સોમનાથ, ભાલકાતીર્થ, ગિરનાર ઉડનખટોલા ની સફરે... || ROADTRIP BY CAR TO SOMNATH, BHALKA TIRTH, GIRNAR ROPEWAY - UDAN KHATOLA ||

0

શું લખવું? મનોસ્થિતિ સમજની બહાર છે..! શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું હતું, તું કર્મ કર્યે જા, પરિણામ ની પરવા છોડ..! મેં પણ પરિણામ ની આશા છોડી દીધી છે. મારું કર્મ હતું, મારો ધ્યેય હતો, મારું લક્ષ્ય હતું તે તરફનું મંડાણ મેં માંડી દીધું હતું. હવે જે થવું હોય તે થાય.



મનોમંથન એવું છે કે એમાં કોઈ નિસ્કર્ષ આવે જ તેવું જરૂરી નથી. જરૂરી નથી કે છાસ ને વલોવીને માખણ લેવું જ. સોમનાથ જઈ ને આવ્યા પછી ઘણી દિશાઓમાં એકીસાથે ભ્રમણ કરી રહ્યો છું. રાજતંત્રએ આ વખતે વિકાસ સિવાયની તમામે વાતો કરી. મતદાનને દિવસે સવારે સાડા-સાતે જ હું મતદાન કરી આવ્યો, ઘરે પહોંચ્યો, જોયું તો કારનું પાછલું ટાયર પંક્ચર, કઠણાઈ તો એવી કે જેક કેમ લગાવવો એ પણ આવડે નહીં, યુટ્યુબમાં સર્ચ કરી જોયું, ખાસ સમજાયું નહીં, વિચાર આવ્યો કે કોક પાંહે હવા ભરવાનો પમ્પ ગોતી આવું, હવા ભરી ને પંક્ચર વાળા સુધી પુગી જવાશે, 3-4 જણને ફોન કર્યો, પણ નિરાશા સાંપડી, વળી કોકે કીધું કે વાંહલા દરવાજા હેઠે જોવો, એક લોઢાની પટ્ટી હોય ન્યાં જેક લગાવવાનો, આખરે ટાયર બદલતા આવડ્યું. સ્ટેપની ચડાવીને પંક્ચર વાળા પાંહે પંક્ચર ઠીક કરાવ્યું ને જૂનું ટાયર ચડાવીને લગભગ સાડા-દસે સોમનાથ ભણી પ્રયાણ માંડ્યું..! કચ્છમાંથી કાઠિયાવાડ જાવું હોય એટલે સુરજબારી પુલ ટપવો પડે..! ને મહિના ના 28 દિવસ તો ઈ પુલ માથે કલાકોનું ટ્રાફિક હોય, સુરાજબારી ઉપર ભયંકર ટ્રાફિક જોઈને, મારી આગળની ત્રણ ચાર ગાડીઓએ યુ ટર્ન માર્યો, જેવી સૌની ગતિ એવી આપણી, એમ ધારીને મેંય યુટર્ન માર્યો, રોંગસાઇડ માં ઉપડ્યા, ખાલી રોડ ઉપર સડસડાટ જવા દીધી ને પુલ પૂરો થાય એ પેલા રોંગસાઇડ માં પણ ભયંકર જામ લાગ્યો, અમારા જેવા રોંગસાઇડમાં જનારા ઘણા હતા, નાની ફોરવહીલર્સથી વધુ તો ટ્રક્સ આ રોંગસાઇડ માં હતા. આ સાઈડ પણ જામ જોઈને ફરીથી મારી આગળની ત્રણ-ચાર કાર યુટર્ન લીધો, મેં પણ એમની પાછળ જવા દીઘી, એ લોકો એ મીઠાના અગરમાં ઉતારી, મેં પણ પાછળ પાછળ અગરમાં ઉતારી, કાચો ખડબડિયો અગરનો રસ્તો આગળ જતા મૈન સીધી સાઈડના હાઈવેમાં ભળી જતો હતો. મારી પાછળ જ કોઈ મોટા સરકારી સાહેબ ની SUV આગળ પાછળ પોલીસ પ્રોટેક્શન માં હતી, મેં એમને આગળ જવા દઈને એમની પાછળ લગાવી દીધી, પોલીસ વાળાઓ એ સાહેબ માટે ટ્રાફિક ક્લીઅર કરી રહ્યા હતા, અને એ સાહેબ મને પણ કામ આવ્યા એમના બહાને મને પણ ટ્રાફિક ક્લિયરન્સ મળી ગઈ..!


