ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને ભાજપા સરકાર..! || Kshatriya Samaj vs BJP || Shame on You Bharatiya Janta Party ||

0

"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः"

લોકસભા 2024ની ચૂંટણી કઈ દિશામાં ચાલી ગઈ..? ખાસ તો ગુજરાતમાં પ્રજાહિતના મુદ્દાઓ વિસરાઈ ગયા અને સત્તાપક્ષ બસ એક માત્ર ક્ષત્રિય સમાજને રીઝવવામાં લાગી ગયો છે. એક તરફ ભારત રાષ્ટ્રના તમામે પાડોશી દેશો ભારત સામે ડોળાં કાઢે છે, નેપાળ પોતાની ચલણી નોટમાં ભારતના લિપુલેખ જેવા પ્રદેશો નેપાળના નકશામાં દેખાડે છે, બાંગ્લાદેશમાં ભારત વિરોધના સૂત્રોચ્ચારથી માંડીને ભારતીય વસ્તુઓનો બોયકોટ થયો, માલદીવ્સે તો વૈશ્વિક પંચાયતમાં ભારતની આબરૂના કાંકરા કરી નાખ્યા, શ્રીલંકા તો હાલમાં શાંત છે કારણ ભારતની આર્થિક મદદ ઉપર નિર્ભર છે. ભૂટાન પાછલા બારણે ચીન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. મ્યાનમાર(બર્મા)માં ચીનના સહકાર વાળું સૈન્ય શાશન પ્રભુત્વમાં છે. આપણે શાંતિથી રહેવું હોય, અને નિર્વિરોધ વિકાસ અને પ્રગતિશીલ રહેવું હોય તો પાડોશીઓને આપણાં પક્ષમાં લેવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સાવ એવું પણ નથી કે પ્રખર સનાતની સાહેબશ્રી આ મુદ્દે ધ્યાન નથી આપી રહ્યાં પણ ક્યાંકને ક્યાંક તો ચૂક છતી થઇ રહી છે.


ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આજ ભાજપનો પ્રખર વિરોધી થઇ ગયો એના ઘણા કારણો છે. આમ તો હું ઇતિહાસ વિષય નો શોખીન જીવડો રહયો છું. ગુજરાતના દેશી રજવાડાઓનું ઉદગમ અને આઝાદી કાળ સુધીના પ્રસંગો અને વ્યવસ્થા વાંચવાનો શોખીન. ઘણું જાણવા મળે, સમજવા મળે. પરાક્રમ અને વીરતા, બલિદાન અને ત્યાગ, ગૌરવ અને પરાજય, વિક્રમ અને વિલાસ.. તમામ પાસાઓ ઇતિહાસને ચોપડે પડ્યા જ છે. સનાતનની કાઠી, ગરાસિયા, કોળી, પટેલ, બ્રાહ્મણ, ચારણ આ જાતિ પાસે સલામી, બિનસલામી અને તાલુકદારી રજવાડું હતું. સુદામડા તો સમે માથે હતું, અર્થાત કે સુદામડાની તમામે ઉપજ તમામે પ્રજા માં સમાન રૂપે બાંટી દેવાતી. સુચારુ રૂપે રાજ-વ્યવસ્થા આ લોકોએ પોતાના હસ્તકના પ્રદેશમાં જાળવી રાખી હતી. ન હતો કોઈ કોમવાદ, ન હતો કોઈ જાતિવાદ, ન હતો ધર્મ-વાદ. આજની સ્થિતિ સાથે તોલન આપ કરશો તો ઘણી ભિન્નતાઓ જાણશો. આજ-કાલ જે જાતિગત ઇતિહાસો લખાઈ રહ્યા છે એ ખરેખર જે તે જાતિનું મૂળ બદલાતું હોય એવા ભાસે છે. હવે થોડીક સમજૂતીઓ આપું તો ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલે છે, તો એનું એકમાત્ર કારણ પરષોત્તમ રૂપાલા નો વાણી વિલાસ. ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ વિરોધ અને આંદોલન શરુ કર્યું, કે બસ રૂપાલાની ટિકિટ રદ કરો..! જૂની અને નવી રાજહઠનો ટકરાવ થયો. જૂની એટલે ક્ષત્રિયની રાજહઠ જગ-જાણીતી છે. નવી એટલે ભાજપ પાસે સત્તા છે એટલે એની પણ હઠ છે કે રૂપાલા નહીં હટે. ધીમે ધીમે આંદોલનો ગામડામાં ચૂલા સુધી પ્રસરી ગયા. ગામોગામ રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા. ફોર્મ ભર્યા પછી ઉમેદવારી પરત ખેંચવાનો સમય વીતી ગયો પછી ક્ષત્રિયોએ નવો મોરચો સમસ્ત ભાજપ પક્ષ સામે માંડ્યો. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે ભાજપના ઉમેદવાર, સ્ટાર પ્રચારક કે પછી કાર્યકર સુધા ક્ષત્રિય સમાજના ગામોમાં પ્રવેશી શકતા નહિ. અમુક ઉમેદવારોએ બસ્સો જેટલા પોલીસ જવાનોના બંદોબસ્તમાં રહીને પ્રચાર કર્યો. જામનગરમાં થોડો ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો. છતાં ઇતિહાસ માં પ્રથમ વાર એવું બન્યું કે એક ઝનૂની અને યોદ્ધા તરીકે જાણીતી કોમે પૂર્ણતઃ શાંતિપૂર્વક પોતાનો વિરોધ નોંધાવ્યો. આ આંદોલન મારી નજરે ખરેખર એક બ્લેક સ્વૉન (Black Swan) ઘટના છે.


