આમેરના મિર્ઝા રાજા માનસિંહ પ્રથમ || HISTORY OF MIRZA RAJA MAANSINH I OF AMBER/AMER ||

0

કચ્છવાહા રાજવંશ

આદિનારાયણથી શરુ થયેલા સૂર્યવંશવેલામાં ઇક્ષ્વાકુકુળમાં રાજા દશરથના ઘરે શ્રી રામનો જન્મ થયો. રામના જોડિયા પુત્રોમાંના એક એટલે કુશના વંશજો એ આ કચ્છવાહાઓ..! રાજસ્થાનમાં પ્રખ્યાતિ પામેલા ચારણ કવિ સુરજમલ મિશણના મત પ્રમાણે રામપુત્ર કુશના વંશમાં 'કુર્મ'નો પુત્ર 'કત્સવાધ' નામે રાજા થયો, કાળક્રમે કત્સવાધનો અપભ્રંશ થઈને કચ્છવાહ અથવા કછવાહા થયું. માનસિંહનો સાંગાનેરનો શિલાલેખ, રાયસલનું આદિનાથ મંદિર લીલી અલ્વરના શિલાલેખોમાં આ રાજાઓ પોતાને કૂર્મવંશી કહે છે. પૃથ્વીરાજ રાસોમાં આમેરના રાજા પુજ્જુન (પંજનદેવ, પ્રદ્યુમ્નરાય અથવા પજવનરાય)ને કૂર્મ કહ્યો છે. પંડિત રાધાકૃષ્ણનો મત છે કે સૂર્યવંશી ઇક્ષ્વાકુ રાજાનું નામ ઇક્ષ્વાકુ શબ્દનો અપભ્રંશ એક્ષવાક, કચ્છવાક, અને પછીથી કચ્છવાહા થયો. મેવાડનો પોલિટિકલ એજન્ટ કર્નલ જેમ્સ ટોડ નોંધે છે કે રામના પુત્ર કુશના વંશજો કાળક્રમે કુશવાહા અને પછીથી કચ્છવાહા તરીકે ઓળખાયા. વળી ગ્વાલિયર અને નરવરના કચ્છવાહા રાજાઓના સંસ્કૃત ભાષામાં લખાયેલ શિલાલેખોમાં તેઓને 'કચ્છપઘાત' અને અમુક જગ્યાએ 'કચ્છપારિ' લખેલ છે, જે પ્રાકૃતમાં કછપારિ અને સામાન્ય બોલીમાં કચ્છવાહા થયાનું મનાય છે. એવું માનવામાં આવે છે કે અયોધ્યાથી નીકળ્યા બાદ બિહારનું રોહતાસગઢ અને ત્યાંથી ગ્વાલિયર-નરવર આવેલા કચ્છવાહાઓના પૂર્વજોએ નરવરના નાગવંશી કચ્છપોને હરાવીને રાજ્ય સ્થાપિત કર્યું, જે કચ્છપોના અરિ એટલેકે દુશ્મન 'કચ્છપારિ' , 'કચ્છપઘાત', 'કચ્છપહન' , 'કચ્છપહા' કહેવાયા, અને આ જ શબ્દો અપભ્રંશિતઃ કચ્છવાહા થયાનું મનાય છે.

બારમી સદીમાં ગ્વાલિયરના રાજા સોઢદેવનો એક પુત્ર દુલહરાયે (તેજકરણ) દૌસા પાસે બડગુજરોને હરાવીને દૌસા કબ્જે કરી રાજ્ય સ્થાપ્યું. ચૌહાણોમાં લગ્ન થયા હતા, એટલે ચૌહાણોની મદદથી મીણાઓ પાસેથી લડાઈ કરીને ખોહ, રામગઢ, ઝોટવાડા વગેરે કબ્જે કરી લીધું. દુલહરાયના નામપરથી આજના જયપુરથી અલવર, ટોંક થી કરોલી, સ્વાઈ માધોપુર અને દૌસા આ આખો પ્રદેશ "ઢૂંઢાડ" તરીકે ઓળખાય છે. આ દુલ્હરાયનો પુત્ર કાકીલદેવ રાજગાદી આમેરમાં સ્થાપિત કરે છે.