પછી તો મોરબી બાયપાસ લઈને રાજકોટ હાઇવે પર ઑનેસ્ટ માં સ્ટોપ લીધો, આઈસ્ક્રિમને નામે સિત્તેર રૂપિયાનો બરફનો કણિયું કરેલો ગાંગડો આરોગીને, ફરી હાઇવે પર કાર દોડવા લાગી..! કાળઝાળ ગરમી, બપોરના બે વાગ્યા હતા, કારનું એસી પણ ફેઈલ થતું લાગતું હતું. રાજકોટ પછી તો ખાલી હાઇવે, નાનું ટ્રાફિક, બસ કાર અને દ્વિચક્રી વાહનો.. કચ્છમાંથી આવતા હોય, અને ટ્રકો સાથે લપ કરતા આગળ વધતા હોય એને આવો ખાલી રોડ મળે એટલે જાણે પ્યાસીને પરબ મળ્યું.  ગોંડળ પાર કરીને એક રોડસાઇડ હોટલમાં ચા ની ચુસ્કીઓ લઇ ફરી કાર દોડાવી મૂકી. વીરપુરનું પાટિયું આવ્યું, જલારામ બાપાને ચાલુ કારે જ પ્રણામ કરી થોડે આગળ જ કાગવડનું પાટિયું આવ્યું, માં ખોડિયારનું ધામ. હાઇવે થી ઉતારીને કાર ડાબે વાળી, કાગવડ ગામમાંથી ખોડલધામ રસ્તો જતો હતો, સમયનું તો ભાન રહ્યું નહોતું, પણ કદાચ સાડાત્રણ - ચાર વાગ્યા હશે.


પાર્કિંગમાં કાર પાર્ક કરીને મંદિર તરફ પગપાળા ચાલતો થયો. બપોરનો કાળઝાળ તડકો એટલે ભીડ કોઈ હતી નહીં, બસ મારા જેવા કોઈ દૂર દૂર થી આવેલા હોય તેવા જ જણાતાં હતા. માતાજી ને કોઈ ધજા ચડાવી રહ્યું હતું, બે નાની બાળાઓ અસલ ખોડિયારમાં જેવો શણગાર સજીને આવી હતી. લગભગ સવા ચારે મંદિરનો ગર્ભગૃહનો પડદો હટ્યો, માતાજીનો જયઘોષ થયો. દર્શન કરીને થોડુંક મંદિર આસપાસ કરેલ બગીચો, ઘાસનું મેદાન, અને ચા નો પ્રસાદ લઈને ફરી સોમનાથ ભણી કાર દોડાવી મૂકી. દૂરથી ગિરનારની પર્વતમાળા દેખાતા જ જૂનાગઢ નજીક આવતું જણાતું હતું. હાઇવે બીજી તરફ ફંટાઈ ગયો, જૂનાગઢ બાયપાસ પર ફરી પુરપાટ ઝડપે હું જઈ રહ્યો, ભગવાન સોમનાથ ને શરણે..! જૂનાગઢ પછી તો હાઇવે ની બંને તરફ અને હાઇવે ની વચ્ચે ના ડિવાઈડર વચ્ચે ની લીલોતરી જોઈને મન પ્રફુલ્લિત થઇ રહ્યું હતું. છએક વાગ્યા હશે, કારના કાંચ ઉતારી નાખ્યા બહારનો પવન હજી પણ ગરમ તો હતો જ. વંથલી, કેશોદ, ગડુ ક્યારે પસાર થયા ખબર ન રહી, અને વેરાવળ આવી ગયું. જો કે વેરાવળ આવવાનો અંદેશો તો વેરાવળથી પહેલા સુકાતી માછલીઓની ગંધ માધ્યમે જ ખબર પડી જાય..! ગૂગલ મેપ્સમાં સોમનાથ સર્ચ કરીને ડાયરેક્શન શરુ કરી દીધું જેથી વેરાવળ સીટી માં ફસાઈ ન જવાય, અને સોમનાથ દાદાની ધજા દેખાઈ ગઈ.


