ગુજરાતીમાં એક ઓઠું છે, "ચીંથરા ફાડવા". સીધો ને સરળ અર્થ છે કે નકામી કે આડી વાત કરવી. આજના સમયમાં ઘણા લેખકો ચીંથરા જ ફાડે છે. લખવા હાટુ કાંઈ નો મળે એટલે એય..ને ગડગડતા શેત્રુંજાના કાળમીંઢ પાણાં ટાઢા પોર્યમાં હંકારવા માંડે..!
હુંય અટાણે ચીંથરા જ ફાડવાનો છું, એટલે પાછું વળવું હોય તો અટાણે જ પોબરા ગણી લેવા...
ઘણા દિ થયા, જિયોપોલિટિક્સની શ્રેણી કોરી જ પડી છે. હમણાં હમણાંમાં વૈશ્વિક ઉથલપાથલો ઘણી નવી થઇ, અમુક જૂની હાલ્યે રાખે છે. લ્યો તયે માંડીને કરું હાલો..! લગભગ અઢીએક વરષ થયું, આ કોર્યથી યુરોપ અને અમેરિકાના ખંભે બેસીને યુક્રેન રશિયા સામે બાથ ભીડી રહ્યું છે, પણ વખાણવા લાયક તો રશિયા છે.. એકલો દેશ એક હાર્યે આખા યુરોપ અને અમેરિકા બધાની સામે યુક્રેનમાં લડી રહ્યો છે. ભીંસ તો એનેય ઘણી છે, પણ હવે પાછું વળવાનું ગોખલુ બુરાઈ ગયું છે. તોય ભાયડાવટ જાળવી રાખ્યો છે હો રશિયાએ. જયારે રશિયા એ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે અમેરિકા એ તરત જ યુક્રેનને પોતાનો સપોર્ટ જાહેર કર્યો. રશિયન અર્થવ્યવસ્થા શ્રેષ્ઠતમ તો નહોતી જ પણ વિચારો તો ખરા અઢી વર્ષ થી બાધણમાં બંધાયેલું છે તોય અર્થવ્યવસ્થા કેવી રીતે સાચવી રાખી છે. એક એવી થિયરી પણ છે કે જયારે રશિયા ને લાગ્યું કે અમેરિકાનું ધ્યાન ક્યાંક બીજે ડાયવર્ટ કરવું પડશે, ત્યારે આપણે બધાએ સમાચાર સાંભળ્યા કે ઇઝરાયેલએ ગાઝાને ધમરોળવાનું શરુ કર્યું. હવે ભૌગોલિક દ્રષ્ટિએ ઇઝરાયેલ ને મહત્તા ઘણી સારી છે, વળી અમેરિકા સાથે સૌહાર્દ છે એટલે યુક્રેનની સાથે સાથે અમેરિકા એ ઇઝરાયેલને પણ પોતાનો સપોર્ટ જાહેર કર્યો. ઇઝરાયેલને પણ ભાવતું'તું ને વૈદે કીધા જેવો તાલ મળ્યો છે. ગ્રેટર ઇઝરાયેલનું એનું સ્વપ્નું સાધવાનો એક શ્રેષ્ઠ મોકો. એક તરફ યુરોપ અને અમેરિકા જ્યાં યુક્રેનને એકહથી મદદ કરે છે ત્યાં ઇઝરાયેલ માટે તો એકલું અમેરિકા જ છે. અમેરિકા હવે એક સાથે બે દેશમાં વ્યસ્ત થયું. રશિયા ઉપર કસાતી ભીંસ થોડી નબળી પડી. રશિયા એ પણ પોતાનું પીઠબળ મજબૂત કરવા પર્યત્નો આદર્યા. ચીનને તો આખી રશિયન માર્કેટ મળી ગઈ છે એટલે ચીનડું બેઠું બેઠું હૈ ને રશિયાની અર્થવ્યવસ્થા સાચવી બેઠું છે. ભારત પણ ઍય ને સસ્તા ભાવે ક્રૂડ લઇ લઈને રશિયા ઉપર નોટના બંડલ ઉડાડે છે. પણ કેટલા દી? વૈશ્વિક રાજનીતિમાં બધું સંભવ છે. રશિયા એ અમેરિકાને વધુ વ્યસ્ત રાખવા માટે યમનના હુતીઓ, ગાઝા-વેસ્ટબૅકનું હમાસ, અને લેબનોન નું હિઝબુલલા જગાડ્યું.. આ બધાયની દોરી ઈરાનના હાથમાં છે. હવે એવું મનાય રહ્યું છે કે વર્ષોથી પરમાણુ બોમ્બના પ્યાસા ઈરાને