મહારાણા પ્રતાપ - પરિચય અને પ્રશસ્તિ || Biography of Maharana Pratap ||

0

"પગ પગ ભમ્યા પહાડ, ધરા છોડ રાખ્યો ધરમ,
મહારાણા મેવાડ, હિરદે બસિયા હિન્દ રે.."


મહારાણા પ્રતાપ

ભાવનગર પાસે આવેલું વલ્લભીપુર.. એક સમયે વલ્લભી તરીકે ઓળખાતું, મૈત્રકોની વલ્લભી..! ભારતવર્ષનું એક સમયનું સૌથી મોટું સામ્રાજ્ય એટલે ગુપ્ત સામ્રાજ્ય.. ગુપ્ત રાજવંશના એક સેનાપતિ ભટ્ટાર્કે વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી. એ વલ્લભી કાળક્રમે ઘણું ઉન્નત થયું. વલ્લભીની બુલંદી ચહુદિશે ફેલાઈ. મૈત્રકો તથા વલ્લભીની કીર્તિ અને સંપત્તિથી આકર્ષાઈ મ્લેચ્છોએ વલ્લભી પર આક્રમણ કર્યું, વલ્લભી-ભંગ થયો.. અને વલ્લભીનગર કાળના પેટાળ હેઠળ ક્યાંક દટાઈ ગયું... વલ્લભીના એ અંતિમ રાજા શિલાદિત્યની રાણી પુષ્પવતી ગર્ભવતી હતી, વલ્લભીભંગ થતા એ રાણી ત્યાંથી નીકળી જઈ ઈડરના જંગલોનો આશરો લીધો, ત્યાં એક ડુંગરાળ ગુફામાં પ્રસવ થયો, પુત્ર જન્મ અને નામ રખાયું ગુહાદિત્ય..! આ ગુહાદિત્યથી જ ગુહિલ વંશ અથવા ગેહલોત કે ગોહિલ વંશની સ્થાપના થઇ. શરૂઆતમાં એવું મનાય છે, ઇડરમાં તેમણે રાજગાદી સ્થાપી, અને કાળક્રમે રાજગાદીઓ અહાડ઼, નાગદા, વાગડમાં બદલતા રહ્યા. એ જ વંશમાં મહાન રાજા કાલભોજ બપ્પા રાવળ થયા. કહેવાય છે બપ્પા રાવળે અરબ આક્રાંતાઓને એમને ત્યાં જઈને માર્યા હતા. પાકિસ્તાનમાં રાવલપિંડી એમના નામ ઉપરથી સ્થાપિત થયેલું. એજ વંશમાં ઈ.સ. 1150 આસપાસ રણસિંહના એક પુત્ર ક્ષેમસિંહથી રાવલ શાખા ચાલી, બીજા પુત્ર રાહપ પાસે સિસોદાની જાગીર આવી જે રાણા શાખા સીસોદીયા કહેવાયા. આગળ જતા એ વંશમાં જૈત્રસિંહ થયા, એમણે રાજગાદી ચિત્તોડ સ્થાપી. એમના પૌત્ર સમરસિંહનો એક પુત્ર નેપાળ ગયો અને ત્યાં રાજશાહી સ્થાપી. રાવલ રતનસિંહ અલાઉદીન ખીલજી સામે લડ્યા, વીરગતિ વર્યા, રાણી પદ્માવતીએ જૌહર કર્યું એ આપણે જાણીએ છીએ. આ રાવલ રતનસિંહ વીરગતિ પામ્યા પછી ચિત્તોડની ગાદીએ સિસોદાથી આવેલ રાણા હમ્મીરસિંહ બેઠા હતા, તેમના જ વંશમાં મહારાણા લાખાજી થયા, લાખાજીને મેવાડના ભીષ્મ કહેવાય છે, એમણે પોતા માટે આવેલું લગ્નનું નાળિયેર પિતા વેરે આપ્યું, પોતે પાટવી કુંવર હતા પણ, આવેલ નવી રાણીમાતાની કુખે જન્મેલ મોકલસિંહને રાજગાદી સોંપી હતી. એ જ વંશમાં મહાપ્રતાપી રાજાઓ કુંભા (કુંભકર્ણ), સાંગા (સંગ્રામસિંહ) થયા. મહારાણા સાંગાના મૃત્યુ બાદ મેવાડમાં રાજનૈતિક ઊથલપુથલ થઇ. રાણા સાંગાના પુત્ર ભોજરાજ ગાદીએ આવ્યા જેમના મીરાંબાઈ સાથે વિવાહ થયા હતા, ભોજરાજ રાણા સાંગાની હયાતીમાં જ મૃત્યુ પામ્યા, ભોજરાજ બાદ રતનસિંહ ગાદીએ આવ્યા પણ અલ્પ સમયમાં એ પણ મૃત્યુ પામ્યા. રાણા સાંગાની હાડી રાણી કર્માવતીના બે પુત્ર વિક્રમાદિત્ય અને ઉદયસિંહમાંથી વિક્રમાદિત્ય ગાદીએ બેઠા, નબળા પડેલા મેવાડ પર ગુજરાતના બહાદુરશાહે આક્રમણ કર્યું, અને મેવાડમાં રાણી કર્માવતીના નેતૃત્વમાં દ્વિતીય જૌહર થયું. વિક્રમાદિત્યને હઠાવીને બનવીર ગાદીએ બેઠો, અને તેને હટાવીને વિક્રમાદિત્યના ભાઈ ઉદયસિંહ દ્વિતીય ચિત્તોડની ગાદીએ બેઠા. મહારાણા ઉદયસિંહ અને પાલીના સોનગરા ચૌહાણની પુત્રી જયવંતાબાઈની કુખે જેઠ સુદ ત્રીજને દિવસે કુંભલગઢમાં પ્રતાપનો જન્મ થયો, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 9 MAY 1540 માં જન્મ થયો.


દિલ્લીમાં મુઘલ સામ્રાજ્યનો જેઠ માસના મધ્યાહ્નનો સૂર્ય સમો અકબર કાળઝાળ તપતો હતો. કાં તો સંધિ કાં તો સર્વનાશ.. બસ બે જ વિકલ્પને અનુસરતો અકબર એ વખતે ઉદયસિંહનું અડધું મેવાડ આંચકી ચુક્યો હતો. ઈ.સ. 1559માં કુંવર પ્રતાપને ઘરે અમરસિંહનો જન્મ થયો ત્યારે ઉદયસિંહે શહેર વસાવ્યું ઉદયપુર. 1567માં અકબરે ચિત્તોડને ઘેરો નાખ્યો, કદાચ મેવાડી ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની કે રાજાને બીજે સ્થળાંતર કરાવીને રાજાના વિશ્વાસુઓએ કિલ્લો સંભાળ્યો અને યુદ્ધ થયું. ઉદયસિંહ અને પરિવારને ગિરવાની પહાડીઓમાં સુરક્ષિત રખાયા, અકબર ભયંકર ઘેરો નાખે છે, તોપનો મારો ચલાવે છે, પણ ચિત્તોડ અડીખમ રહે છે. અકબરને સમાચાર મળ્યા કે, કિલ્લો તો જયમલ્લ મેડતિયાને હવાલે છે અને મેવાડી રાણા તો અંદર છે જ નહીં... મેડતા નરેશ જયમલ્લને સંદેશ મોકલવામાં આવે છે, ચિત્તોડ આપી દે અને તારું મેડતા પાછું લઇ લે.. ત્યારે જયમલ્લ વળતો જવાબ મોકલે છે કે,


"હૈ ગઢ માહરો મેં ધણી, અસુર ફિરે કિમ આણ,
કૂંચ્યા જે ચિત્રકોટ રી, દીધી મોહી દીવાણ..!!"


એટલે વળી અકબરે સંદેશ કહેવડાવ્યો, કે મેડતા સાથે સાથે નાગૌડ પણ આપું છું, બસ ચિત્તોડ છોડી દે.