સોમનાથ ટ્રસ્ટે સોમનાથ પ્રાંગણનો સારો એવો વિકાસ કર્યો છે, પણ અજાણ્યા લોકો જે રાત્રી રોકાણ કરવા માગે છે એ લોકો અટવાય એવું તો ખરું જ. મારે ખરેખર રાત્રી રોકાણ કરવું જ હતું, મેં છ તારીખે જ સોમનાથ ટ્રસ્ટ ની સાઇટમાંથી રાત્રી રોકાણ માટે એક કર્મચારીને ફોન કર્યો હતો, પણ ત્યાંની સિસ્ટમ એવી છે, કે તમારે ટ્રસ્ટ સંચાલિત રૂમ જોઈતો હોય તો 72 કલાક પહેલા બુકીંગ કરાવવું પડે છે, વળી હું ભૂલમાં સોમનાથ પ્રાંગણમાં આવેલ પાર્કિંગ માં કાર સાથે ચાલ્યો ગયો. એન્ટ્રી પર ફાસ્ટેગ માધ્યમ થી અથવા કેશ માં તમારે પાર્કિંગ ફી ચુકવવાની હોય છે, મને એવું કઈ ખ્યાલ હતો નહીં, પાર્કિંગમાં એન્ટ્રી લેતા જ સામે સોમનાથનું વિશાળ શિખર દેખાઈ જાય, સાંજના સાત વાગ્યા હતા, પાર્કિન માં કાર લગાવીને પછી આડુ કે અવળું વિચાર્યા વિના જ સોમનાથના દર્શનની તાલાવેલી એટલી ઉપડી કે હમીરજીના પૂતળા પાસે જ એક ધર્મશાળામાં રૂમ લઇ લીધો, ન રૂમ જોયો, ન કાંઈ..! નાહી-ધોઈને સામાન-બેગ્સ, મોબાઈલ વગેરે તમામે રૂમ માં મૂકીને સોમનાથના પટાંગણમાં પહોંચી ગયો. ચેકીંગ વગેરે કરાવવા આગળ ચાલ્યો ત્યાં જ બોર્ડ પર વાંચવામાં આવ્યું કે 'ઇલેક્ટ્રોનિક કી' પણ અંદર લઇ જવાની મનાઈ છે, મેં ફરી મારા ખિસ્સા વગેરે તપાસ્યા, કારની ચાવી ખિસ્સા માં જ રહી ગયેલી, ત્યાં ટોકન લઈને તમારો સમાન મુકવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે, દાદાના દર્શન કર્યા, રાતના નવેક વાગવા આવ્યા હતા. દરિયા પાસે રાત્રે જવાની તો મનાઈ છે, એટલે રૂમ માં જઈને બસ નીંદરું ઢયડવી ઉચિત માની. પણ બફારો કહે મારુ કામ..! ઉતાવળે કરેલ કામ આવા જ હોય.. આવી ગરમી માં ધર્મશાળાના રૂમ માં શું અપેક્ષા રાખી શકો? પછી તો બારણાં રાખ્યા ખુલ્લા, મચ્છર અને બફારાનો ભરપૂર લાભ લીધો.. પણ ડ્રાઇવિંગ થી થાકેલ એટલે લગભગ રાતે બે-ક વાગ્યે નીંદર આવી ગઈ, જો કે સવારે સાડા છ એ આંખ ખુલી પણ ગઈ, નાહીધોઈ ફ્રેશ થઈને, નીચે જ ચા ની લારીએ થી કડક ચા પીધી, અને નીકળી પડ્યો ત્રિવેણી સંગમ ઘાટ તરફ..! બ્રાહ્મણો પૂર્વજોના મોક્ષાર્થે આવેલની વિધિઓ કરાવી રહ્યા, એક ભૂદેવ આવ્યા, શું ભાઈ કાંઈ તર્પણ કે કરાવવું છે?


