોઈને જાણ પણ થવા નહોતી દેવી..! ઘણું રખડ્યો, ઘણા બહાના માર્યા, કેટલુંય ખોટું બોલ્યો..! પણ બસ છેલ્લી ઘડીએ સંબંધ નામ માત્ર નો જીત્યો અને હું અને મારી પ્રતિજ્ઞા બસ એકની આબરૂના લીરાં થતા રોકવા હારી ગયા..!
હા, હું હાર્યો, મારી સોગંધ હારી, જો જીત્યો હોત તો એના શું પરિણામો આવેત એ કદાચ હું એકલો જ જાણું છું. હું હજી પણ અસમંજસ માં જ છું, મેં સોગંધ સામે સંબંધ મેં જીતાડયો એ યોગ્ય કર્યું કે નહીં? કેટલું વિચારવું ઈ એક જ બાબત નું? છેલ્લે તો એમ થાય છે કે બેફીકરા થવાની કોઈ ગોળીયું આવતી હોય તો કેવું સારું? ન દુનિયાદારી ની ચિંતા, ન આબરૂ ની, ન આપણી આબરૂ હોય, ન સામે ના પાત્ર ની, ન મારી સોગંધ તૂટેત..! શું કરું, હું પાછો વ્યસન ભણી વળી ગયો છું ગજા, જે થાવું હોય ઈ થાય, મોત કાલ આવતું હોય તો આજ આવે એટલું જ ને..! કેવું કેવાય ગજા.. જે થયું એ સારું જ થયું.. ગામ વચાળે કોક ની આબરૂ બચતી હોય તો આપણી સોગંધ તૂટે એમાં શું ખોટું? હા હવે મારે જ મને દિલાસો દેવો રહ્યો.. શું થાય બીજું.. ચોરે બધું ચીતરાય એવું છે નહીં..! આમ પણ બાજી બંધ હોય ત્યાં સુધી જ સારી ને..! ને કરી પણ શું લઉં હું? નસીબમાં દુડી, તીડી ને પંજો જ છે ઇય પચરંગી..!
ગજા, આમ તો ડામ સૌના કૂલે હોય, પણ કોઈ કહે નહીં એટલો જ ફેર હો..! અફસોસ અટાણે એટલો બધો છે, રૂંગું આવે તોય રોવું કેમ? પુરુષ રહ્યા ને આપણે.. આંખે આવેલું પાણી પણ આપણે તો કણું પડ્યું એમ કહી ને લૂછવું પડે ભાઈ? બાળપણું ખરેખર ઘણું સારું હતું એલા.. વેવાર રાખવાની કોઈ ફિકર ખરી કાંઈ? એય ને ધૂળ માં આળોટતા હોય તોય કઈ નહીં, ખંખેરી ને હાલતા.. પણ હવે.. વાત જવા દે એલા.. માભો જાળવવો બહુ અઘરો. ગજા, હું છેટો જ રહ્યો તો, મને ખબર હતી, કે સંબંધ અને સોગંધ સામ-સામાં આવી રહ્યા છે, પણ ઈ ટકરાય એમાં કોઈ બીજા ને જો હાનિ પહોંચે તો ઈતો ઠીક ન કહેવાય ને? ટૂંકમાં ઈ બીજા ની જ પત રાખવા મેં મારી છાતીએ પાણો લીધો, હવે ઈ પાણો બંધાઈ ગયો છે, ઈચ્છા તો છે કે ઈ પાણાં હાર્યે પાણી માં પડું, પણ ઈ પાણી પણ પાછું હટે છે, કોણ જાણે શું કરામત છે, અધૂરામાં પૂરું બીજા નુકસાન પણ આપણે ખિસ્સા માં નાખ્યા છે, ને આ વખતે તો એ પણ અફસોસ છે કે કદાચ ખિસ્સામાં કાણું હોત તો ભલી છૂટત જંજાળ્ય..!
ફેબ્રુઆરી તો ગયો ગજા.. ગાજતો ગયો.. ગજબ ગુજારતો ગયો, કેટલાય પ્રણયી ને પીડતો ગયો, કેટલાય ને જામના ઘૂંટડા પીવડાવતો ગયો, હુંય પીઉં છું, પ્યાલામાં જામ સાથે મારા ઉના અશ્રુઓ ભેળવી ને, કદાચ બેય ભેળા થઈને પણ જો કોઈ કરામત કરી જાય તો..! કદાચ કોઈ જાદુ થાય, આ જામ મને કોઈ દિવસ હોંશ માં જ ન આવવા દે, બધું જૂનું ભૂલી જવા દે તો કેવું સારું? પણ પથ્થર ઉપર પડેલો લીટો કદાચ પથ્થર ધૂળમાં પરિવર્તિત થતો હશે ત્યારે જ ભૂંસાતો હશે? કા તો કોઈ ઈ લીટા ને કોઈ ચિત્ર-કલા માં ફેરવી દે તો, પણ આ બધું કલ્પના.. ઓલ્યો ફ્લ્મિ ડાયલોગ છે ને માણસ પોતાની યાદો કૂતરું પોતાના ઘાવ ચાટે એમ ચાટ્યા રાખે છે.. શ્વાનને ઘાવ ચાટવાથી પીડામાંથી મુક્તિ મળે છે, પણ માણસ ને નરી પીડા ઉદ્ભવ્યા કરે.. પણ થાય તોય શું? ઈ યાદો ને સંઘરી રાખવાની..!
ગજા, આ વખતે ગાંઠ પડી ગઈ છે, મડાગાંઠ.. થાવું હોય ઈ થાય..! યમ ના પાડા આડા ઉતરે તો પોંખી લેવાના થાય છે.. મને એકે સલાહ આપી પણ હતી કે સંબંધમાં તો નવા જૂની થયા કરે, પણ સોગંધ માં નવા-જૂનું ન ચાલે.. આજ કાન પકડીને ઈ વાત ને માનું છું.. તે દિવસે નહોતી માની.. જાણું છું, મેં બાંધછોડ લીધી છે, ફરી નહીં થાય.. કદાચ થવા નહીં દઉં, કદાચ હું ત્યાં જઈશ જ નહીં, જ્યાં બેય સામ-સામા આવી ઉભા રહે, જ્યાં એકને નમતું જોખવું પડે, હા મારી સોગંધ પણ આકરી છે, અઘરી છે, જીરવવી કઠણ છે. પણ હવે ફરી એવો પ્રસંગ પણ ઉભો ન થાય એજ તો મારે ચોક્કસ કરવાનું છે.. હું ભૂલી ગયો હતો, કૃષ્ણના જ પ્રદેશ માં કૃષ્ણ ની જ વાત કે, "તું તારું કર્મ કર.." હવે નહીં ભૂલું..! આજ હું પણ પથ્થરે લીટો તાંણું છું.. એક બે ને સાડી ત્રણ..!!!
ફિકર છે તો કદાચ કોલરની છે,
બાકી બુશર્ટ ફાટે તો ભલે ફાટે..!!