આમેરની ગાદી પર ઉત્તરોત્તર મજબૂત રાજાઓ આવતા ગયા અને એક સામર્થ્યવાન રજવાડું ઉભરતું ગયું. પજવનદેવ પૃથ્વીરાજ ચૌહાણને પક્ષે રહીને યુદ્ધો લડ્યા હતા, પૃથ્વીરાજજી રાણા સાંગાને પક્ષે રહીને યુદ્ધ લડ્યા, આ પૃથ્વીરાજજીના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે તેમના પુત્રોમાં ઘર્ષણ થયું, મહાસંઘર્ષ થયો. અંતે ભારમલને આમેરની ગાદી મળી. જો કે ગૃહકલેશને લીધે આમેરની સમૃદ્ધિને ખાસું એવું નુકસાન થયું, બીજી તરફ આગ્રામાં મુઘલ સલ્તનતનો અકબર પોતાના સામ્રાજ્યનું વિસ્તૃતીકરણ કરી રહ્યો હતો. રાજા ભારમલે મુઘલ સલ્તનત સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના અકબર સાથે સંધિ પ્રસ્તાવથી જોડાઈ જાય છે. મુઘલ અકબર રાજા ભારમલને યથોચિત 5000ના મનસબથી સમ્માનિત કરે છે. ભારમલ બાદ આમેરની ગાદીએ ભગવાનદાસ અથવા ભગવંતદાસ રાજા બને છે. ઈ.સ. 1550માં દુદુ પાસે મોજમાબાદમાં તેમની પત્ની ભગવતીબાઈજીની કુખે પુત્રરત્નનો જન્મ થાય છે એનું નામ માનસિંહ.

માનસિંહ પ્રથમ

આમેરના મિર્ઝા રાજા માનસિંહ પ્રથમ

ઈ.સ. 1562માં માત્ર 12 વર્ષની આયુમાં માનસિંહ અકબરના દરબારની શોભા બને છે. માનસિંહ એક અપ્રતિમ યોદ્ધા, રણનીતિજ્ઞ, કુટનિતિજ્ઞ, એક મહાન સેનાપતિ, મહાન રાજા, અને ધર્મપ્રેમી પુરુષ હતો. માનસિંહ એના જીવનકાળમાં કાબુલથી માંડીને બંગાળ સુધીના ક્ષેત્રમાં 77 યુદ્ધો લડ્યો હતો, અને એક હલ્દીઘાટી સિવાયના તમામે યુદ્ધો જીત્યો હતો.

ઈ.સ. 1569માં જયારે અકબરે બુંદી નરેશ સુરજન હાડા પર હલ્લો કર્યો હતો ત્યારે માનસિંહ તેમની સાથે હતો. રણથંભોરનો ગઢ જીતવામાં માનસિંહની ભૂમિકા અગત્યની રહી હતી. વળી ઈ.સ. 1572માં અકબરે જયારે ગુજરાતના મુઝફ્ફરશાહ ત્રીજાને વશ કરવા યુદ્ધ અભિયાન ચલાવ્યું ત્યારે પણ માનસિંહે અપ્રતિમ શૌર્યનો પરિચય આપ્યો હતો. એજ વર્ષમાં 1572-73માં માનસિંહે વાગડ એટલે કે ડુંગરપુરના રાજા આશકરણ પર હુમલો કરીને મુઘલ સામ્રાજ્ય સાથે સંધિ કરાવી હતી.

