એકલવાસ
હું જે એકલતા ને ઝંખતો હતો ને, ઇ મને આજ સાંપડી છે.. પણ અપૂર્ણ છે..! તે તો બહુ વે'લો છોડી દીધો હતો.. ઈતો હું વાંહો-વાંહ એકલો જ તણાતો હતો, શુ કરું આંકડીયાળી મૂછની આબરૂ છે મારે..! સાવેય નોખા થાવાપણું છે નહીં ને આપણે. તારે તો તારું પાકું ધાબુ છે, પણ મારૂ છપરું નબળું પડતું જાય છે..!
કેવું કહેવાય, તું સાથે હોય તયે સંકળાશ પડે છે, ને અટાણે મોકળાશ છે તોય મજા નથી આવતી.. જો કે ઇ મજા નું કારણ જુદું છે, મારી ગોઠવણ માં પડ્યો છું, મારા તણાં ની ગોઠવણ માં પડ્યો છું. જો કે તારી ને મારી વિચારધારા જ જુદી છે, તોય એક મ્યાન માં આપણે બેય તલવાર થયા. જ્યારે પણ મળીયે છીએ તણખા ઝરે છે, તાપ થાય છે, પણ ઓલવીએ પણ આપણે જ છીએ, અને સળગતા શેષ વધેલી રાખનો નામોનિશાન પણ આપણે જ મિટાવી દઈએ છીએ કે કોઈને કાનોકાન વાત ન જાય..! હા હું વળી ક્યારેક બાફી નાખું છું તું તો સંભાળી લે છે..!! દૂધ માં ઉભરો આવે એમ ક્યારેક માણસ માં ય આવે ને..
હુંય પાછો રહ્યો મહામૂર્ખ, વિચારે ચડી જાઉં છું તો ક્યાં જઈને ઉભું રહેવું ઇ ખ્યાલ રહેતો નથી..! હમણાં જે એકલતા મળી છે તો વિચારું છું કાશી જાઉં.. સુરત નું જમણ ને કાશી નું મરણ.. હાહાહા! ના, મરવું નથી મારે, બસ વિચારે ચડી ગયો હતો, કે, આ વિશ્વની હંધિય ચંત્યા માંથી મુક્ત થવા વિશ્વનાથ ને આશરે વયો જાઉં, ન્યા સામે જ અહોનીશ શવ સળગતા હોય છે, ઓમેય હું અડધું શવ તો છું જ, મને તો ઇ ચિતાઓથી ઉઠતી ઉષ્મા જ લગભગ ધરવી દેત, બાકી તો બાબા વિશ્વનાથ બેઠા છે.. ન્યા મારે અધૂરા રે'લા હંધાય અભરખા ને ઠાલવવા'તા, એકતાલ માં રહેતા ઇ અગ્નિની સમક્ષ પદ્માસન વાળવું'તું, પ્રભાતે કોઈ ઠરેલ ભષ્મમાં આળોટવું હતું, પરમપાવની ગંગાના ખોળામાં ગોતા ખાવા હતા, આ સુંવાળા શરીરની કાયમી આદતો ને ત્યાં જઈને અવળી કરવી હતી.. પછી અચાનક જ વિચારભંગ થયો.. પડદો પડ્યો.. એકલતા સામે આવી ઉભી રહી પણ કોઈ એને તગેડતું કળાયું, બીજી જવાબદારીઓ સાંભરી આવી, તારું સ્મરણ થયું, સાચું કહું તો અનહદ ક્રોધ ઉગ્યો અને ઉભરાઇ ગયો એક કાગળ ઉપર, અને ઇ કાગળ ડૂચો વળીને કચરાપેટીમાં ઉચ્ચસ્થાન પામ્યું..!!!
એકલતા કેવી છે ખબર છે? મારું બેટુ દસ માણસ વચાળે બેઠા હોય તોય એકલા ઇ એકલા, એમાંય મારુ તો ચસ્કી ગયું છે પાછું, મિત્રવર્તુળમાં બેઠો હોય તોય ક્યાં નો ક્યાં ચકરાવો લેતો હોઉં છું, ક્યારેક પ્રેમ ને ભાંડતો હોઉં છું, ક્યારેક એની આશા કરતો હોઉં છું. મારી તો પ્રેમ ની વ્યાખ્યાનુસાર પ્રેમ એટલે, આકર્ષણ, આવશ્યકતા અને ઉત્તરદાયિત્વ.. હું તો બસ ત્રીજામાં જ અટવાયેલો પડ્યો છું. આકર્ષણ પાછળ દોડવાનો વખત નથી, આવશ્યકતાઓને ટાળ્યા કરું છું પણ ઉત્તરદાયિત્વ નો કોઈ ઉપાય નથી..! ઉત્તરદાયિત્વ તો છે જ એવું કે નિભાવયે જ છૂટકો.. આરો છે જ નહીં..
સાચું કહું છું, તું તો ઓમેય મારા મન ની નહિ જ જાણે, તારા મનનું જાણવા દઈશ નહિ તું. પણ આપણો આ કમેળ થયો છે એ હું છેલ્લી ક્ષણ સુધી એકલપંડે સંભાળી શકવાનું સામર્થ્ય મારા માં તો છે જ એટલું જરૂર જાણજે..!!!
લી. એ જ તારો અપ્રેમી..