ક્ષત્રિય સમાજમાંથી ઘણા લોકો ભાજપ પક્ષ સાથે હજુ જોડાયેલ છે. જયરાજસિંહ ગોંડલ, વિરેન્દ્રસિંહ ભચાઉ, પ્રદ્યુમ્નસિંહ અબડાસા, બળવંતસિંહ, પ્રદીપસિંહ વાઘેલા.. વગેરે ઘણા છે. ઘણા નાના પદો પર કાર્યકરો ભાજપ સાથે સંકળાયેલ છે. સમાજ માં ઘણા લોકો એવા છે જે ઈચ્છે છે કે આ લોકો પોતાના પદે થી હટી જાય. મારી નજરે સમાજ રાજનૈતિક શૂન્યાવકાશમાં ચાલ્યો જાય તે અનિચ્છનીય પ્રસંગ બની રહેશે. ધારો કે આ તમામે ક્ષત્રિયો પોતાનું પદ છોડી દેશે તો સત્તાપક્ષમાં આપણું કોણ? સમાજે એક વાત સ્પષ્ટતાથી સમજવી જરૂરી છે કે સત્તાપક્ષ કે વિપક્ષ માં આપણાં સમાજમાંથી કોઈ કદાવર ત્યાં હોવું આજ પણ એટલું જ જરૂરી છે. માંધાતાસિંહજીએ જ્યારે P.C. કરીને જાહેર કર્યું કે ક્ષત્રિય રાજવીઓ ભાજપ-પક્ષ સાથે છે તો આપણે માંધાતાસિંહજી નો વિરોધ જરૂર કર્યો છે પણ એનો અર્થ એ નથી થતો કે માંધાતાસિંહજી નું પણ અપમાન કરવું, અથવા તો જામ સાહેબ સતાજીએ પ્રધાનમંત્રીને પાઘડી પહેરાવી તો એવું ન જાણવું કે જામ સાહેબ પણ સમજવીરોધી થયા છે, જામ સાહેબના નિવાસસ્થાને મહેમાનગતિએ આવેલ માણસનું યથોચિત સ્વાગત કરવું એ પણ ક્ષત્રિય પરંપરા રહી છે. આ રાજનીતિ છે, સત્તા-હસ્તાંતરણ પછી ક્ષત્રિયોના હાથમાંથી સત્તા ગઈ તો શું આપણે રાજનીતિ ભૂલી જવાની? રાજનીતિનું સીધું અર્થઘટન એ જ છે કે ગમે તે ભોગે સત્તા પોતાને હસ્તક રાખવી. સમાજે દરેક દિશામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવાની સમજ રાખવી જોઈએ. સત્તાપક્ષ, વિપક્ષ, કે અપક્ષ બધે જ આપણું નેતૃત્વ કરનાર, અને સર્વસમાજને સાથે લઈને ચાલનાર એ હોવો જ જોઈએ. ભાવનગર મધ્યે ફરતા આપણાં ધર્મરથને જે પ્રતિસાદ મળ્યો છે એ આપણે યાદ રાખવું જોઈએ, કે આજ પણ ક્ષત્રિયો પ્રત્યે મમત્વ રાખનાર તમામે જ્ઞાતિઓ આપણું સમ્માન જાળવે છે, એની પાછળ નું કારણ શું હોય શકે? એ વિચાર કર્યો છે? આજ પણ ક્ષત્રિય સર્વ જાતિઓને સમાન ગણે છે. હા ક્યારેક કોઈ જાતિગત છમકલું થાય પણ એ વાસણ ભેળા રહે તો ખખડે એમ ગણી ને આપણે વિસરી જઈએ છીએ, જે સર્વોચિત પણ છે. ભાવનગરમાં ફરતા ધર્મરથ વિશે જાણવા મળ્યું, કે પટેલ સમાજ, ચારણો, આયરો, કોળી કે મુસ્લિમ તમામે સમાજ કલાકો સુધી વાટ જોઈને પણ ધર્મરથનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવા ખડેપગે રહ્યા હતા, ઘણા ગામો તો એ ધર્મ રથ ના રૂટ માં નહોતા છતાં સામેથી એ ગામોએ પોતાના ગામ સુધી રથને લઈ ગયા, આવું ક્યારે બને? જ્યારે ક્ષત્રિયોએ બધા પ્રત્યે સમરસતા દાખવી હોય, જ્યારે ક્ષત્રિયોએ પોતાનું જતું કરીને બીજાને તે લાભ આપ્યો હોય, જ્યારે ક્ષત્રિયએ માથા સાટે પણ મુલ ચૂકવ્યું હોય.. એક સમય હતો, જ્યારે બળિયાના બે ભાગ કહેવાતા, તે કાળે પણ કદાચ ક્ષત્રિયએ બળ વડે અર્જિત બે ભાગને બધામાં બાંટયા હશે.