ઈ.સ. 1576માં જયારે હલ્દીઘાટીનું યુદ્ધ થયું, ત્યારે માનસિંહ મુઘલસામ્રાજ્ય તરફથી પ્રથમ વખત સ્વતંત્ર સેનાપતિ થઇને આવ્યો હતો. જો કે મહારાણા પ્રતાપ સાથે થયેલ ભયંકર યુદ્ધમાં પ્રથમ વખત તેના માનસૂબાઓ પાર પડ્યા નહીં, અને આ હારને લીધે અકબરના દરબારમાં તેનો પ્રવેશ નિષેધ થયો.

વિસ્તારની દ્રષ્ટિએ એ સમયે ભારતવર્ષનું સૌથી મોટું સામ્રાજ્ય કદાચ મુઘલ સામ્રાજ્ય જ હતું. તેથી પ્રતિદિને ક્યાંક ને ક્યાંકથી વિદ્રોહ થયાના સમાચાર આવતા. મુઘલ સામ્રાજ્યનું કેન્દ્ર એ વખતે આગ્રા હતું. કેન્દ્રથી દૂરનો વિસ્તાર જલ્દીથી વિદ્રોહ કરે. કાબુલમાં અકબરના જ એક ભાઈ મિર્ઝા હાકીમખાને વિદ્રોહ કર્યો, અને પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કર્યો. આ વિદ્રોહને ડામવા અકબર લશ્કર મોકલે છે સાથે વિશ્વાસુ એવા માનસિંહને પણ મોકલે છે. યુદ્ધ અભિયાન સફળ રહ્યું અને વિજયી માનસિંહને અકબર કાબુલ પ્રાંતનો સુબેદાર નિયુક્ત કરે છે. ઈ.સ. 1581 થી 1586 સુધી માનસિંહ કાબુલ સૂબાનું સફળતાપૂર્વક સંચાલન અને નિયંત્રણ જાળવી રાખે છે. કાબુલ અથવા અફઘાનિસ્તાન આજ પણ એવી જગ્યા છે કે ત્યાં કોઈ પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપી શક્યું નથી, ચાહે મુઘલો હોય, ચાહે રશિયા હોય, કે પછી અમેરિકા..! કાબુલ પ્રાંતમાં સંપૂર્ણપણે સફળ બે વ્યક્તિઓ રહ્યા છે, અકબરને સમયે આમેરનો રાજા માનસિંહ, અને ઔરંગઝેબના સમયે જોધપુરનો રાજા જસવંતસિંહ.

એક દુહો છે,

"માત સુણાવૈ બાલગાનમેં, ખૌફનાક રણગાથ,
કાબુલ ભૂલી નહ અજૈ, બો ખાંડો બે હાથ..!" 

કાબુલની સુબેદારી દરમિયાન માનસિંહ ત્યાંના મુખ્ય સશક્ત પાંચ અફઘાન કબીલાઓને હરાવે છે. આ જીતની યાદીમાં માનસિંહ પોતાનો ધ્વજ પચરંગી કરે છે. પહેલા આમેરના કચ્છવાહાનો ધ્વજ સફેદ રંગનો અને વચ્ચે એક છ ડાળીવાળા વૃક્ષના ચિત્ર વાળો હતો, તેઓ એવું માને છે કે એ વૃક્ષના ચિન્હ વાળો ધ્વજ અયોધ્યાપતિ રાજા રામનો હતો. આવા વૃક્ષવાળા ધ્વજને કારણે આમેરના કચ્છવાહા ઝાડશાહી વંશ તરીકે પણ ઓળખાતા હતા. લોકસાહિત્ય કહે છે કે, કાબુલ અફઘાનિસ્તાનના સ્થાનિક રહીશોએ અકબર પાસે રાવ મોકલવી શરુ કરી કે, "અકબરે આઝમ, અમને મારી નાખવા હોય તો ભલે મારી નાખ, પણ આ હિન્દુને હાથે તો ન માર.." અને અબુલ ફઝલ લખે છે કે, "માનસિંહે જયારે ત્યાંના મુસલમાનોને અતિશય મારવા લાગ્યો ત્યારે અકબર તેને પાછો બોલાવી લે છે." જો કે શક્યતા એ પણ છે કે સતત છ-છ વર્ષોથી એક જગ્યાએ પડેલી સેનાને બીજે વ્યસ્ત કરવી પણ આવશ્યક છે, સુબેદારની સમયાંતરે બદલી કરવી પણ એટલી જરૂરી છે અન્યથા સુબેદાર પણ વિદ્રોહ તો કરી જ શકે.

