સમાજ vs સરકાર...!
આજકાલ સોસીયલ મીડિયા, ખાસ કરી ને X (ટ્વીટર) પર જોઉં છું તો અમુક લોકો એટલી હદે ક્ષત્રિયો વિરુદ્ધ થઇ ગયા છે કે વાત વિચારવા જેવી છે. એ લોકો ની માનસિકતા એવી ઘડાઈ ગઈ છે એવું મને લાગે છે. ભાજપા અને માનનીય વડાપ્રધાન પર એટલી હદે આંધળો વિશ્વાસ કર્યો છે કે આજના આ હિન્દુત્વવાદનો ઝંડાનો જાણે કે સર્વસ્વ ભાર તેમની જ ઉપર હોય. ક્ષત્રિયો વિરુદ્ધ એટલી નિમ્નસ્તરીય વાતો એ લોકો લખવા લાગ્યા છે, કે ખરેખર એમ થાય કે કદાચ "ગાડરિયો પ્રવાહ" શબ્દ છે એ આ લોકો પર સાર્થક બેસે છે. ક્ષત્રિયો ઉપર એવા એવા આક્ષેપો મૂકે છે કે કદાચ ચાર ઐતિહાસિક ચોપડાઓ તટસ્થ ભાવે વાંચી લે તો એમને એમનો પ્રત્યુત્તર ત્યાંથી જ મળી જાય. ખરેખર તો વોટ્સએપ યુનિવર્સીટીમાં ભાજપા ITCELL વાળાઓ એ ચલાવેલું ચલક-ચલાણું ઘણાઓએ સત્ય માનીને સ્વીકારી લીધું છે. આવા લોકો ખરેખર માનવ સમાજ માટે ઘાતક થઇ પડશે.
વોટ્સએપ્પ પર એક કોઈ પ્રચંડ ભાજપ ભક્ત શ્રી JK સોલંકી નું લખાણ વાંચવામાં આવ્યું. ભાઈ ભાજપ-ભક્તિમાં એટલી હદે આંધળા થયા છે કે મુદ્દો જાણ્યા કે સમજ્યા વિના જ ક્ષત્રિયો વિરુદ્ધ બફાટ અને ઝેર ઓકી રહ્યા છે. હિન્દુત્વની આંધળી લ્હાય માં સનાતન હિન્દૂ સમાજનો સંરક્ષક ક્ષત્રિય સમાજ વિષે જાણ્યા વિચાર્યા વિના સવાલો ની છડી વરસાવી દીધી. દીકરા, જેટલા સવાલો તે આ સમાજ ને પૂછ્યા છે એનાથી અડધા સરકાર ને પૂછ્યા છે કોઈ દિવસ? ક્ષત્રિયો ની માંગણી હતી શું એ તમે સમજ્યા છો? ક્ષત્રિયો એ ભાજપનો વિરોધ શરૂઆત થી કર્યો જ નહોતો, બસ નાનીશી વાત હતી કે રૂપાલા ને હટાવો, એને સ્થાને એક થાંભલો ઉભો કરી દ્યો, કોઈ વાંધો નથી, ભાજપ જીતશે..! પણ ના, આ તો હાલી નીકળ્યા છે, કે રૂપાલા એ માફી માગી લીધી છે.. ને ક્ષમા વિરસ્ય ભૂષણં.. ના ધાબા હેઠે...! લોકો ભૂલી જાય છે પ્રત્યેક ભૂલ ક્ષમા પાત્ર હોતી નથી..! પણ કાંઈ વાંધો નહીં, સમય સમય બળવાન..! આજ ઘણા લોકો ક્ષત્રિયો ના ત્યાગ અને બલિદાન ની હાંસી ઉડાવતા મુઘલો સાથેના સંબંધો સરખાવવા નીકળી પડ્યા છે. જો કે આ અધૂરું જ્ઞાન નું જ પરિણામ છે. આજે જે પ્રખર હિંદુત્વવાદીઓ કાશી-વિશ્વનાથ ના દર્શને જાય છે એ કદાચ રાજા માનસિંહ ન હોત તો મંદિર આજ પણ શોધતા જ હોત..! હા એ જ માનસિંહ અકબર ના સેનાપતિ..! જેમ આ વોટ્સએપ યુનિવર્સીટીઓ વાળા કહે છે ને કે ઘણીય વાતો ઇતિહાસ ના પેટાળ માં ધરબાઈ ગઈ છે, એવી જ કેટલીયે વાતો જાણવા મેદાન માં ઉતરવું પડે, ખાલી ઈન્ટરનેટ પર ખાંખા-ખોળા કર્યેથી જાણકાર ન બનાય..!