ફરી જયમલ્લજી જવાબ વાળે છે,


"ભૂખ ન મેટે મેડતો, ના મેટે નાગૌડ ,
રજવટ ભૂખ અનોખડી, મર્યા મિટે ચિત્તોડ..!"


ખરેખર રાજપૂતો માટે રજવટ થી વિશેષ હોય પણ શું શકે? 


કલ્લાં રાઠોડ ને ખબે બેસીને લડતા જયમલ્લ

પ્રસંગ બહુ લાંબો છે, પણ એ ચિત્તોડ ઘેરાંમાં છેલ્લે શાકા થાય છે, પત્તા(ફતેહસિંહ ચુંડાવત) ના પત્ની ફુલકુંવરના નેતૃત્વમાં જૌહર થયું, રાજપૂતોએ કેસરિયા કર્યા, તુમુલ યુદ્ધમાં જયમલ્લ મેડતિયા કલ્લાં રાઠોડને ખભે બેસીને યુદ્ધ કરે છે, બીજી તરફ પત્તાંએ મુઘલ સેનાનો ઘાણ વાળી નાખ્યો, અકબર જીતે છે, અને ચિત્તોડ કિલ્લામાં રહેલ 30,000થી વધુ લોકોને અકબર કાપી નાખે છે. પણ અકબર પ્રભાવિત થયો હતો જયમલ્લ અને પત્તાંથી, એણે આગરા કિલ્લામાં એ બંને વીરોની હાથી સવાર બે મૂર્તિઓ લગાવડાવી હતી. જેનો સાક્ષી આ દુહો પુરે છે...


"જયમલ બઢતા જીવણે, પત્તો ડાવી પાસ,
હિન્દૂ ચઢીયા હાથિયા, અડિયા જસ આકાશ.."


ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવેલી આ મૂર્તિઓ જયમલ્લ અને પત્તાની હોવાનું મનાય છે.



ઉદયસિંહજીનું મેવાડ પાછું પોતાને હસ્તક કરવા સામર્થ્યવાન એ વખતે એમના તમામ પુત્રોમાં એકમાત્ર પ્રજાપ્રિય પ્રતાપ જ હતા. ગૃહકલેશમાં સપડાયેલી ઉદયપુરના ઉત્તરાધિકારીની રાજગાદી ઉદયસિંહજી મરતા મરતા કુંવર જગમાલને સોંપતા ગયા. રાજશાહીમાં લોકશાહી કેવી હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાણા પ્રતાપની જીવનીમાંથી મળી આવે છે. સારો પ્રસંગ છે કે, જયારે ઉદયસિંહજી મૃત્યુ પામ્યા તેમની અંતિમ સંસ્કાર વિધિ ગોગુન્દામાં થઇ રહી હતી, નગરશ્રેષ્ઠીઓ અને સામંતો તથા રાજકુંવરો હાજર હતા. એ રાજકુમારોમાં પ્રતાપને અહીંયા સ્મશાનમાં જોઈને ઘણાઓને આશ્ચર્ય થયું. નિયમ એવો હતો કે રાજાના મૃત્યુ પશ્ચાત પાટવી કુંવર રાજધાનીમાં રાજતિલકની તૈયારીમાં હાજર રહે અને બાકીના કુંવરો સ્મશાનયાત્રામાં જોડાય. રાજાને શોક ન હોય. સામંતોને જાણ થઇ કે ઉદયસિંહજી જગમાલને રાણા બનાવી ગયા છે, અંદરોઅંદર ખુસરપુસર થઇ, સામંતો તથા પ્રજાએ એકમત થઇને જાહેર કર્યું કે, જયારે મુઘલોના નગારા મેવાડની સીમાની અંદર પણ ધમધમી રહ્યા હોય ત્યારે તેની સામે પડવા નેતૃત્વ લઇ શકે તેવું પાત્ર પ્રતાપ જ હતા. મેવાડના રાણાઓને રાજતિલક કરવાનો અધિકાર સલુમ્બરના ચુંડાવતો પાસે હતો. ત્યાં ગોગુન્દામાં જ મેવાડના સામંત સલુમ્બરના કૃષ્ણદાસ ચુંડાવતે 28 ફેબ્રુઆરી 1572માં પ્રતાપનું રાજતિલક કર્યું અને મેવાડી મહારાણા તરીકે રાણા પ્રતાપની ઘોષણાઓ થઇ. એજ વર્ષે ફરી આસપડોશનાં રાજાઓને આમંત્રણો અપાયા, અને વિધિવિધાન સાથે મેવાડી રાણાઓની સંકટકાલીન રાજધાની કુંભલગઢમાં પુનઃ એકવાર જગમાલને હટાવીને પ્રતાપની ભવ્ય રાજતિલક વિધિ કરવામાં આવી. જો કે મેવાડના પ્રથમ એવા રાણા હશે જેમની પાસે ન પૂર્વજોની રાજધાની હતી, ન રાજાઓ વાળો વૈભવ, હતું તો બસ સ્વાભિમાન, ગૌરવ, સાહસ અને પુરુષાર્થ.. રાજતિલક સમારોહના બહાને પ્રતાપે એ તમામને આમંત્ર્યા હતા જે એ સમયે અકબરની વિરુદ્ધ હતા, એમાં પ્રમુખ નામ હતું મારવાડનો રાવ ચંદ્રસેન. મારવાડ, મેવાડ અને આમેર મુઘલકાળમાં રાજપુતાનાના સૌથી બળવાન, સામર્થ્યવાન અને કીર્તિવાન રાજ્યો હતા.


જેમનો ઘણો વિસ્તૃત ઇતિહાસ હોય, અથવા જૂનો ઇતિહાસ હોય તો એ પ્રસંગ સાથે ઘણી બધી કિંવદંતીઓ, દંતકથાઓ, રસિક કાવ્યો જોડાઈ જતી હોય છે. એવું જ કઈ મહારાણા પ્રતાપ સાથે પણ થયું છે. ચાહે મહારાણા પ્રતાપનો વજનદાર ભાલો કહો કે પછી બખ્તર. 


મેવાડની ગાદી પર નવા રાજા આવતા અકબરે પુનઃ નૂતનધોરણે રાજા પ્રતાપ સાથે સંધિ અથવા યુદ્ધોના કહેણો કરતા દૂતો મોકલવા શરૂ કર્યા. રાજતિલકના છ માસ બાદ અકબર તરફથી જલાલ ખાન કોરચી દૂત તરીકે રાણા પ્રતાપ સમક્ષ રજૂ થયો, અકબરની સંધિઓ અને પ્રસ્તાવો કહી સંભળાવ્યા અને મહારાણા પ્રતાપે ટૂંકમાં "ના" કહીને પાછો વળાવી દીધો. અકબરે એપ્રિલ 1573માં આમેરના કુંવર માનસિંહને દૂત તરીકે મોકલ્યો. રાજનીતિના ભાગ રૂપે મહારાણા પ્રતાપે આમેરના કુંવરને મળવા પોતાનો કુંવર અમરસિંહ મોકલ્યો. અમરસિંહ સાહસી યોદ્ધા સાથોસાથ પરાક્રમી અને વાક્પટુતાના જાણકાર પણ હતા, અમરસિંહે થોડી માનસિંહની મશ્કરીઓ કરી. દ્વિતીય વાટાઘાટો પણ નિષ્ફ્ળ નીવડી. ક્રોધિત થયેલો માનસિંહ જૂન 1573માં અકબર પાસે પાછો ફરી ગયો. અકબરને ભૂલ સમજાઈ કે સમોવડિયાને મળતા રાણા સાથે સંધિનું કહેણ લઈને ઓક્ટોબરમાં ફરી એક દૂત મોકલ્યા, આ વખતે દૂત તરીકે સ્વયં માનસિંહના પિતા અને આમેરના ભગવંતદાસ આવ્યા. મહારાણાને સમજાવવા કોશિશ કરી જોઈ, અકબરના સામર્થ્યના ગુણગાન કહ્યા, પ્રતાપ પ્રત્યુત્તર વાળતા કહે છે કે,

"ભગવંતદાસજી, લગભગ પચાસેક વર્ષ પહેલા જયારે ખાનવાનું યુદ્ધ થયું, અકબરના દાદા બાબર અને મારા દાદા રાણા સાંગા વચ્ચે સામસામે યુદ્ધની રણભેરીઓ ગાજી હતી, એ વખતે મેવાડ રાજપૂતાનાનું સૌથી મોટું અને સામર્થ્યવાન રજવાડું હતું, મેવાડના ધ્વજ હેઠળ એ વખતે આમેરથી પૃથ્વીરાજજી લડવા આવ્યા હતા, આજ સમય અને સ્થિતિ જરૂર બદલાઈ છે, આજ મેવાડ પાસે પહેલા જેટલું સામર્થ્ય રહ્યું નથી, આમેર અને મારવાડ આજે મેવાડ કરતા વધુ સશક્ત છે, તમે સામર્થ્યવાન છો, તમે અકબર સામે યુદ્ધ કરો, હું તમારા ધ્વજ નીચે રહીને લડીશ. પણ સંધિ તો ન ગઈકાલે થઇ હતી ન મારી હયાતીમાં આવતી કાલે થશે."