કચ્છવાહાઓનો જૂનો ધ્વજ

કચ્છવાહાઓનો નવો ધ્વજ

ઈ.સ. 1587માં માનસિંહને બિહાર મોકલવામાં આવે છે. ગીદ્ધોરના રાજા પુરણમલે અકબરની સંધિ સ્વીકારી નહોતી. યુદ્ધ થયું, માનસિંહની અનુભવી કચ્છવાહી સેનાએ થોડી જ વારમાં ગીદ્ધોરનો ગઢ કબ્જે કર્યો, રાજા માનસિંહ ફરી પોતાની વીરતાનો પરિચય આપી પૂરણમલને હરાવે છે અને સંધિકરાર કરાવે છે. અનુક્રમે ગયા અને ખડગપુરમાં પણ સૈન્ય અભિયાનો ચલાવે છે. અબુલ ફઝલ આ બિહાર અભિયાન વિશે નોંધે છે કે "રાજા માનસિંહે પોતાની અભૂતપૂર્વ ક્ષમતાઓ, સાહસ અને બુદ્ધિ પ્રતિભા વડે અભિયાનો ચલાવે છે." બિહારના રોહતાશમાં ગઢ બંધાવે છે, પોતાના નામે એક 'માનપુર' નામક ગ્રામ વસાવે છે. ઈ.સ. 1590માં આમ્બેરના રાજા ભગવંતદાસજીનું મૃત્યુ થાય છે અને આમેરની રાજગાદી પર માનસિંહ બેસે છે. જો કે ભગવંતદાસજીના મૃત્યુ સમયે માનસિંહ બિહારમાં વ્યસ્ત હતો એટલે કાર્યવાહક રાજતિલક વિધિ બિહારમાં જ થાય છે.

આ બિહાર સુબેદારી દરમિયાન ઈ.સ. 1590-92માં મુઘલિયા સલ્તનત માનસિંહની વીરતાનો પૂરો નિચોડ લેવા માગતી હોય તેમ ઓડિશા પર સૈન્ય અભિયાન લઇ જવા કહે છે. એ વખતે ઓડિશામાં અફઘાની સુલતાન કતલુખાનની બોલબાલા જોરમાં હતી. માનસિંહના પુત્ર જગતસિંહના નેતૃત્વમાં એક ટુકડીએ ઓડિશા અભિયાન તરફ અગ્રીમ પંક્તિ સંભાળી. બિષ્ણુપુર આસપાસ કિલ્લેબંધી થઇ, યુદ્ધ થયું કતલુખાન માર્યો ગયો અને તેના પુત્ર નાસીરખાને માનસિંહ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ આત્મસમર્પણ બાદ ફરી એક વાર અફઘાનોએ વિદ્રોહ કર્યો, 9 એપ્રિલ 1592ના રોજ જલેશ્વર પાસે ફરી એક યુદ્ધ થયું, આ વખતે પુનઃ એક વાર અફઘાનો ભાગ્યા પણ માનસિંહે પીછો કર્યો, લગભગ ઓડિશાના તમામે પ્રદેશ આ ભાગતા અફઘાનનોને પકડવામાં કબ્જે કરી લેવામાં આવ્યા. આ ઓડિશા અભિયાન દરમિયાન માનસિંહ પુરીના પ્રખ્યાત જગન્નાથમંદિરનું સમારકામ પણ કરાવડાવે છે. 