"ના દાદા, બસ તમારી દયા.."


"દયા તો સોમનાથની, બાકી માણહ તો ગારો છે આ ત્રિવેણી જેવો.. કેવા છો? દરબાર?"


"હા, પણ આ ગટર જેવો ગારો કાં આવો?" મેં સુકોડાટ ઘાટ જોતા પૂછ્યું.


"જોવો ને ભાઈ, આ આગળ ચેકડેમ જેવું કરી નાખ્યું છે, તે દરિયાનું પાણી આ કોર આવી શકતું નથી, ઉનાળે સંગમમાં તો નદીના પાણીની આવક હોય નહીં, તે બસ આ કાદામાં જ સૌના પિતૃ તરે છે ભાઈ..!"


"ખરેખર આ ગટર જેવું ગંધાય છે હો.."


"ઈતો ગંધાય જ ને, સૌ નાળિયેર, ચૂંદડી, ને અબીલ-ગલાલ થી માંડીને જે હાથ આવે ઈ ત્રિવેણીમાં પિતૃ પાછળ પધરાવે છે, પાણી ની આવક થાય તો મેળ પડે, કાં તો દરિયો આનીપા આવવા દે, કાં તો ત્રિવેણીમા બીજું કોઈ પાણી ની વ્યવસ્થા કરે.."


"તો ફરિયાદ કરો ને.. તાજી જ ચૂંટણી ગઈ છે, આવ્યા હશે ને ઉમેદવારો, નો માને એને પધરાવી દેવાય ને, તમે તો ભૂદેવ છો જ.." મેં મજાક કરતા કહ્યું.


"બાપુ, સૌ જાણે જ છે પણ આંધળી-બેરી સરકાર સિવાય.., હાલો લ્યો, યજમાન આવ્યા લાગે.."


ને ભૂદેવ નવા આગંતુકો તરફ વળ્યાં, હું ઘાટ, ગટર અને ગારો જોતો, કાર પાર્કિંગ તરફ વળ્યો..! વળી થયું કે ઘડીક દરિયો જોતા જાવી..! બીચની નજીવી ટિકિટ છે, વિશાલ ઘુઘવાટા મારતો મહેરામણ ગહેકી રહ્યો હતો, કિનારે ફોટોગ્રાફરો હું કોઈ સેલિબ્રિટી હોય દોડી આવ્યા, "હાલો સોમનાથ મંદિર સાથે તમારો ફોટો પાડી દઉં.." ભલું કરે ભોળિયો.. આપણે ચાલતી જ પકડી..! કિનારે ઘડીક ઠેકડે ચડેલ દરિયાદેવ ને નિહાળતો બેસી રહ્યો. એટલા માં જ ઘોડા વાળો આવ્યો, "બાપુ, આંટો મારવો છે?"


"ના એલા, એક વાર બેઠો'તો એના ખર્ચા હજી ભરું છું હો..!"


ઘોડાવાળો દાંત કાઢતો વયો ગયો..!


થોડીકવાર થઇ ત્યાં, સાંઢીયા (ઊંટ) વાળો આવ્યો, "બેહવું છે ભાઈ?"