ભગવાનદાસ પણ ખાલી હાથે અકબર પાસે પરત ફર્યા. ડિસેમ્બર 1573માં અકબરે પોતાના વિત્તમંત્રી ટોડરમલને સંધિ માટે મોકલ્યા. ટોડરમલે મેવાડની મહેમાનગતિ માણતાં અકબરની અથાહ સંપતિનું વર્ણન કર્યું, અનેકો વર્ષ મેવાડને ઘેરો નાખીને બેસી શકે એવા અકબરના સામર્થ્ય ગણાવ્યા, અકબરે સંધિ કરેલા રાજાઓને એમનું રાજ્ય પુનઃ સોંપ્યાનો દાખલાઓ દીધા. પોતે વિત્તમંત્રી હોવાથી ધનની કિંમત સમજાવી અને પુનઃ મહારાણા પ્રતાપે બસ "ના" કહીને તેને પાછો વાળી દીધો. મહારાણા પ્રતાપના સ્વાભિમાનના દર્શન અહીં થાય છે કે એ વખતે ચાર ચાર દૂતો વડે અનેક લોભામણી શરતો અને ડર બતાવવામાં આવ્યો હશે, પણ નથી નમવું એટલે નથી નમવું... કેવો અડગ નિશ્ચયપ્રેમ..!!


***


સ્વાભિમાન અને કુલાભિમાન ખોઈને શાંતિ મેળવવાની ચાર તકો જતી કરીને મહારાણા પ્રતાપે અનિવાર્ય યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, સેનાનું ગઠન કર્યું, શસ્ત્ર-સરંજામ અને ખાદ્યાન્ન એકત્ર કરવામાં આવ્યું. બળવાન યોદ્ધાઓ, અશ્વો અને હાથીઓ સંગઠિત અને પ્રશિક્ષિત કર્યા. યુદ્ધની રણભેરીઓ ગાજી ઉઠી, શંખનાદ થયા.


18મી જૂન 1576ના સૂર્યોદયના 3 કલાક પછી ગોગુન્દા અને ખમનોરની પહાડીઓની વચ્ચે સ્થિત હલ્દીઘાટીમાં યુદ્ધ શરૂ થયું. મહારાણા પ્રતાપની સૈન્ય ગોઠવણીમાં અગ્રીમ હરોળમાં સલુમ્બરના કૃષ્ણદાસ ચુંડાવત, રામદાસ રાઠોડ (ચિત્તોડમાં વીરગતિ પામેલ જયમલ્લનો પુત્ર), અને મેવાતનો હકીમખાન સુર પોતાની અફઘાન સેના અને આગ્નેયાસ્ત્રો (તોપખાનું) સાથે ગોઠવાયો, જમણી પાંખ ગ્વાલિયર નરેશ રામશાહ તોમર અને તેમના ત્રણ પુત્રો શાલિવાહન, ભવાનીસિંહ અને પ્રતાપે સંભાળી, સેનાની ડાબી પાંખનું બડી-સાદડીથી આવેલ ઝાલા બિદ્દા (માનસિંહ) નેતૃત્વ કરી રહ્યા હતા, કેન્દ્રમાં મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઇ નિર્દેશો કરી રહ્યા હતા, સૌની પાછળ તીરંદાજી ભીલ સેનાનું નેતૃત્વ કરતા રાણા પુંજા ઉભા રહ્યા હતા. 


અકબરના પક્ષે તાજેતરમાં જ રાણા પ્રતાપથી નારાજ થઈને પાછો વળેલ આમેરનો માનસિંહ અકબરનો મુખ્ય સેનાપતિ થઈને લડવા આવ્યો હતો, તેનો સહ સેનાપતિ તરીકે આસફખાન, સાથે મુઘલોનો એક લેખક અને ઇતિહાસકાર હતો અલ-બદાયુની એ પણ આવ્યો, અને આમેરના અમુક કચ્છવાહાઓ..! મેવાડી ગીતો અને પારંપરિક ઇતિહાસો એ યુદ્ધમાં સામેલ થયેલાની સંખ્યા પ્રમાણે મહારાણા પ્રતાપની સેના 20000 હતી, સામે પક્ષે અકબરની 80000ની સેના હતી. જયારે જદુનાથ સરકાર લિખિત ઇતિહાસોમાં મહારાણા પ્રતાપને પક્ષે 3000ની સેના હતી, અકબરને પક્ષે 10000. બંને સેના વચ્ચે વિશાલ તફાવત હતો. 


એક તરફ મેવાડી સેના પારંપરિક શસ્ત્રો એટલે કે તીર, તલવાર અને ઢાલ-ભાલા સાથે યુદ્ધમેદાનમાં ઉતરી હતી જયારે સામે પક્ષે અકબરની સેનામાં બંદૂકધારીઓ પણ હતા. કોઈ હિસાબે આ બે સેનાની તુલના થઇ શકે એમ હતું જ નહીં. છતાં ભયંકર યુદ્ધ થયું, રાજપૂતો, ભીલો, અફઘાનો સ્વાભિમાન માટે લડતા હતા, અને મુઘલો બસ સામ્રાજ્યવાદના વિસ્તાર માટે. એકને સ્વાભિમાન જોઈતું હતું, બીજા ને બસ અભિમાન.. એકના માટે અસ્તિત્વનું યુદ્ધ હતું, બીજા માટે બસ જમીનનું..! અકબરને મેવાડ જોઈતું હતું એનું એક કારણ એ પણ હતું કે એને ગુજરાતના બંદરો જોઈતા હતા, વૈશ્વિક વ્યાપાર માટે. મુઘલ સલ્તનતને ગુજરાત જવા માટે વચ્ચે મેવાડ નડતું હતું. 