ઈ.સ. 1594 થી 1604 નો લગભગ દસ વર્ષનો સમયગાળો માનસિંહ માટે ઘણો સંઘર્ષપૂર્ણ રહ્યો. આ દસ વર્ષના સમય દરમિયાન માનસિંહને બંગાળનો સુબેદાર બનાવવાંમાં આવ્યો હતો. 7મી નવેમ્બર 1595માં માનસિંહ ગંગાકાંઠે બંગાળની રાજધાની તરીકે 'અકબરનગર' નામે નવું શહેર વસાવે છે, જે આજે 'રાજમહલ' તરીકે ઓળખાય છે. આ દસ વર્ષના સમયગાળામાં માનસિંહે નાનીમોટી અનેક અથડામણો, લડાઈઓ કરી, અનેક બળવાખોરોને ડામ્યાં, દંડ્યા. મુઘલ સામ્રાજ્યને આધીન કર્યા, એમાં પ્રમુખ કૂચબિહારના રાજા અને ઢાકા પાસેનો રાય કેદાર હતો. આ બંગાળ અભિયાનમાં માનસિંહની પણ મોટી ખુંવારી થાય છે, તેના ત્રણ પુત્રો જગતસિંહ, દુર્જનસિંહ અને હિમ્મતસિંહ આ વિદ્રોહ દબાવવામાં કામ આવ્યા હતા. માનસિંહ મૂર્તિઓનો ખુબ શોખીન હતો એવું કહેવાય છે. બંગાળની સુબેદારી વખતે તે રાયકેદારને હરાવીને ત્યાંથી શિલામાતા (અન્નપૂર્ણા) ની મૂર્તિ લેતો આવે છે, એ મૂર્તિ તે આમેરગઢમાં સ્થાપિત કરાવે છે ત્યારથી આમેરના કચ્છવાહાઓની ઇષ્ટદેવી તરીકે શિલામાતા પૂજાય છે. 

માંદગીમાં સપડાયેલો અકબર ઈ.સ. 1605માં મૃત્યુ પામે છે. પણ માનસિંહનું મુઘલિયા દરબારમાં મૂલ્ય અકબરે તેની હયાતી માં વધારીને 7000ની મનસબનું કરી નાખ્યું હતું. અકબરના રાજકુમારો અને તેના એક ભાઈ મિર્ઝા અજીજ કોકા (ગુજરાતનું એકમાત્ર અતિ-લોહિયાળ અને ખૂંખાર યુદ્ધ ભૂચર મોરી, એ યુદ્ધમાં અજીજ કોકાએ જ મુઘલસેનાનું નેતૃત્વ કરેલ, ગુજરાતનું પાણીપત ગણાય છે એ યુદ્ધ.) સિવાય કોઈને 7000ની મનસબદારી મળતી નહીં. માનસિંહ એકલો હિન્દૂ રાજા હતો જેને અકબરના દરબારમાં સૌથી મોટું મનસબ મળતું હતું. 

માનસિંહ એક પ્રબળ યોદ્ધા સાથે સાથે પ્રખર ધર્મિષ્ઠ તો હતો જ.. પુરીમાં જગન્નાથ મંદિર હિંદુઓ માટે સમારકામ કરાવી પુનઃ ખોલે છે, બિહારના બૈકટપુરમાં એ ભવાનીશંકર (ગૌરીશંકર) મંદિરનું નિર્માણ કરાવડાવે છે. જયપુર પાસે હનુમાનજીનું મંદિર બંધાવે છે. વૃંદાવનમાં રાધાગોવિંદજીનું એક ભવ્ય અને વિશાળ મંદિર બનાવડાવે છે. પોતાને રામનો વંશજ માનતો રાજા માનસિંહ પરમ કૃષ્ણભક્ત હતો. કહેવાય છે કે હરિદ્વારના ઘણા ઘાટો તેણે બંધાવેલા, અમુક ઘાટોનું પુનરોત્થાન કરેલું તેણે.

તેના નિર્માણકાર્યોથી જયપુરમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ થયેલી,

"સાંગાનેરકો સાંગોબાબો, જેપરકો હડમાન,
આમેરકી શિલામાતા, લ્યાયો રાજા માન..!"

