મોંફાટ થવામાં શું ખોટું ગજા? આપણે રહ્યા ઓછાબોલા એમાં ઘણા આપણી સામા આછકલાઈ કરી જાય છે. એમને ખબર છે કે આ તો કાંઈ કહેશે નહીં..! ગજા મને લાગે છે હું ખરેખર મહામૂર્ખ છું..! અનાદર અને સ્પષ્ટ ના કરવાની વચ્ચે નો ભેદ તારવી શકતો નથી. વળી પાછું મેં સાપ થઇ ને એક છછૂંદર પણ ગળ્યું છે ગજા, અને ઈ ગળે એવું સલવાણું છે કે વાત જાવા દે..! ભૂખ નો ઈલાજ ભોજન છે, પણ કેવું ભોજન લેવું કેવું નહીં એની સ્પષ્ટ જાણ - સમજણ તો હોવી જોઈએ ને..! આંકડે આવેલી કેરી આંબા ની સમજી ને ખાવ તો દવાખાનાની દોડ પાકી જ છે. મેં એજ ખાધી છે, એણે ના પાડી હતી, તોય મેં ખાધી.. અને હવે સડો પડ્યો છે. જોઈએ ગજા, આ સડો કાંઈ સાજો થશે નહીં એની તો ખાતરી છે જ. વળી સડેલું અંગ કાપ્યે પણ આરામ તો નથી જ.
ટૂંકમાં ગજા લપ લાંબી છે, પણ ચોરે થોડી ચીતરાય? કાલ આપણી વાત થઇ એમ કુલા ના ડામ સૌને ખોલી ખોલી ને નો બતાવાય..! ગજા જીવન તો પહેલા હતું, સવોજી ગોહિલ ખાલી એક નાનીસી વાત ઉપર પ્રતિજ્ઞા લઇ બેઠો હતો, કે પચીસ ની ઉમર માં પ્રાણ ત્યાગું.. ભાયડો ગમે એની હાર્યે બાઘી લેતો, પણ સૌને એની પ્રતિજ્ઞા ખબર હતી કે આને તો મરવું છે, એટલે કોઈ એની સામું ઉતરતું જ નહીં બાધવા..! બહેને કાપડામાં પાંચ વર્ષ વધુ જીવવાનું માંગ્યું, તો ભાયડો એમાંય વટે ઉતર્યો, કે પાંચ વર્ષ વધુ જીવવું ઈતો લીધું કેવાય દીધું નહીં એમ કહીને પાંચ વર્ષ બેનબાને આપીને ખાલી વિશ વર્ષ જીવવાની પ્રતિજ્ઞા કરી નાખી.. પછી તો ભાઈ ઘણે માથાકૂટ કરતા પણ કોઈ એની હાર્યે ધીંગાણું કરતા જ નહીં, છેલ્લે તો કુવા માથે નબળા લાકડાનું પાટિયું નાખીને માથેથી ઘોડો દોડાવ્યો, તોય બચી ગયા, એવા તો ઘણા ખેલ કર્યા.. છેલ્લે વિશ વર્ષની ઉંમર થવામાં થોડા જ દિ બાકી રહ્યાં તયે મોટું ધીંગાણું કરીને પ્રાણ ત્યાગી દીધા..! ટૂંકમાં ગજા, વચન પાળવું તો એવું પાળવું, જેવું કૃષ્ણે પાળ્યું દ્રૌપદીના ચીર પૂરવા, જેવું રા'નવઘણે પાળ્યું સિંધ માં બેન જાહલની વાર કરવા, જેવું રામે પાળ્યું વાલી નો વધ કરવા, જેવું હમીરજી એ પાળ્યું એક મેણું ભાંગવા, જેવું સાંચોજીએ પાળ્યું પાંચાળમાં સાવજનો કાન ઝાલીને..!!!
ગજા.. ખરેખર સમસ્યા તો સૌને હોય, એમાંય આજકાલ તો ભુવા-ભોપાળાં ચોમાસામાં પાંખ્યું વાળા મકોડા ઉભરાય એમ ઉભરાણાં છે. દરેકની સમસ્યા લઈને ભુવો પાંચેક લાખનો મુન્ડો કરીને હાલતો થાય..! ઠેકઠેકાણે આવું તો ઊપડ્યું છે. બધાંયને પોતાની કાંક સમસ્યા છે, ને જલસા ભુવા કરે.. એલા ઠઠડીયું મોટરસાયકલ લઈને ફરતો ઈ ફોર્ચ્યુનર માં ફરવા મંડ્યો છે હો..!!
ખરેખર ગજા, અટાણે ટેમ તો એવો છે કે બસ એક નાનું એવું મંદિર ખોલો, દસ-બાર અંધ-શ્રદ્ધાળુ ગોતો, ચાર-પાંચ પરચા પૂરો.. પછી તો સાત પેઢી બેઠું ખાય એટલું ભેળું થશે.. અમારે આયાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર થી બાવા આવે છે, અર્ટિગા માં.. લગભગ ફેક્ટરીયુંમાં ફરી વળે છે, હવે એકાદ ફેક્ટરીમાંથી બહુ નહીં તો પાંચક હજારનું દાન મળ્યું તો એવી તો અમારે અહીંયા સો-બસો ફેક્ટરીયું છે, કાંઈ નહીં તો ખાલી પચાસ જણા એ દાન દીધું તોય એક દી માં સવા લાખ રૂપિયો ભેગો થાય..! મહિને ત્રીસ નહીં પણ ખાલી પંદર દિ એવા દાન મળ્યા તો અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય, વર્ષે ગણીએ તો? બે કરોડ ને પચીસ લાખ...!!! શું કેવું ગજા બોલ, ખાલી ખભા હલાવતા આવડે છે તને?
દુનિયા મતલબી છે..ગજા !
"મતલબની મનવાર, જગત જમાડે ચુરમા,
વણમતલબ એકવાર, રાબ ન પીરહે રાજીયા.."
મારી પાસે પૈસા હોય ત્યાં સુધી હંધાય દિલાવરસિંહ બાપુ કેહ્શે, જેવો રૂપિયો ગયો કે, "દિલો" ગયો..! ઓલ્યું નથી, નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ.. બસ એજ.. પણ ખરેખર ગજા.. આ વ્હિસ્કીના ઘૂંટડા એટલા કડવા નથી જેટલા કોઈ ની જીભ ના કે વર્તન ના લાગ્યા હતા..! આ ઘૂંટડો ભરું છું, તયે રીતસર છાતીએ ઉતરતો અનુભવું છું, પણ ઓલ્યું જે અપમાનનો ઘૂંટડો ઉતર્યો હતો ઈતો ઠેઠ નાભિ સુધી જ્વાળ નાખતો ગયો'તો. ગળે સળગતી સાંકળ પડી છે.. ઈ સાંકળનો બીજો છેડો ભડકે સળકે છે.. એની લાય આ ગળા ફરતે હું અનુભવું છું ગજા..! થાશે ક્યારેક તો ન્યાય થાશે.. ક્યારેક તો કોક વાદળું વરસશે, આભ થી અમી ના ફોરા ઉતરશે, સાંકળ ઠરશે, ઢીલી પડશે, શ્વાસોચ્છવાસ ને મોકળાશ મળશે, કદાચ હું મુક્ત થઈશ, ક્યાંક મીઠો રાગ કેદાર રેલાશે, અને ધીમે ધીમે મળેલી મુક્તિથી ઉછળતા શ્વાસો શાંત થઇ જશે, બસ હશે તો નીરવ શાંતિ.. નરી શાંતિ.. બસ શાંતિ..!!!