મહારાણા પ્રતાપ અને માનસિંહ આમેર


હલ્દીઘાટીની એ પીળી માટી લાલ થઇ રહી હતી, અલ બદાયુની પોતાના પુસ્તક "મુંતખબ-ઉત-તવારિખ"માં લખે છે, રાજપૂતોનો પહેલો ધસારો એટલો પ્રબળ હતો કે મુઘલ સેનાના પગ ઉખડી ગયા હતા, ત્રિપાંખી વ્યૂહરચનામાં મુઘલ સેનાની જમણી પાંખ રાજપૂતોએ તોડી જ નાખી હતી. અકબરની સેનાએ પારોઠ ભરી, પીછેહઠ કરી. રાજપૂતો એમની પાછળ પડ્યા. અકબરની સેનામાં અંતિમ પંક્તિમાં કોઈ મીહિત્તર ખાન નામનો સૈનિક ભાગતી મુઘલ સેનાને ઉદ્દેશીને ખોટેખોટી બસ રાડ પાડી ઉઠ્યો કે "ભાગો નહીં, ખુદ અકબર નવી સેના લઈને મદદમાં આવે છે." તૂટેલા મનોબળ વાળી મુઘલ સેના પાછી એકત્ર થઇ, રાજપૂતોનો પ્રતિકાર કરવા લાગી. બંદૂકધારી હરોળે મોરચો સંભાળ્યો, તલવાર લઈને લડતા રાજપૂતોની છાતીઓ નાની નાની ગોળીઓ વીંધી રહી હતી. રાણાનો હુમલો ત્યારે વધુ નબળો પડવા લાગ્યો જયારે માનસિંહ પોતાના મર્દાના નામના હાથી માથે બેસીને રાણાની સેનાનો કચ્ચરઘાણ વાળવા લાગ્યો. ક્રોધિત રાણાએ પોતાનો ચેતક માનસિંહ તરફ દોડાવ્યો, સમજુ અશ્વ રાણાના મનની વાત સમજી ગયો હોય એમ ઠેક મારી, મર્દાના હાથીની સૂંઢ ઉપર પગ ઠેરવી દીધા, મહારાણા પ્રતાપ હાથીની અંબાડીમાં બેઠેલા માનસિંહ ઉપર યમની દાઢ જેવો ભાલો ફેંકે છે, માનસિંહ નમી જાય છે અને ભાલાનો ઘા નિષ્ફળ જાય છે. માનસિંહ એક મહાન યોદ્ધો હતો, કુશળ રણનીતિજ્ઞ હતો. મર્દાના હાથીની સૂંઢ સાથે મોટા છરા બાંધ્યા હતા, હાથીને ઈશારો મળતા જ તેણે સૂંઢ ફેરવી, રાણાના જીવ જેવા ચેતકના બે પગ કપાઈ ગયા. અશ્વ અને સવાર બંને ઘવાયા. રણશિંગા ફૂંકાયા, કોઈ ઈશારાઓ થયા, કોઈ ગુપ્ત સંદેશો ફેલાયો, એક તરફથી ઘાયલ ચેતક ઘાયલ રાણાને લઈને યુધ્ધભૂમિની બહાર નીકળી જાય છે, બીજી તરફ ઝાલા માનસિંહ (બિદ્દા) રાણા પ્રતાપના ચિન્હો એવી જ રીતે ધારણ કરી લે છે જેવી રીતે તેના જ એક પૂર્વજ ઝાલા અજ્જાએ ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા ઘવાયા હતા ત્યારે ધારણ કર્યા હતા..! ઝાલા માનસિંહે મુઘલોને એવા તો માર્યા કે અંતે માનસિંહ વીરગતિ વરે છે પણ મુઘલોના યુધ્ધભૂમિમાંથી મૂળ ઉખેડી નાખ્યા હતા. અકબરની સેના પાછળ હટતા હટતા ગોગુંદાનો કબ્જો જરૂર લ્યે છે, પણ ભયંકર નુકસાન વેઠે છે. 


ચેતકની છત્રી


આ યુદ્ધમાં હાથીઓએ પણ જબરજસ્ત ભાગ ભજવ્યો હતો, માનસિંહનો મર્દાના અને ગજમુક્તા. મહારાણા પ્રતાપને પક્ષે લુણા અને રામપ્રસાદ. અસલ કાઠિયાવાડી જાતવાન અશ્વ ચેતક ઘાયલ અવસ્થામાં પણ મહારાણા પ્રતાપને લઈને યુધ્ધભૂમિની બહાર નીકળી જાય છે, યુદ્ધભૂમિથી થોડે દૂર જ અસહ્ય ઘાવથી હતાહત થયેલ ચેતકની છત્રી આજ પણ એ વીરગાથા વર્ણવતી ઉભી છે. યુદ્ધને અંતે પહાડીઓમાં ચાલ્યા ગયેલા મહારાણા પ્રતાપનો વિજય થાય છે. 


કહેવાય છે કે જયારે માનસિંહ અને આસફખાન અકબરના દરબારમાં પહોંચે છે તો હારેલા યોદ્ધાઓના ચેહરાઓ જોવા અકબર તૈયાર નહોતો. બંનેની ડ્યોઢી બંધ (દરબારપ્રવેશ નિષેધ) કરી દીધી હતી. રાણા પ્રતાપ તો હાથ નહોતા આવેલ પણ રાણા પ્રતાપના હાથી રામપ્રસાદને કેદ પકડીને માનસિંહ આગ્રા લઇ ગયેલ, ત્યાં જઈને તેનું નામ બદલીને પીરપ્રસાદ કરી દેવામાં આવ્યું હતું. જો કે સ્વામીભક્ત રામપ્રસાદે પ્રતાપવિરહમાં અન્નજળ ત્યાગીને ત્યાં જીવ આપ્યો હતો. અલ બદાયુની લખે છે કે, મુઘલ સેનામાં એટલી હદે ડર પેસી ગયો હતો કે કોઈ ઘાયલ મહારાણા પ્રતાપનો પીછો કરવા તૈયાર નહોતું. વળી પાછળ હટતી મુઘલ સેના પર રાત્રીસમયે ભીલસેના અસંખ્ય તીરોનો વરસાદ કરતી હતી, સેનાની નાની ટુકડીઓ ભીલો લૂંટી લેતા હતા, અનાજ-પાણીની અછત ઉભી કરી દીધી હતી. અલ બદાયુની એક કટ્ટર મુસ્લિમ હતો. કહેવાય છે કે યુદ્ધની શરૂઆતમાં કોઈએ બદાયૂનીને પૂછ્યું હતું કે, "તું કલમ ચલાવવા વાળો માણસ યુદ્ધભૂમિમાં તલવારો ચાલતી હોય ત્યાં શું કરીશ?" ત્યારે બદાયૂનીએ પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે, "હું કપાતા કાફીરોના રક્ત વડે મારી દાઢી રંગીશ..!" 


મધ્યકાલીન ભારતીય ઇતિહાસમાં કિશોરીલાલ નોંધે છે કે, માનસિંહના નેતૃત્વ વાળી પીછેહઠ કરતી સેનાની પાછળ જયારે મેવાડી રાજપૂત સેના પડી હતી, ત્યારે બદાયુની પોતાની પાસે ઉભેલ આસફખાનને પૂછે છે કે, "તીર કોની ઉપર ચલાઉ?" અને આસફખાન જવાબ આપતા કહે છે કે, "આંખ બંધ કરીને તીર ચલાવી દે, લાભ ઇસ્લામને જ થશે..."


અલ બદાયુની પોતાના પુસ્તક "મુંતખબ-ઉત-તવારીખ"માં આ યુદ્ધને "ગોગુંદાનું યુદ્ધ" કહે છે, અકબરના અન્ય એક ઇતિહાસકાર "અબુલ ફઝલ" જેણે "આઈન-એ-અકબરી" લખી હતી તે આ યુદ્ધને "ખમનોરનું યુદ્ધ" કહે છે. અંગ્રેજકાળમાં મેવાડનો પોલિટિકલ એજન્ટ "કર્નલ જેમ્સ ટોડ" પોતાના  પુસ્તક "એનલ્સ એન્ડ એન્ટીક્વીટીઝ ઓફ રાજસ્થાનમાં આ યુદ્ધને "મેવાડનું થર્મોપોલી" કહે છે. 