વળી માનસિંહની ધર્મનિષ્ઠાનો એક સરસ પ્રસંગ છે કે, બાંગાળની સુબેદારી સમયે એક વખત કોઈ સૂફી સંત શહાદદૌલાને તેનું મળવું થયેલું.. એ સૂફી સંતે ઇસ્લામના વખાણ કરતા કહેલું કે, "માનસિંહ, તારામાં હિન્દુસ્તાનના બાદશાહ  બનવાના તમામે ગુણો છે, બસ એક જ ખોટ છે કે તું મુસલમાન નથી.. મુસલમાન હોત તો આખા હિન્દુસ્તાનની બાદશાહી તારી જ પાસે હોત.. તું ઇસ્લામ અંગીકાર કરી લે.." ત્યારે હસતા હસતા માનસિંહ કહે છે કે, "ફકીર, આ ભવતો મૂર્તિપૂજામાં જ કાઢ્યો છે અને હજી મૂર્તિપૂજા જ કરવી છે, અને આવતો ભવ મારા હાથમાં નથી.." સનાતન પ્રત્યેની માનસિંહની આસ્થા અડગ હતી તેમાં શંકાને સ્થાન નથી. અકબરે પોતાને ઈશ્વરપદ આપવા દિનેઇલાહીની સ્થાપના કરી હતી ત્યારે પણ માનસિંહ તેનાથી અળગો જ રહ્યો હતો.

મુઘલ સામ્રાજ્યના સેનાપતિ પદે રહીને માનસિંહે સંપત્તિ અથાહ ભેગી કરી હતી. રાજા ભારમલના સમયમાં આર્થિક રીતે નબળું પડેલું આમેર માનસિંહે ધન-ધાન્યથી સમૃદ્ધ કરી લીધું હતું. સેનાપતિપદે રહીને હરાવેલ રાજા પાસેથી મળેલી અનેકો સોગાદ તેણે એકઠી કરી હતી. આમેરનો પ્રખ્યાત કિલ્લો તેણે બંધાવ્યો હતો. સામાન્ય દ્રષ્ટિથી પણ આમેરના કિલ્લામાં મુઘલ સ્થાપત્ય ઉડીને આંખે વળગે તેવું તરી આવે છે. જો કે આ આમેરનો કિલ્લો વૈભવ, ભવ્યતા અને વિલાસિતાનો બેજોડ નમૂનો છે, રક્ષાત્મક વ્યૂહ માટે આ કિલ્લો ઉપયુક્ત નથી. બંગાળ સુબેદારી વખતે થયેલા યુદ્ધોમાં માનસિંહનો એક પુત્ર જગતસિંહ યુદ્ધમાં કામ આવી ગયો હતો. મિર્ઝા રાજા માનસિંહની પત્ની કનકાવતીએ પુત્ર જગતસિંહની યાદમાં આમેરમાં એક કૃષ્ણમંદિરનું નિર્માણ કરાવડાવ્યું, જે આજે 'જગતશિરોમણી' મંદિર તરીકે વિખ્યાત છે. એવું માનવામાં આવે છે કે આ જગતશિરોમણી મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાયેલી મૂર્તિ એ એજ મૂર્તિ છે જેની પરમ કૃષ્ણભક્ત મીરાંબાઈ પૂજન-અર્ચન કરતા. ચિત્તોડ ચડાઈ વખતે માનસિંહ આ મૂર્તિ ત્યાંથી લઇ આવ્યો હતો. 

