ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું...!
રાહ જોતી રહેવી કાંઈ સરળ છે ? એક એક પળ જાણે યુગ જાતો કળાય. કોણ જાણે કેમ પણ એક પ્રકારનું આકર્ષણ જયારે હૃદયને ઘેરી વળે ત્યારે બાકીની તમામે દિશાઓમાં મગજ કામ કરતુ અટકી પડે.. લાચારી અનુભવાય, કઠણ મન પણ ફફડતું ફરે..! કોઈ કહે કે બસ રાહ જ જોવાની છે ને જોવાઈ જશે.. પણ સાવ એટલું સરળ પણ નથી.
ક્યારેક કેવું થાય, બસ એક મેસેજની રાહ જોતા રહીએ, સવારથી લઈને સાંજ પડી જાય, પણ સાંપડે નરી નિરાશા. ક્યારેક એવું પણ થાય, કે કોઈના સાથની ભયંકર જરૂર હોય, પણ આપણું આડંબર જ આપણી આડું પડે. આપણે આપણો જે રુઆબ બનાવ્યો હોય, કે પછી આપણા મનનો જે એક પર્સનલ સ્પેસ હોય જ્યાં પોતાના સિવાય કોઈ ને પણ જવાની અનુમતિ ન હોય તેનો વ્યાસ વધી જાય, તેનો ઘેરાવો વધી પડે, આપણને જાણ પણ ન હોય.. પણ પછી એ અજાણ્યો ઘેરાવો કોઈ ને આપણી નજીક આવવા જ ન દે. અને અંતે ઉપડે મતિભ્રમ..! ખરેખર આપણે ઘણી જગ્યા એ જાણી જોઈને ગેરસમજો ઉભી કરતા હોઈએ છીએ. અથવા એક મોઢા ઉપર મુખૌટાનું આવરણ ચડાવીને અલગ જ સૃષ્ટિમાં રાચતા રહીએ છીએ, સ્વયં ને બ્રહ્મા સમજીને. પછી એક સમય એવો આવે છે કે એટલા મૂઢ થઇ જઈએ છીએ કે જિંદગીની પીઠ પર પડતી થપાટો પણ શાબાશી લાગવા લાગે. બસ પછી તો કહેવા ખાતર જ કહેવાતું હોય છે પડશે એવા દેવાશે..!
જો કે સરળ છે પણ શું ? કદાચ કાંઈ જ નહીં.. જીવનમાં વિકલ્પો છે એટલે જ સરળતા નથી. કાલે એક પોડકાસ્ટ સાંભળતો હતો, એક ઘણી સરસ પંક્તિ આવી કે, "મેરી જિંદગી મેં એક મોડ આયા, ઔર મેરી કહાની ઉલઝતી ગઈ.." ખરેખર અમુક વળાંકો લે તો છે જિંદગી. અને એ વળાંકો ક્યારેક તો 360 ડિગ્રી ટર્ન લઇ લે છે.
ભારતના જુદા જુદા છેડે રહેલા બે અલગ વ્યક્તિઓ બિલકુલ એક જેવુંય વિચારતા હોય, એક જેવું લખતા હોય. શું સંભવ નથી ? યોગાનુયોગ હોય શકે ? કદાચ યોગાનુયોગ હોય તો પણ એ કેટલી વાર થાય ? વારંવાર થતો હોય તો પણ યોગાનુયોગ જ કહેવાશે ? કયો સિદ્ધાંત, ક્યુ પરિબળ આની પાછળ હોય ? હશે, આપણે કહીને ટાળી દેતા હોઈએ છીએ, પણ મારા જેવા ઑવરથીન્કર ને મન તો મેવો છે.. કેટલાએ વિષયો આ યોગાનુયોગની પાછળ ઉદભવે છે, કેટલાએ પ્રસંગોનું નિર્માણ થતું હોય છે. કેટલાએ વિચારો ની મેરેથોન ચાલ્યા કરે.. અને ઓવરથીન્કર પણ..!
હશે, આપણે શું ? પડશે એ દેવાશે..!!!