આજે જે કથિત હિન્દુવાદનો શંખ ચહુદિશે ફૂંકાઈ રહ્યો છે, સેક્યુલરવાદ, ડાબેરીઓ કે રાષ્ટ્રવાદી તથા કહેવાતા આધુનિક ઇતિહાસકારો પોતાના મનસૂબાઓ પાર પાડવા કોઈ પણ હદે જતા હોય છે, ત્યારે રાણા પ્રતાપમાંથી આપણે શું શીખવું જોઈએ? સંગઠન. અકબર સામે લડવા માટે મહારાણાએ તે સમયે જેટલા પણ અકબરના વિરોધીઓ હતા તેને એકત્ર કર્યા, મજબૂત સંગઠન ઉભું કર્યું. અકબરને આજના ઇતિહાસકારો સેક્યુલર(ધર્મનિરપેક્ષ) કહે છે કારણકે આમેરના માનસિંહને તેણે સેનાપતિપદ આપ્યું હતું. પણ એજ લોકો ભૂલી જાય છે કે પ્રતાપને પક્ષે રહી ને હાકીમખાન સુરે શહીદી વ્હોરી હતી.. આગળ જતા તેમણે એ સંગઠનશક્તિનો અલગ રીતે ઉપયોગ પણ કર્યો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ લોકો આજ પણ શા માટે યાદ કરે છે? આ યુદ્ધ માત્ર અકબર અને મહારાણા પ્રતાપ એમ બે વ્યક્તિ પૂરતું જ સીમિત નહોતું રહ્યું. આ યુદ્ધ સામ્રાજ્યવાદ અને પ્રાદેશિક સ્વાતંત્ર્યનું યુદ્ધ હતું, અનંત શક્તિઓ સામે માત્ર આશા, નૈતિકતા અને સીમિત સંસાધનનું યુદ્ધ હતું. આ યુદ્ધ રાષ્ટ્રવાદની ભાવના શીખવાડે છે, આ યુદ્ધે સામાન્ય પ્રજામાં રાષ્ટ્રવાદનો સંચાર કર્યો હતો.. ગાડરિયા લોહાર હોય કે ભીલો આ યુદ્ધમાં સામેલ થયા, સામાન્ય પ્રજા કહો કે જે.. પણ જનમાનસમાં એ વખતે કોઈ રાષ્ટ્રવાદ શું છે, માતૃભૂમિ શું છે? સ્વતંત્રતાની મોકળાશ શું છે એ હલ્દીઘાટીનું એ યુદ્ધ આજ પણ શીખવે છે.


હલદીઘાટીનાં યુદ્ધ બાદ અકબર પુનઃ એક સેના મોકલીને મેવાડ આંચક્વા પ્રયાસ કરે છે થોડે અંશે સફળતા પણ મળે છે, પૂર્વી મેદાની મેવાડ તો પહેલા જ રાણાના હસ્તક રહ્યું નહોતું. 1578 ઈ.સ.માં શાહબાઝખાન ઉપરાઉપરી ત્રણ હુમલા કુંભલગઢ પર કરે છે. આ વખતે કુંભલગઢ, ગોગુન્દા, માંડલગઢ, અને મધ્ય મેવાડ પણ રાણાના હાથમાંથી જતું રહ્યું, સાથે સાથે ઉદયપુર.. ઉદયપુરનું નામ બદલીને અકબર મુહમ્મદાબાદ રાખે છે. પણ પ્રતાપ છતાં પણ ન નમ્યા.. કે ન હાથ આવ્યા..!


અહીંયા અકબર ને સમજાય છે પ્રતાપને નમાવવાની યોજનામાં ફેર-બદલની જરૂર છે. અકબરે ઉદયસિંહ વખતે અપનાવેલી નીતિ ફરી ઉપયોગમાં લેવા ધારે છે. 1568માં ચિત્તોડ કબ્જે લીધું છતાં ઉદયસિંહે સંધિ નહોતી કરી, ઉદયસિંહની શક્તિઓનું રહસ્ય એ છે કે મેવાડના આસ-પાડોશીઓ મેવાડને મદદ કર્યા કરે છે, એટલે ચિત્તોડ યુદ્ધ વખતે બૂંદીના રાજા સુરજનસિંહ સાથે અકબર સંધિ કરીને પોતાના પક્ષે લઈને ઉદયસિંહને નબળા પાડે છે. આ વખતે પ્રતાપના સહયોગીઓમાં પ્રમુખ બાંસવાડા અને ડુંગરપુર છે, તો અકબરે પ્રથમ બાંસવાડા નમાવ્યું, અનુક્રમે ડુંગરપુર પણ.. સંધિઓ કરીને અકબરના ગયા પછી એ બંને રાજવીઓએ સંધિઓ સાઈડમાં રાખીને હતું એમનમ પ્રતાપને મદદ પહોંચડાવી શરૂ રાખી હતી. ઘણાઓ કહે છે ને કે મહારાણા પ્રતાપને પાડોશના કોઈ રાજવીઓએ મદદ નહોતી આપી, રાજનીતિ અમુક વખત એવી રીતે પણ રમાતી હોય છે કે જમણો હાથ કંઈ કરે તો ડાબાને જાણ ન થાય.. મહારાણા પ્રતાપને સમયે રાજસ્થાની રાજનીતિ એવી બની હતી જે ભૂતકાળમાં ક્યારે નહોતી બની, ડુંગરપુરના રાજા આશકરણજી, બાંસવાડાના પ્રતાપસિંહ, મારવાડના રાવ ચંદ્રસેન, શીરોહીના સુરતાનજી, ઝાલોરમાં અફઘાની તાજખાન, અને ઈડરના નારાયણદાસ આ બધા અંદરોઅંદર મળેલા હતા.. ગઠબંધન.. સંગઠન..!! અને આજ પણ લોકો કહેતા ફરે છે, મહારાણા પ્રતાપને કોઈએ સાથ નહોતો આપ્યો..! આ બધા રાજાઓમાં કોઈ ખુલીને સાથ આપી રહ્યું હતું, કોઈ છુપી મદદ આપતું હતું, સ્પષ્ટ નિર્દેશ હતો, અકબરની વિશાલ સેના સામે સીધી લડાઈમાં ઉતરવું એ આત્મહત્યા જ હતી, સૌ રાજાઓએ પોતાના રાજ્યમાં નાની લડાઈઓ કરવી, જો લાગે કે નહીં જીતાય તો સંધિ કરી લેવી અને  રાજાઓ સંકટ લાગે તો સંધિ પણ કરી લેતા હતા, સેના પાછી જાય ત્યારે સંધિને માળિયે ચડાવી દેતા..! અકબર પાસે ભારતનો એક વિશાળ ભુ-ભાગ હતો, તેની સેનાની કોઈ ટુકડી મેવાડ તરફ લક્ષ્ય રાખે તો મારવાડમાં ચંદ્રસેન મુઘલના થાણા ઉડાવી દેતો, સેના મારવાડ તરફ ધ્યાન કરે ત્યાં બાંસવાડાથી મુઘલોને માર પડ્યાના સમાચાર આવતા, એક પછી એક આ સંગઠને મુઘલ સલ્તનતને ઘેરી ચોટ પહોંચાડી હતી..! મેવાડના ચક્કરમાં અકબરે આજુબાજુ ખુબ માર ખાધો, શિરોહી જેવું નાનું રજવાડું દત્તાણીના યુદ્ધમાં મહારાવ સુરતાનના નેતૃત્વમાં અકબરના નવ સેનાપતિઓને એક સાથે મારી નાખે છે.


મહારાણા પ્રતાપે પહાડો અને જંગલોનો આશરો લીધો. ઇતિહાસ પ્રસિદ્ધ ભામાશાહ સાથે મુલાકાત થાય છે. નવા સૈન્યનું ગઠન થાય છે. યુદ્ધનીતિઓ બદલાય છે, પારંપરિક યુદ્ધને સ્થાને ગેરિલ્લા યુદ્ધનીતિ અપનાવાય છે, સીધું યુદ્ધ નહીં, છાપામાર યુદ્ધ.. એક ઘા નહીં, નાના નાના અનેકો ઘાવ..! શાહબાઝખાને મહારાણા પ્રતાપને પકડવા કેટલાય પ્રયત્નો કર્યા, બધા નિષ્ફ્ળ ગયા, અંતે અકબરે તેને પરત બોલાવી કાશ્મીર મોકલી દીધો અને મેવાડ તરફ નવો સેનાપતિ મોકલ્યો.


"રહિમન ધાગા પ્રેમ કા, મત તોડો ચટકાય,
તૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પરી જાય..!"


"યહ રહીમ નિજ સંગ લૈ, જન્મત જગત ન કોઈ,
બૈર, પ્રીતિ અભ્યાસ જસ, હોત હોત હી હોય..!"