આ આંદોલનમાં એક નવો શબ્દ ઉપજયો, "ભાજપૂત". આ એક ઘૃણિત શબ્દ છે. સમાજે સમજવાનું છે, આજ ભાજપ સાથે સંકળાયેલા એકાએક ભાજપ સાથે છેડો ન ફાડી શકે. વર્ષોની મહેનત ને એકીસાથે લોકશાહીમાં ત્યાગવી કઠણ છે. આપણી જૂની વિરાસત છે કે આપણે શૂન્યમાંથી સર્જન કર્યું છે, તો બસ આજ પણ આપણે એમ જ સમજવું જોઈએ કે વિરેન્દ્રસિંહ, જયરાજસિંહ, P.M. કે પ્રદીપસિંહ કે એ કોઈ પણ રાજપૂત સમાજનો વ્યક્તિ જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલ છે, એણે પક્ષ દ્વારા મળેલ સત્તા ભોગવી છે, આપણે એમની સામે મોરચો માંડવાની જરૂર જ નથી, કોઈની પણ સત્તા હોય ત્યાં આપણા સમાજનો વ્યક્તિ હોવો એટલો જ જરુરી છે. ઘણા સમજુ સ્પષ્ટ જાણે છે, સમાજે એ પણ સમજવું જરૂરી છે કે એ લોકો પર પક્ષ દ્વારા કેટલું દબાણ આવતું હશે સમાજને પક્ષ તરફ લઈ જવા માટે. છતાં તમે જુઓ તો એ લોકો જાહેરમાં સમાજ પ્રત્યે એટલું દબાણ કરતા નથી. બાકી મૌલિક અધિકાર તો એમની પાસે પણ છે પસંદગીનો. આંદોલનમાં આપણો સમાજ જ્યારે વિરોધ કરતો હોય છે ત્યારે ઘણી જગ્યા એ પોલીસવાળાઓ અંદરખાને પ્રથમથી જ જાણ કરી દે છે કે અમુક અમુક મર્યાદા જાળવજો, અટકાયત ઘણી જગ્યાએ જરૂર થઇ છે પણ પોલીસખાતામાં આપણાં સમાજના લોકોએ ફરજ માં રહીને પણ આપણને ઘણા સાચવી રાખ્યા છે, એ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. એમની નોકરી છે, એમની ફરજ છે કે આંદોલન અતિ-ઉગ્ર ન થઈ જાય. છતાં ઘણી જગ્યા એ સમાજ દ્વારા નોંધાવાતાં વિરોધમાં પોલીસબળ સાથે ઘર્ષણો થયા. હાં! રાજનૈતિક દબાણ પૂરેપૂરું છે, છતાં સમાજના સત્તાધારીઓ સામાજ પર એ દબાણ આવવા દેતા નથી, બાકી આપણે જે ધારતા હોઈએ તેથી ઘણી જુદી વાસ્તવિકતાઓ હોય છે એ પણ સ્વીકારવા યોગ્ય તો છે જ. 