આનો અખતરો કર્યા જેવો ખરો, એમ ધારીને મેં હા પાડી. ભાઈ એ સાંઢીયો બેસાડ્યો, પેગડે પગ દઈને માથે સવાર તો થઇ ગયો, પણ આપણી કાયા જોઈને ઊંટવાળે સલાહ દીધી, "ભાઈ, કચકચાવીને પકડજો" એમ કહીને ઊંટ ઉભું કર્યું.. જાજા ભાગે સાંઢીયો ઉભો થાય ને તયેં ઘણા મહાકાય સવાર હેઠા પડે, મારા ઉપરેય ઘણા નજર્યું કરીને બેઠા હતા, ઈ હંધાયને નિરાશા સાંપડી..! સાંઢિયો ઉભો થયો ને હાલવાય માંડ્યો.. પણ પછી એમ થયું કે આ અખતરો કરાય નહીં, દરિયાકિનારો થોડોક ઉબડખાબડ ખરો, પાછો હાલતો સાંઢિયો આડો-અવળોય થાય, આપણે મધ્યતા જાળવી રાખવી. ઘણા વરહ પેલા ઘોડેસવારી કરેલ ઈ યાદી તાજી થઇ આવી..! આ બેય માં જાજો ફરક નથી એવું ચોક્કસ સમજાયું, એક તો હાઈટનો ફર્ક ને બીજી થોડીક થોડીક ચાલ જુદી.. બાકી થડકા તો બેય માં એવા જ આવે.


અડધો-પોણો કલાક દરિયો નિહાળ્યા પછી લગભગ દસ વાગ્યે તડકો વધતા ભાલકા તીર્થ ભણી પ્રયાણ માંડ્યું. વેરાવળની બજાર વીંધીને જ્યાં પીપળાના વૃક્ષ હેઠળ યદુકુળભૂષણ ચંદ્રવંશ શિરોમણી પૂર્ણ પુરષોત્તમ પરમાવતાર શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો ત્યાં પહોંચ્યો. મંદિરમાં દર્શન કર્યા, પગ પર પગ ચડાવીને પ્રભુ સુતા છે, પગના અંગુઠે તીરનું નિશાન અને બાજુમાં જ હાથ જોડીને બેઠેલ જરા વ્યાધ..! ભગવાનની મોહક મૂર્તિના દર્શન કરીને તરત જૂનાગઢ તરફનો કેડો પકડી લીધો..! 


ઉનાળાનો ઉગતો સૂરજ આકરો તાપ ઓકી રહ્યો હતો, બાર વાગતા તો અસહ્ય ગરમી થવા માંડી હતી, લગભગ એક વાગ્યે જૂનાગઢ પહોંચ્યો, દોઢ વાગ્યે તળેટી. ભવનાથના ભર બપોરે દર્શન કર્યા, મૃગીકુંડ ની પ્રદક્ષિણા કરી, રોપવે તરફ પહોંચ્યો. "ઉડન ખટોલા" ઘડીકમાં અંબાજી શિખર સુધી પહોંચાડી દે હો..! ત્યાંના સિક્યુરિટી ગાર્ડને ટિકિટ વિશે પૂછ્યું,


"વનવે જવાશે, રિટર્નનું નક્કી નહીં.."


"એટલે?" મેં પૂછ્યું.


"પવન ચડ્યો તો રોપ વે બંધ થઇ જાહે.."


"તો રિટર્ન હાલી ને આવવું પડે એમ?"


"હા, ચાન્સ તો છે બંધ થઇ જાય, જોઈ લ્યો, જલ્દી ત્યાંથી રિટર્ન થાવ તો કદાચ ચાલુ મળે."