અકબરને પાળીપોષી ને મોટો કરનાર બૈરમખાંનનો દીકરો એ અબ્દુર્રહીમ ખાઁન-એ-ખાના. રહીમ દુહા લખનારો કવિ માણસ હતો, સાહિત્ય-સેવક.. કહેવાય છે સંત તુલસીદાસ સાથે ભેટો કરેલ તેણે..! કવિહ્રદયી તે વ્યક્તિ ને લોકસાહિત્યમાં "રહીમદાસ" નામ મળી ગયું હતું. રહીમજી બે બાબતોમાં અવશ્ય નિપુણ  હતા, એક તો યુદ્ધ, અને બીજી કૃષ્ણભક્તિ..! શાહબાઝખાન પછી અકબરે અજમેરમાં અબ્દુર્રહીમની નિયુક્તિ કરી..! સહપરિવાર આવીને રહીમજીએ શેરપુરામાં ધામા નાખ્યા. અકબરના આદેશાનુસાર રહીમે પ્રતાપને જીવતા પકડવા અથવા મારવાના બિલકુલ નબળા અને નિષ્ફ્ળ પ્રયત્નો કર્યા. એક દિવસ મહારાણા પ્રતાપ સૈન્ય સરંજામમાં રોકાયેલ હતા, અને અમરસિંહ થોડા માણસો સાથે શેરપુરા ભણી નીકળી પડ્યો કારણકે ઘણા દિવસોથી રહીમજી તરફથી શાંતિ હતી.. નવલોહીયો યુવાન અમરસિંહ શેરપુરા જઈને જુએ છે તો રહીમજીના તંબુઓ ખાલી.. કોઈ પુરુષ હાજર નહીં.. પૂછતાં જાણવા મળ્યું કે રહીમજી અને અન્ય પુરુષો શિકાર પર ગયા હતા. અમરસિંહે રહીમજીના સ્ત્રીબાળકોને કેદ કર્યા..! અમરસિંહ રહીમજીના સ્ત્રીબાળકોને લઈને ગિરિકંદરામાં જ્યાં મહારાણાએ આશ્રય લીધો હતો તે સ્થાન પર આવી પહોંચ્યો.. રાણા પ્રતાપે અમરસિંહ સાથે આવેલ આગંતુકોને જોઈને પૂછ્યું, "કોણ છે આ?" અમરસિંહ રહીમજીના સ્ત્રીબાળકો હોવાની ઓળખ આપે છે. મહારાણા પ્રતાપ અમરસિંહ ઉપર ખુબ ક્રોધે ભરાયા. પ્રતાપે રહીમજીની સ્ત્રીને પોતાની બહેન સમું સમ્માન આપીને રહીમજી પાસે પરત મોકલી દે છે, વળી સંદેશો કહાવે છે કે "રહીમજી! અમારી ભૂલ થઇ, બીજી વાર કદી નહીં થાય."


અમરસિંહ દ્વારા કેદ કરાયેલ રહીમનો પરિવાર 


ત્યારે રહીમ દોહો કહે છે કે, 

"ધર રહસી, ધર્મ રહસી, ખપ જાસી ખુરસાણ,
અમર વિશંભર ઉપરા, રાખો નીચે રાણ..!!!"


કેટલું મહાનતમ ચરિત્ર કહેવાય પ્રતાપનું.. કારણ એ સમયે તો દુશ્મનની સ્ત્રીઓ કબ્જે કરીને આપસમાં બાંટી લેવાતી હતી. સ્ત્રીઓ માટે તો યુદ્ધો પણ થયા હતા..! આ સમયગાળામાં એટલે કે ઈ.સ. 1579 આસપાસ અકબરનું સામ્રાજ્ય ખુબ જ વિસ્તૃત થયું હતું, એટલે ઠેકઠેકાણેથી બળવાના બ્યુગલો ફૂંકાતા હતા. બંગાળ, બિહારમાં દરરોજ નવો વિદ્રોહ થતો હતો, અને પંજાબ તરફથી ખુદ અકબરનો જ એક ભાઈ શાહઝાદા મિર્ઝા હકીમખાં કાબુલ થી પંજાબ ઉપર ચડી આવતો હતો, અકબરનું ધ્યાન એ તરફ ગયું, મેવાડમાંથી રહીમજીને પાછા બોલાવીને અકબરે પોતાના કાકા સુલ્તાનખાનને મોકલ્યો. સુલ્તાનખાનની મદદમાં બહલોલખાન પણ મોકલાયો. 1585માં તો અકબર પોતે જ લાહોરમાં સ્થળાંતરિત કરી ગયો હતો. 



સુલ્તાનખાન એક મજબૂત બાંધાનો, વિશાલ કદ-કાઠીનો અને ખૂંખાર યોદ્ધો હતો. સુલ્તાનખાને મેવાડ આવતા જ રાણાને ચોતરફે ઘેરો નાખવા ચાર થાણા-ચોકી બેસાડી, ડુંગરપુર તરફ દેવલ, ઉદયપુર નજીક દેબારી, પાલી પાસે દેસુરી અને અજમેરને જોડતા દિવેરમાં પોતે મોટી સૈન્યટુકડી લઈને બેઠો. અજમેર મુઘલોનું મુખ્ય થાણું હતું, દરેક ચોકી થાણાના સંચારનું કેન્દ્ર હતું, દિવેરમાં સુલતાન ખાનનું પોતાનું બેસવાનું એક કારણ એ પણ હતું કે અજમેરથી નજીક હતું, કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં અજમેરથી મદદ કે રસદ તરત મળી રહે, આ ચારે થાણા ગુજરાત તરફનો રસ્તો સુરક્ષિત કરતા હતા. થોડા થોડા દિવસોમાં મહારાણાની નાની ટુકડીઓ આ માર્ગ ઉપરથી પસાર થતી મુઘલોની સંપત્તિઓ, સૈન્ય ટુકડીઓ, કે સેના માટેનું રાશન લૂંટી લેતા, દરરોજ ક્યાંક ને ક્યાંકથી રાણાએ મુઘલો માર્યાના સમાચારો મળતાં.. સુલ્તાનખાને પોતાની પકડ વધુ મજબુત કરી, અને એ માર્ગ ને વધુ સુરક્ષિત કર્યો. પરિણામસ્વરૂપ મહારાણા પ્રતાપ તરફથી થતી રંજાડ થોડી ઓછી થઈ ગઈ, સુલતાન ખાનને લાગ્યું કે મારો પહેરો એટલો કડક છે કે પ્રતાપ આ તરફ ફરકતો નથી..! ખાસો એવો સમય વીત્યા છતાં પ્રતાપના કોઈ સમાચાર મળ્યા નહી, એટલે સુલ્તાનખાનનું થાણું થોડું અતિ-આત્મવિશ્વાસ અને ઘમંડમાં આવી ગયું, પહેલા જેટલી કડકાઈમાં હવે ઢીલાશ આવવા લાગી. સુલતાન અને બહલોલ ખાન જેને પ્રતાપ ભયનો માર્યો શાંત છે એમ ધારતા હતા એ સમયગાળામાં ખરેખર તો મહારાણાએ એક મજબૂત અને વિશ્વાસુ માણસોની સૈન્ય ટુકડી તૈયાર કરી લીધી હતી..


દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર હતો..વિજયાદશમીને દિવસે ક્ષત્રિયોની પ્રાચીન શસ્ત્રપૂજાની પરંપરા રહી છે. મહારાણા પ્રતાપ અને સાથીઓએ પર્વ-ઉજવણી કરી. આ પરંપરાના ભાગ રૂપે જો કદાચ યુદ્ધનો કોઈ પ્રસંગ ન બને તો નાનું એવું ધીંગાણું અથવા અંદરોઅંદર પણ નાની લડાઈ કરી લેતા, આ લડાઈને રાજસ્થાનીઓ "ટીકા-દોડ" કહે છે, આખું વર્ષ કોઈ પણ સંઘર્ષ વિનાનું રહ્યું હોય તો આ દશેરાના દિવસે સામેથી પાડોશી રાજ્યો સાથે નાનું એવું છમકલું કરી લેતા. પ્રતાપે નક્કી કર્યું, આ વિજયાદશમીનો ખરેખરો વિજયહાર કંઠે ધારણ કરવો. નાની ત્રણ ચોકીઓ છોડીને સીધો જ સુલ્તાનખાન જ્યાં બેઠો છે ત્યાં દિવેરમાં જ હુમલો કરવો. યોજના તૈયાર થઇ ગઈ, પોતાની સેનાને બે ભાગોમાં વિભાજીત કરીને એક ટુકડીનું નેતૃત્વ સ્વયં પ્રતાપે કર્યું, બીજી ટુકડીનું નેતૃત્વ કુંવર અમરસિંહને સોંપાયું..! આ યુદ્ધને ઇતિહાસે ક્યાંક ને ક્યાંક તો અન્યાય કર્યો છે. આ એવું યુદ્ધ હતું જ્યાં કુંવર અમરસિંહની વીરતાના દર્શન થાય છે. અમરસિંહ પ્રત્યેક ગુણોમાં રાણા પ્રતાપથી સહેજ પણ ઉતરતો નહોતો. પણ પ્રતાપની ખ્યાતિ એટલી વધુ હતી કે અમરસિંહના ગુણોની ઉપેક્ષા થઇ ગઈ. 