મૂર્તિઓના શોખીન રાજા માનસિંહ વિશે કહેવાય છે કે માનસિંહને લગ્ન કરવાનો પણ એક શોખ હતો, પોતે જે રાજાને હરાવતો તેની કુંવરીને પરણી આવતો. જહાંગીરનામામાં જહાંગીર લખે છે કે માનસિંહને 1500 રાણી હતી અને પ્રત્યેક રાણીને 3 પુત્રો હતા..! હવે દારૂ અને અફીણના વ્યસની અને કાયમ નશામાં રહેનાર જહાંગીરની આ આંકડાકીય અતિશયોક્તિપૂર્ણ નોંધ પર ભરોસો કેમ કરવો? ખૈર, આમેરનો રાજા તો માનસિંહ હતો પણ માનસિંહનું જીવન તો સદા યુદ્ધોમાં જ વ્યસ્ત રહ્યું હતું. તેની ગેરહાજરીમાં આમેરનો તમામે રાજ્યકાર્યભાર તેનો ભાઈ માધોસિંહ સંભાળતો હતો. રામચરિતમાનસના રચયિતા સંત તુલસીદાસને તેણે પોતાના પુત્ર જગતસિંહ માટે શિક્ષક તરીકે નીમ્યા હતા. રાજા તરીકે માનસિંહને નિર્માણકાર્યોનો શોખ હતો, મૂર્તિઓનો પણ ભારે શોખીન હતો, આ સિવાય તેને સંગીત પ્રત્યે પણ ઘણો પ્રેમ હોવો જોઈએ. તેના રાજ્યકાર્યભારમાં તેના રાજદરબારમાં એક પુંડરિક વિઠ્ઠલ નામે વિદ્વાન હતા, આ વિદ્વાને "રાગમાલા, રાગમંજરી, રાગચંદ્રોદય, નર્તનનિર્ણય, દૂનીપ્રકાશ.." નામના ગ્રંથો લખ્યા હતા જે સંગીત વિષયના રાગો વિશે છે. આ સિવાય એક રાય મુરારીદાસ (મુરારીદાન) નામના વિદ્વાને માનસિંહને બિરદાવતા "માનપ્રકાશ" નામે ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત જગન્નાથે "માનસિંહ કીર્તિ મુક્તાવલી" લખી હતી. માનસિંહને બિરદાવતા અકબરે પણ રાજા માનસિંહને "મિર્ઝા" (જે માત્ર મુઘલો માટે જ ઉપાધિ હતી) અને "ફરઝંદ" જેવી ઉપાધિ ઓ પણ આપી હતી. 

એક વખત લાલુપ્રસાદે એક ઇન્ટરવ્યૂમાં અટલબિહારી વાજપેયી વિશે કહેલું કે, "આદમી તો સહી હૈ લેકિન પાર્ટી ગલત હૈ." એવું જ કાંઈક આ માનસિંહ સાથે થયું. માનસિંહના તમામે ગુણો બસ અકબરને કામ આવ્યા. એક સમય તો આવ્યો હતો કે માનસિંહ ધારેત તો અકબરને ઉથલાવીને પુનઃ હિન્દુશાહી સ્થાપી શક્યા હોત, પણ કદાચ એક વિશાલ સામ્રાજ્યનું ખંડન કરીને આખી ભારતભૂમિને આંતર-યુદ્ધોમાં વ્યસ્ત કરવી માનસિંહને રુચ્યું નહીં હોય. એ સંગીતપ્રેમી, યુદ્ધપ્રેમી, નિર્માણપ્રેમી, ધર્મપ્રેમી માનસિંહ 6 જુલાઈ 1614ના રોજ 63 વર્ષની ઉંમરે આજના મહારાષ્ટ્રના અચલગઢમાં કુદરતી મૃત્યુ પામે છે. તે સ્થાન પર આજે નાનું મહાદેવનું દહેરૂં છે, પાસે જ એક જુનવાણી વાવ પણ છે.