આમ તો વોટ્સએપ્પ ગ્રુપ્સમાં મારી હાજરી ઓછી જ હોય છે પણ હું વાંચતો જરૂરથી હોઉં છું, સમાજના ઘણા યુવાનો ઈચ્છે છે કે સમાજે એ તમામે લોકો નો બહિષ્કાર કરવો જોઈએ જે સમાજથી વિરુદ્ધ ચાલે છે. માનું છું કે સમાજનો જ માણસ સમાજથી વિરુદ્ધ ચાલે એ ચલાવી લેવું અમાન્ય છે, પણ આપણે છતાં પણ આપણી બૌદ્ધિકતાનું વિસ્તૃતિકરણ કરવું જરૂરી છે. જેમ રાજસ્થાનમાં શ્રી ક્ષત્રિય યુવક સંઘની એક પાંખ પ્રતાપ ફાઉન્ડેશન છે એ દરેક ચૂંટણી માં પોતાનો પ્રભાવ રાખે છે, એવું ગુજરાત માં આપણાં સમાજમાં કંઈ છે ખરું? ગુજરાત માં પણ ક્ષત્રિયોની વસ્તી કાંઈ ઓછી છે? પણ આપણું પ્રભુત્વ કેટલું? શું આપણે ગુજરાતમાં પણ પ્રતાપ ફાઉન્ડેશન આપણાં સમાજનો ચૂંટણીલક્ષી પ્રભાવ અને દબદબો બનાવી રાખે એવું ન કરી શકીએ?


મેં ઘણી વાર સાંભળ્યું છે કે ક્ષત્રિયોમાં એકતા નથી.! રાણા પ્રતાપની અકબર સામેની લડાઈનું દ્રષ્ટાંત આપીને લોકો કહ્યા કરે છે. ખરેખર એવું કંઈ હતું જ નહીં. રાણાના સમર્થક રાજવીઓએ એ વખતે આજ જે પાકિસ્તાન નીતિ અપનાવે છે કે ભારતને એક મોટો ઘા મારવા કરતા સો નાના-નાના ચિરાઓ મારી ઘાયલ કરો એજ નીતિ ત્યારે મહારાણા પ્રતાપ અને તેમના પાડોશી રાજ્યોની હતી. મેવાડ અને તેની આસપાસ ના તમામે રજવાડાઓ એ અકબરની સંધિ કદાચ કાગળ ઉપર જરૂર સ્વીકારી હોય પણ આચરી નહોતી. એ રાજવીઓ દ્વિતરફી રમત રમી રહ્યા હતા, કારણ શું? એકમાત્ર કારણ પોતાની પ્રજાનું સીધું મુઘલિયા શાસનથી સંરક્ષણ કરવું. ક્ષત્રિયોમાં એકતાનો અભાવ કહે છે લોકો, અરે ક્ષત્રિયોમાં એકતા એ હદે હતી કે અંગ્રેજો પણ સીધો ઘા કરી શકતા નહોતા. ઘણાઓ આજ પણ મુઘલિયા લિખિત પુસ્તકોને ઇતિહાસ નો આધાર ગણે છે, મહારાણાનું હલદીઘાટીનું યુદ્ધ યાદ કરે છે, પણ દિવેરનું યુદ્ધ કાળના પેટાળ હેઠળ દબાઈ ગયું હતું. દિવેરના યુદ્ધમાં મુઘલિયા થાણા માંથી એક પણ મુઘલ સૈનિક ભાગી કે બચી જવા પામ્યો નહોતો, એ યુદ્ધે મહારાણા પ્રતાપના પ્રતાપી પુત્ર અમરસિંહનો ઇતિહાસ રચ્યો હતો. દશેરાની ક્ષત્રિયોની શૌર્ય પરંપરા સાચવનારું એ યુદ્ધ કોણ જાણે છે?