26મી ઓક્ટોબર 1582ના દિવસે મહારાણા પ્રતાપ અને અમરસિંહની સૈન્યટુકડીએ દિવેરમાં મુઘલોને ઘેરી લીધા. અચાનક થયેલા હલ્લાંથી મુઘલ સેના સંગઠિત ન થઇ શકી, આમથી તેમ ભાગવા લાગી. એક તરફ કુંવર અમરસિંહ એવો પ્રચંડ ભાલો મારે છે કે અતુલ્ય બાહુબળ ધરાવતા સુલ્તાનખાનને ઘોડાસમેત એ ભાલો આરપાર વીંધીને જમીનમાં ખૂંચી જાય છે. બીજી તરફ અતિ આવેગમાં આવીને મહારાણા પ્રતાપ તલવારના એક જ ઘા થી બહલોલખાનને ઘોડાસહીત ચીરી નાખે છે. સિપાહસાલાર વિનાની મુઘલિયા સેના હથિયાર હેઠા મૂકી દે છે. કહેવાય છે કે 36000 મુઘલ સેનાએ તે દિવસે મહારાણાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. આ યુધ્ધબાદ મેવાડમાં એક લોકોક્તિ અતિ પ્રખ્યાત થઇ ગઈ હતી કે, "મેવાડ ના રાણા એક જ ઘા માં અશ્વસવારના બે કટકા કરી નાખે છે." 


મહારાણા પ્રતાપ અને બહલોલખાન


લોકસાહિત્ય કહે છે કે યુદ્ધ બાદ જયારે દિવેરના એ રણમેદાનમાં ઘાયલોની તપાસ, સારવાર અને મૃત્યુ પામતાને પાણી અપાતું હતું ત્યારે મહારાણા પ્રતાપની નજર સુલ્તાનખાન પર પડે છે, સુલ્તાનખાન કણસતો હતો તેનો જીવ ગયો નહોતો, બચે તેમ પણ ન હતો એટલે મહારાણા તેને કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવવા કહે છે, સુલતાન ખાન પોતાના મારતલને જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે.. એના થોડા જ બચેલા શ્વાસ જોઈને મહારાણા બાજુમાં જ ઉભેલ કોઈ સૈનિકને દેખાડીને કહે છે કે આણે તને માર્યો, સુલ્તાનખાન હસતા કહે છે કે, "આ નથી એ, એની આંખો મેં જોઈ હતી.." ગંભીરતા જોતા ઉતાવળે અમરસિંહને બોલાવવામાં આવ્યા. અમરસિંહને જોઈને સુલ્તાનખાન શાબાશી આપે છે કે, "હું એકલો નિઃશસ્ત્ર હોઉં તો પણ ચાર જણના માથા ભટકાડીને મારી નાખું પણ તેં એક જ વારમાં મને માર્યો છે, એટલે ધન્ય છે તને..!" સુલ્તાનખાનને પાણી પીવડાવવામાં આવ્યું, એની આંખો બંધ થઇ, પણ શ્વાસ હજી ચાલતા હતા, પ્રાણ નીકળતા નહોતા, પીડાતો હતો.. કોઈએ ઉપાય સૂઝવ્યો કે તેના શરીરમાંથી ભાલો ખેંચી લેવામાં આવે અને લોહી વહેતુ થાય તો જલ્દી પ્રાણ છૂટે.! એવો શક્તિપૂર્વકનો એ ઘા હતો કે અમરસિંહથી સરળતાથી એ ભાલો પાછો ખેંચાયો નહોતો. જમીન પર પડેલા સુલતાનખાનની બંને સાથળ ઉપર ઉભા રહીને અત્યંત બળપૂર્વક ભાલો પાછો ખેંચે છે, પછી જ સુલ્તાનખાનની મુક્તિ થાય છે. દિવેરના આ યુદ્ધને કર્નલ જેમ્સ ટોડ "મેવાડનું મેરેથોન" કહે છે, કે જેવી રીતે યુનાન (ગ્રીસ)ના એથેન્સની નાની એવી સેનાએ એ વિશાલ એકમેનિડ (હખામની) સામ્રાજ્યને પરાસ્ત કર્યું હતું..!


સુલ્તાનખાનની છાતીમાંથી ભાલો ખેંચતા અમરસિંહ.


ઈ.સ. 1585માં અકબર તરફથી જગન્નાથ કચ્છવાહા ફરી મેવાડ ઉપર નાનામોટા આક્રમણો કરે છે, પણ બધા નિષ્ફ્ળ જાય છે, અંતે કચ્છવાહાઓથી કંટાળેલ મહારાણા આમેર ઉપર હુમલો કરે છે અને આમેરનું માલપુરા છીનવી મેવાડમાં ભેળવી દે છે તથા માલપુરામાં નીલકંઠ મહાદેવ મંદિર અને ઝાલરા તળાવનું નિર્માણ કરાવે છે.


દિવેરના આ તુમુલ યુદ્ધ બાદ મહારાણા પ્રતાપ સલુમ્બર પાસે ચાવંડમાં ગાદી સ્થાપી સૈન્ય અભિયાનો ચલાવે છે, અને મેવાડમાં રહેલી અકબરની 36 ચોકીઓ ઉડાવી દે છે. લાહોરમાં સ્થાયી થયેલો અકબર ઉત્તર પશ્ચિમના વિદ્રોહોમાં વ્યસ્ત હતો, અને આ તરફ મહારાણા પ્રતાપ પોતાના ગોગૂંદાના રાજતિલક સમયે જેટલી પોતાની રાજયસીમાં હતી તે બધી પરત પાછી મેળવી લે છે. ચિત્તોડ અને માંડલગઢ આ બે બસ એમના હાથ નહોતા આવ્યા. લગભગ બાર વર્ષનો આ ચાવંડમાં શાંતિ સમય મહારાણા પોતાના મેવાડને ઉન્નત કરવામાં વિતાવે છે. ઉત્તરોત્તર અનુકૂળ વર્ષાથી મેવાડની કૃષિ ખુબ સારી થઇ, ધન્ય-ધાન્યથી સમૃધ્ધ થઇને પુનઃ એક વાર મેવાડ પગભર થયું. ચાવંડમાં ચામુંડા માતાનું મંદિર, વાવો, મહેલ એવું ઘણું નિર્માણકાર્ય કરાવ્યું, હાલ પણ ચાવંડમાં એ મહેલના મૃતપ્રાય અવશેષો મહારાણાની ત્યાંની હયાતીનું વર્ણન કરે છે.