કુંવર માનસિંહ કે પછી રાજા માનસિંહે અકબરના પક્ષે રહીને યુદ્ધો કર્યા, મુઘલ સલ્તનતને મજબુત જરૂર કરી, પણ તેનાથી શું તેણે રાષ્ટ્રદ્રોહ કર્યો? શું માનસિંહે અકબર સાથે રહીને પણ, જે અફઘાનો અને અન્ય વિદેશી આક્રમણકારીઓ, સનાતનદ્વેષીઓ દ્વારા તોડી પાડવામાં આવતી સનાતનની આસ્થાને પુનઃ ઉભી નહોતી કરી? તે જગન્નાથ મંદિરને પુનઃ જાગૃત કરે છે, તે હરિદ્વારના ઘાટો સમારાવે છે, તે મંદિરોનું નિર્માણ કરે છે, તે ભારતભૂમિની સંપત્તિ પુનઃ ભારતને જ ઉપયોગી થાય તેવા કાર્યો કરે છે. આ દર્શાવે છે માનસિંહની ધર્મનિષ્ઠતા. અકબર દિનેઇલાહીને નામે જયારે ધર્માંતરણ કરાવવા ચાહે છે ત્યારે માનસિંહ અકબરના કદમે નથી ચાલતો.. અકબરનો જ નવરત્ન માંહેનો એક.. આ દર્શાવે છે માનસિંહની નિર્ભિકતા. જીવનના તમામે યુદ્ધો તે પોતાની વીરતા, સાહસ, અને યુદ્ધકૌશલ્ય વડે જીતે છે.. આ દર્શાવે છે ક્ષત્રિયોચિત ગુણો તેનામાં પૂર્ણરૂપે વિકસ્યા હતા. માનસિંહે પરાજિત કરેલ રાજાઓ પાસેથી મેળવેલ ધન-સંપત્તિ આમેરને વિકસાવવામાં વાપરીને આમેરની અર્થવ્યવસ્થા મજબૂત કરી..! આમેર અને રોહતાષ તથા બંગાળથી નજીક રાજમહેલમાં કિલ્લાઓ તથા અન્ય નિર્માણો કરાવનાર માનસિંહ પ્રત્યે એકમાત્ર મુઘલિયા સેનાપતિ સિવાયના દ્રષ્ટિકોણથી જોઈએ તો માનસિંહ પ્રત્યેની પહેલાથી બંધાયેલ લઘુતાગ્રંથિ અવશ્ય તુટવાપાત્ર તો છે જ. નિષ્પક્ષ દ્રષ્ટિએ જોઈએ તો માનસિંહની ચતુરાઈ પણ જણાઈ આવે કે તેણે પોતાના રાજ્ય આમેર અને આંખોની પ્રજાને સદાકાળ માટે યુદ્ધપ્રસંગોથી ઘણું દૂર કરી લીધું હતું. હા, ઘણા કહે છે કે માનસિંહ જો એવો જ વીર સાહસી હતો તો એણે અકબરને હટાવીને પોતે જ હિન્દુશાહી કેમ ન સ્થાપી..! તો એ પાછળ એક સંભાવના એવી પણ રહી છે કે કદાચ માનસિંહે અકબરને ઉથલાવ્યો હોત તો બંગાળથી માંડીને કાબુલ સુધીની સર્વભોમ એક મહા આંતર યુદ્ધમાં હોમાઈ જાત..! શૌર્ય, તેજ, બૌદ્ધિકતા, દક્ષતા, યુદ્ધકૌશલ્ય, દાની તથા સ્વામીભક્તિ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ-કર્મ છે, આપણે તેની સ્વામીભક્તિ સિવાયના સર્વ ગુણોને શું નજરઅંદાજ કરવા જોઈએ? માનસિંહ આ સર્વગુણ સંપન્ન હતો જ. કદાચ તે સમયની રાજનીતિ એવી રહી હોય, આમ પણ મુઘલ સલ્તનતમાં બાદશાહથી વધુ શાશન બાદશાહને બાદશાહ બનાવી રાખનારના જ હાથમાં હોતું. 


જયપુર રાજ્યનું રાજ્યચિહ્ન

જયપુર રાજ્યનું નવું રાજ્યચિહ્ન





Post a Comment

0Comments
Post a Comment (0)