આજ ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે ક્ષત્રિયો અકબર સામે એક ન રહ્યા, મહારાણા પ્રતાપ એકલા લડ્યા..! એ સમયની રાજસ્થાન એકલાની જ રાજનીતિ હતી એ જાણો, ગુજરાત તો દૂરની વાત છે..! ગુજરાત ના ક્ષત્રિયોએ અકબર સામે એકલે હાથે સંઘર્ષ એક જ વાર કર્યો છે, જે ભૂચર મોરીના યુદ્ધને નામે પ્રખ્યાત છે. અકબર ને ગુજરાત પહોંચતા વચ્ચે રાજસ્થાન પડતું હતું અને રાણા ના નેતૃત્વ હેઠળ તમામે રાજપૂતો લડ્યા હતા, તન-મન-ધન ની સહાય રાણા ને કરી જ હતી, મેવાડના પાડોશી રાજ્યો માં ડુંગરપુરના રાજા આશકરણ, બાંસવાડા ના પ્રતાપસિંહ, મારવાડના ચંદ્રસેન, શિરોહીના રાજા સુરતાણ, જાલોરના તાજખાન, ઇડરના રાજા નારાયણદાસ આ બધાએ મળી ને જ અકબર નો પ્રતિરોધ કર્યો હતો. આવું જ ઔરંગઝેબ વેળા એ પણ હતું જ..! મેવાડ રાણા રાજસિંહની સામું થવાની ઔરંગઝેબની પણ છાતી નહોતી. ગુજરાતની પ્રજાએ એક જ વાર અકબર ની તલવાર જોઈ છે એ પણ જૂનાગઢ નવાબની દગલબાજી થી જનોઈવઢ પડી હતી, અને પરિણામે જામનગર રજવાડું તબાહ થઇ ગયું હતું. પણ ના, લોકો ને સાંભળવું ગમે શું છે કે રાજપૂતોએ મુઘલો અને અંગ્રેજો સાથે સંધિઓ કરી લીધી.. જોધાબાઈના નામે ચાલતું ડિંડક બસ ક્ષત્રિયોની વિરુદ્ધ વાપરવું છે. અરે તમે એકવાર તટસ્થ ભાવે ઇતિહાસ વાંચી તો જુઓ.. વડોદરાના ગાયકવાડ સયાજીરાવે દિલ્લી દરબાર ની તમામે શરતો નો ત્યાં દરબાર માં જ ભંગ કર્યો હતો..! ઝવેરચંદ મેઘાણી ના ગામ બગસરાની સાતલી નદીને કાંઠે ઉભેલો રા' માંડલિક નો પાળિયો પોકાર કરે છે હું યુદ્ધમાં મર્યો છું, પણ ના, મુસ્લિમ લેખકો ના સાહિત્યને આપણી ભાષામાં તરજુમો ઉતારો કરનારાઓ એ છાપી માર્યું કે અમદાવાદની કંદોઈ પોળ માં એની કબર છે..! ઇતિહાસ માં આવો જ કઈંક અટકચાળો ચાંપાનેર ના પતાઈ રાવળ સાથે થયો..! ઘણું છે રાજનીતિ કરવા માટે.. પણ ના, રાજનીતિ નું સૌથી મોટું શસ્ત્ર જાતિ-જ્ઞાતિવાદ છે, આજ ક્ષત્રિયો વિરુદ્ધ વપરાયું છે, નજીકના જ ભવિષ્ય માં બીજી ઘણી અન્ય જ્ઞાતિઓ માટે પણ વપરાશે. એનું પાછળ નો તર્ક તમે સમજશો તો હવા ભરેલો હિન્દુત્વવાદ જ સમજાશે. તમે ભીડ કરીને કોઈ ને મારો ત્યારે પણ સામે ઉભેલો એકલો લડતો હોય તો એ ભાયડો કહેવાય..! અહીંયા એકલો લડનાર આજ પણ ક્ષત્રિય જ છે.
ઇતિહાસ અને ક્ષત્રાણીઓનું સમ્માન આજપર્યંત ક્ષત્રિયો માટે અતિ-સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. દરેક જ્ઞાતિ નો કોઈ ને કોઈ સંવેદનશીલ ભાગ હોય જ છે અને શ્રેષ્ઠ એ જ છે કે એ સંવેદનાનું સમ્માન કરવું નહીં કે એના ઉપર ચોટ..! આજ અમુક ટ્વીટરની ચકલીયુ મોલેસલામ ઉપર પણ સવાલ ઉઠાવે છે, ત્યારે પાછી ભૂલી જાય છે કે એ પણ એક Ex-હિન્દૂ જ છે. અરે જે લોકો હળીમળી ને રહેવા માગે છે તમે એ લોકો ને સામેથી શા માટે છંછેડો છો?
આજે લોકશાહીમાં ગાયોના કતલની દુહાઈ દઈ રહેલાઓને જાણ થાય કે ગુજરાતમાં ક્ષત્રિયોના રજવાડા હતા ને ત્યારે કેટલાય રાજ્યો માં શિકાર થી માંડીને જીવ-હત્યા ઉપર કડક પાબંધીઓ હતી, ગણાવવા નહીં બેશુ, એ વાચક પોતે શોધશે. આજે કેટલાય એવા જોવા મળે છે કે એક રાજનીતિક પક્ષના ચશ્મા પહેરીને ક્ષત્રિયોને રાષ્ટ્રભાવના યાદ દેવડાવવા નીકળી પડ્યા છે. એવા લોકો ને બે હાથ જોડી ને બસ એટલું જ કહી શકાય.. "તેલ લેવા જા.."