આપણે પ્રતાપનું નામ સાંભળીયે એટલે મનમાં જે છબી ઉત્પન્ન થાય એ કેવી હોય? કે મહારાણા છે એટલે ચેતક ઉપર બેઠેલા હોય, હાથમાં ભાલો હોય, મોટી મોટી મૂંછ અને ઉગ્ર ચહેરો હોય, સમસ્ત જીવન યુદ્ધમાં જ વિતાવ્યું, શું પ્રતાપ ખરેખર બસ એક યોદ્ધા માત્ર હતા? ચાવંડ માં જે શાંતિ-કાળ મળ્યો તેમાં તેમને પ્રજા-ઉન્નતિના કાર્યો કર્યા હતા તે આપણે ભૂલી જઈએ છીએ, યાદ રાખીએ છીએ બસ એટલું જ કે હલ્દીઘાટીમાં યુદ્ધ થયું, આજીવન અણનમ રહ્યા.. મુઘલો સામે ટક્કર લીધી..! ખરેખર હલ્દીઘાટીથી પણ વિશેષ અને ચડિયાતું યુદ્ધ દિવેરમાં થયું હતું.. મહારાણા એ ચાવંડમાં પોતાના યુદ્ધ સહાયકોને બિરદાવ્યા હતા, વીરગતિ પામેલાઓના પરિવારોનું પુનર્વસન કરાવ્યું હતું, જમીનો અને ગામ સુદ્ધા દાન કર્યા હતા.. મેવાડની આગવી ચિત્રશૈલીની શરૂઆત મહારાણા ચાવંડમાં  થયા ત્યારે જ થઇ હતી. એક યોદ્ધો ચિત્રપ્રેમી પણ હતો.. કલાને બિરદાવનાર હતો.. નસીરુદ્દીન નામના ચિત્રકારને સન્માન્યો હતો.. સેક્યુલર અથવા ધર્મનિરપેક્ષતા એક રાજાનો આગવો ગુણ હોવો જ જોઈએ, જે પ્રતાપમાં પણ હતો. મહારાણા પ્રતાપને આપણે યાદ કરવા જોઈએ તેમના સાહિત્યિક પ્રેમ માટે, કારણ ચક્રપાણી મિશ્ર જેવો લેખક તેમનો રાજદરબાર શોભાવતો હતો. ચક્રપાણીએ રાજ્યાભિષેકના શાસ્ત્રોક્ત વિધિવિધાન વિષય પર "રાજ્યાભિષેક" નામનું પુસ્તક લખ્યું હતું, જ્યોતિષ શાસ્ત્ર વિષય પર "મુહૂર્તમાલા" અને બગીચાઓ એટલે કે ઉદ્યાનવિજ્ઞાન પર "વિશ્વ-વલ્લભ" લખ્યું હતું. આપણે એ પ્રતાપને પણ યાદ કરવો જોઈએ કે જેને પ્રકૃતિ પર પ્રેમ છે, બગીચાઓ, વૃક્ષો, પુષ્પો વિષય પર એ ગ્રંથ લખાવે છે. વળી ગોરાબાદલ રી ચોપાઈ, પદ્મિની ચોપાઈ, અમરકુમાર ચોપાઈ જેવી રચનાઓ કરનાર હેમરત્નસૂરી જેવા જૈન આચાર્યને પોતાના દરબારમાં આશ્રય આપે છે, ઉદયપુર ઇન્સ્ક્રિપશનમાં લખેલું છે કે રાણા પ્રતાપ સાદુલનાથ ત્રિવેદીને મંડેરની જાગીર આપી હતી. આ દાન સૂચવે છે કે હલ્દીઘાટીનું યુદ્ધ પ્રતાપ જીત્યા હતા.. સાંદુ ચારણો પ્રતાપની રાજસભાની શોભા હતા..! 


ઘણી વાર કવિતાઓ દ્વારા ઉપજેલો ઇતિહાસ ભ્રાંતિઓ ઉત્પન્ન કરતો હોય છે તેનું એક સ્પષ્ટ ઉદાહરણ છે કે આપણે ત્યાં બહુ ચર્ચિત વાત છે કે હલ્દીઘાટીના યુદ્ધ બાદ મહારાણા પ્રતાપ જંગલોમાં ચાલ્યા ગયા હતા, અને ઘાસની રોટલીઓ ખાતા, એમાં એકવાર એક વનબિલાડો કુંવર અમરસિંહના હાથમાંથી ઘાસની રોટલી છીનવીને ભાગી જાય છે અને કુંવર રડતા રડતા પિતાને ફરિયાદ કરે છે, અને મહારાણા પ્રતાપનું હૃદય દ્રવિત થઇ જાય છે કે હું મારા પુત્રને નથી સંભાળી શકતો, મેવાડ કેમ સંભાળીશ, અને સંધિ માટે વિચારવા લાગે છે. આ એક કવિતા માત્ર છે, સચોટ ઇતિહાસ નથી..! મહારાણા પ્રતાપની પટરાણી અજબદે પંવારની કુખે કુંવર અમરસિંહનો જન્મ 16 માર્ચ 1559માં થયો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ 1576માં થયું. 1576માંથી 1559 બાદ કરીએ તો હલ્દીઘાટીના યુદ્ધ સમયે જ કુંવર અમરસિંહ 17 વર્ષની ઉમર ના હતા..! પહેલી વાત તો એજ કે ઘાસની રોટલીઓ ખાય ખરા કોઈ? વળી 17વર્ષના નવલોહિયા યુવાનની સામે કોઈ વગડાઉ બિલાડો આવે અને એ યુવાન રડે ખરો? આ બધું કવિતાઓમાં રસપૂર્તિ કરવા લખાતું હોય છે, અક્ષરસહ ઇતિહાસ તો બસ નોંધ જ હોય છે કે આ તારીખે આમ થયું. બાકીનું વર્ણન બસ ભાવ અને રસવહન કરતુ હોય છે.


એ રણનો રસિયો યોદ્ધો, કલાપોષક, મેવાડકેસરી, એકલિંગ દીવાન, હિંદુઆ સુરજ, સીસોદીયાકુલ શિરોમણી મહારાણા પ્રતાપ આખરે 19 જાન્યુઆરી 1597ના રામશરણ પામે છે.  ઘણી વાયકાઓ છે, કોઈ કહે છે શિકાર ખેલતા વખતે પડી ગયા અને મરણઘા પડ્યો, કોઈ કહે છે શસ્ત્રસરંજામ તપાસતા એક ધનુષ્યની પ્રત્યંચા ખેંચતા પડ્યા અને માથાના ભાગે મરણતોલ ઘા પડ્યો, કોઈ કહે છે પેટના ભાગે ઘાવ પડ્યો હતો.. પણ એ ઉદયપુર પાસે ચાવંડમાં આઠ થાંભલાવાળી કોતરણીયુક્ત છત્રી આજ પણ મહારાણા પ્રતાપની પ્રશસ્તિ કરતી ઉભી છે.


ચાવંડ નજીક મહારાણા પ્રતાપની છત્રી

લાહોરમાં અલ્પકાલીન રાજધાની કરીને બેઠેલા અકબરને એક દિવસ સમાચાર મળ્યા કે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું, એ વખતની અકબરની સ્થિતિ વર્ણવતું કાવ્ય દુરસા આઢા લખે છે કે,


"અસ લેગો અણદાગ, પાગ લેગો અણનામી,
ગો આડા ગવડાય, જીકો બહતો ધુર બામી,
નવરોજે નહ ગયો, ન ગો આતશા નવલ્લી,
ન ગો ઝરોખા હેઠ, જેથ દુનિયાંણ દહલ્લી,
ગહલોત રાણ જીતો ગયો, દસણ મૂંદ રસના ડસી,
નીસાસ મૂક ભરિયા નયણ, તો મૃત શાહ પ્રતાપસી."


નોંધ :- 

  1. આ દુરસા આઢાએ મહારાણા પ્રતાપને 76 બિરુદ આપતા દુહા લખ્યા હતા જે "બિરદ છહુંતરી" તરીકે ઓળખાય છે.
  2. મહારાણા પ્રતાપે બહલોલ ખાનના બે ટુકડા કર્યા બાબત બે ઇતિહાસો છે, ઘણા કહે છે કે મહારાણા એ હલ્દીઘાટીના યુદ્ધમાં બહલોલખાનને માર્યો, અને ઘણા લોકો તે દિવેરના યુદ્ધમાં મરાયો તેમ પણ કહે છે. 


*અસ્તુ*

Post a Comment

0Comments
Post a Comment (0)