ગુજરાતની વાત કરું તો, મુઘલિયા કાળમાં ક્ષત્રિયોએ ઘણી વાર સીધી ટક્કર લીધી છે, અમુક વાર હાર્યા છે તો ઘણી વાર આગંતુકોને નામશેષ પણ કર્યા છે. આપણી સંસ્કૃતિ અન્યો કરતા થોડી જુદી તો રહી જ છે, જ્યારે અન્ય સ્થળોએ સામ્રાજ્ય વિસ્તારના યુદ્ધો થયા છે ત્યારે આપણે ત્યાં શરણાગતના રક્ષણ કાજે માથા દીધા છે, ચાહે અબડોજી અડભંગ હોય, ચાહે મૂળી ના પરમાર લખધીરજી હોય, ચાહે નવાનગરના જામ સતાજી હોય. નૈતિક મૂલ્યો માટે આપણે ત્યાં અંદરોઅંદર પણ યુદ્ધો થયા છે, એનો અર્થ એવો નથી કે ક્ષત્રિયોમાં એકતા નો અભાવ છે. ક્ષત્રિયોની એકતા દેખાતી નહોતી એનું કારણ એવો પ્રસંગ નહોતો બન્યો કે ક્ષત્રિયો એક થાય. આજે જે એકતા દેખાઈ રહી છે એ તો સદાકાળથી ચાલી જ આવી છે, બસ ક્ષત્રિયો દગાનો ભોગ ઘણા બન્યા છે એ ઇતિહાસની તવારીખો પરથી અદ્રશ્ય થતું દેખાય છે. સમાજ એકતા ક્યારે દેખાડે? જ્યારે સમાજના સંવેદનશીલ ભાગ પર આઘાત પડે. નારી સંરક્ષણ પ્રત્યે ક્ષત્રિયો આટલા સંવેદન છે એનું એક કારણ ક્ષત્રિયોએ સ્વનુભવે જાણ્યું છે કે માતા-બહેન કે પ્રિયતમા ને ગુમાવવું કેવું અઘરું છે. જૌહરના થયેલ પ્રસંગો આજ પણ ક્ષત્રિય સમાજની ચેતના છે, અને રહેશે. વિચાર તો કરો, એક તરફ પુરુષ લોહીથી ખરડાયેલ શરીર પર હળદરનો લેપ મલતો બેઠો હોય, પોતાના આયુધોની ધાર ચમકાવી રહ્યો હોય, બીજી તરફ કિલ્લામાં ઉઠી રહેલી અગ્નિ-જ્વાળા વેગ પકડતી હોય, એકા-એક "જય ભવાની જય ભવાની" ના સ્ત્રી સ્વરો તીવ્ર થતા જતા હોય, એ આગની લપટો ને આંખમાં આંજીને પ્રભાતનો પોરમાં આદિતના ઓવારણાં લેતો એ રાજપૂત કેવી રીતે દુશ્મન ના દળ કટક સામે લડ્યો હશે? અને લડાઈ કોના માટે? પોતાના રાજ્ય માટે? ના, પોતાની પ્રજા માટે. ક્ષત્રિયો મરણશૈયા સુધી લડ્યા એનું એક માત્ર કારણ બાહરી તાકતોથી પોતાની પ્રજાનું તથા ધર્મનું સંરક્ષણ..! આજ આ જ દેશમાં ઘણાઓ ક્ષત્રિયોને કાયર તથા મુઘલના ચાટુકાર જેવા અપમાનજનક શબ્દો સંભળાવે છે. કોના ઈશારે? શા માટે?


પુનઃ એકવાર પૂર્ણ વિનમ્રતાથી કહું છું, જીવનમાં ક્યાંય પણ કોઈ પણ ક્ષત્રિય કામ આવ્યો હોય, અરે ન પણ આવ્યો હોય તો આપ પહેલ કરીને આજ ક્ષત્રિય સમાજનો હેતુ પૂરો પાડવા ક્ષત્રિય સમાજની સાથે રહી ભાજપ વિરુદ્ધ સક્ષમ પાર્ટીને મતદાન અવશ્ય કરશો.🙏

Post a Comment

0Comments
Post a Comment (0)