એટલે આપણે પડશે એવું દેવાશે ધારીને ચારસો રૂપિયાની વનવે ટિકિટ લઈ લીધી,  ખટોલામાં બેહી ગયા, ને ઊપડ્યું ભાઈ ધીમી ગતિએ. ઊંચાઈથી ઉપર જોતા નીચે સૂકા ઠૂંઠ અને લીલોતરીનું મિશ્ર પર્યાવરણ દેખાતું હતું. દૂર દૂર સુધી પથરાયેલી આ પર્વતમાળાના નાના મોટા શિખરો, ક્યાંક શિખરો પર થોડી સપાટ જમીન પર ગગન ચુંબતા મંદિરના શિખરો.. નાના-મોટા કુંડ, પાણીની ટાંકીઓ, એક મોટું જળાશય..! થોડીક વારમાં જ ઉપર પહોંચી ગયો. ત્યાં ઉતરતા જ સિક્યુરિટી ગાર્ડે કહ્યું, "જલ્દી આવતા રહેજો નકર બંધ થઇ જશે આ." એટલે હવે વિશ્વાસ બેસી જ ગયો આ ગમે તયે બંધ થઇ જાય. અંબાજીના દર્શન કર્યા. માતાજીનો પ્રસાદ લીધો. સામે જ દત્તશિખર દેખાતું હતું, અહીંથી જ માથું નમાવીને રિટર્ન રોપવે માટે આવી ગયો. રિટર્ન ટિકિટ બસો ત્રીસ ની હતી, કઠણાઈ તો આ ખટોલામાં ઉતરતા થઇ..! એક તો ઓલા એ પહેલા જ કીધું હતું કે "વા ચડે તો વાહન ઉભું રહી જાય.."


ને આ રોપવે ની કેબિનમાં હવા- પસાર માટે ઉપર ખુલ્લી બારીઓમાંથી સડસડાટ પવનની લહેરખીઓ આવવા લાગી, રીતસરના સુસવાટા સંભળાય..! પવનની ગતિ વધી એટલે રોપવેની ઝડપ બિલકુલ શૂન્ય જેવી જ થઇ ગઈ.. નીચે નજર કરતા ઘણી જાજી ઊંચાઈએ હોવાની અનુભૂતિ થઇ આવી, ભયથી વધુ તો ઉત્સાહ હતો, કે હવે શું થશે? એડવેન્ચર..! વળી થયું કે આ આંય ને આંય સાંજ સુધી ઉભું તો નહીં રહે ને? પવનનું શું નક્કી ક્યારે થોભે? ઉડન ખટોલા ની કેબીન પવન સાથે લેતી સહેજ સહેજ ઝોલા લેવા લાગી.. ઉત્કંઠા ઔર વધી..! કેબિનનો ડબ્બો છે તો મજબૂત..! જોકે પાંચેક મિનિટ માં જ ફરી રોપવે એની રોજનીશી ગતિઅનુસાર ચાલવા લાગ્યું..! ને થોડી જ મિનિટો માં ફરી ભવનાથ તળેટીએ આવી ઉભો..! 


હવે બસ દુનિયાનો પોતીકું ઘર જ રહ્યું હતું..! જૂનાગઢથી નોનસ્ટોપ મોરબી ઓનેસ્ટ સુધી કાર દોડાવી. હોનેસ્ટમાં હાથમોઢું ધોઈ, ચા પાણી કરીને સડસડાટ જવા દીધી તે સીધું આવ્યું કચ્છ..!


3-4 મહિને એકાદ આવી કાર ટ્રીપ કરવી જોઈએ, એક તો રોજિંદા જીવનથી થોડો આરામ મળે, બોડી શિડ્યુલ પણ થોડો ચેન્જ થાય. શરીરની રોજની ટેવોમાં થોડો ફેર બદલ પણ જરૂરી છે. માનસિક શાંતિ પણ મળે..! ટૂંકમાં ફરવાના ઘણા લાભ છે હાનિ રૂપિયાની એક ની જ...!!! 

Post a Comment

0Comments
Post a Comment (0)