પરમાણુબોમ્બની ટેક્નોલોજીના બદલામાં રશિયાને હથિયારોની સપ્લાય પુરી પાડી રહ્યું છે. અમેરિકા મતલબ કે USA એક સાથે બે યુદ્ધોને ફંડિંગ કરી તો રહ્યું છે, પણ છતાં યુક્રેન તરફથી રશિયાને ભીંસ ઓછી ન થતા રશિયા એ લોકલાડીલા કિમજોંગઉન જે ઘણા સમયથી કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હતા એમને જગાડ્યા. ઓલા એ તો નીંદરમાંથી ઉઠતાવેંત કીધું કે, "ક્યાં છે સાઉથ કોરિયા, હમણાં એના કોળિયા કરી જાઉં..." નોર્થ કોરિયા તરફ થી દાવો છે કે સાઉથકોરીયા પોતાના ડ્રોન્સ નોર્થ કોરિયામાં મોકલી મોકલીને પરેશાન કરી રહ્યું છે. જો સત્વરે આ ડ્રોન મોકલવાના બંધ કરવામાં નહીં આવે તો સાઉથ કોરિયા પર આક્રમણ કરવામાં આવશે. ડ્રોન ઘટનાના સાક્ષી તરીકે એક ફોટો પણ પબ્લિશ કર્યો છે. સામે પક્ષે સાઉથ કોરિયાનું કહેવું છે કે એણે કોઈ ડ્રોન મોકલ્યા જ નથી, નોર્થ કોરિયા દુનિયા સામે આક્રમણ કરવાનું બહાનું બાંધી રહ્યું છે. છે ને બાકી.. હકીકતમાં રશિયા એ જ વાંહેથી ઠોંહો માર્યો હોય નોર્થકોરીયા ને કે એલા ઘણા દી થયા માર્કિટ માં આવ્યો નથી તું.. અને બહુ મોટું યુદ્ધ નહીં તો નાનું એવું છમકલું થવાનું તો નક્કી જ છે કોરિયન બોર્ડર પર.. એટલે રશિયાને એ ફાયદો થાશે કે અમેરિકા બે જણાં ને તો ફંડિંગ કરી જ રહ્યું હતું, હવે ત્રીજા સાઉથ કોરિયાને પણ ફંડિંગ કરવા માંડે તો યુક્રેનમાંથી અમેરિકા પાછું હટે. કેવડો લાંબો પંથ લીધો છે રશિયા એ.. આ સિવાય વચ્ચે સુદાનમાં પણ નાનું એવું છમકલું કરાવ્યું જ હતું રશિયાએ.
એય ને આપણો ખોટાડો ટ્રુડો પાછો માર્કેટમાં ઉતર્યો છે હો વ્હાલા..! યાદ છે ગઈ પોર નવરાત્રીમાં કેવો લમધાર્યો'તો એને..? યાદ નો હોય તો આ વાંચો : "ગ્લોબલ નવરાત્રી"... હવે ઓલું ખાલીસ્તાની ખહુરિયું નિજ્જરડું કોકની ગાડીના ટાયર હેઠે આવી ગયું એમાં તો 'કાઉં કાઉં' આ ટ્રુડોડા એ કર્યું.. નથી એની પાંહે કોઈ સબૂત, નથી કોઈ સાક્ષ્ય, તોય બસ ટ્રુડો એ જગતના ચોકમાં ભારત માથે આક્ષેપ નાખી દીધો કે નિજ્જરને ભારત સરકારે મરાવ્યો. એલા વરહ થયું એક આખું, નથી તે હજી સુધી કાંઈ સબૂત દીધો, નથી તારી માનનીય એકેય અદાલતે કોઈ નિર્ણય લીધો.. બસ તારું મન થયું એટલે ભારતીય રાજદૂતને તું નિજ્જર કિલિંગમાં સંડોવી લે એમ..? બે દેશોના સૌહાર્દપૂર્ણ સંબંધોને ત્યારે સારા માનવામાં આવે જયારે એકબીજાના રાજદૂતો ત્યાં હોય. જયારે કોઈ બે દેશોના સંબંધો બગડે ત્યારે જયારે રાજદૂતો ને પણ પાછા બોલાવી લેવામાં આવે તો માનવું કે એ બંને દેશોમાં હવે કોઈ સારો સંબંધ નથી. અચ્છા ભારત સરકારે ત્વરિત ફેંસલો લઈને કેનેડામાંથી આપણા રાજદૂતને પાછા બોલાવી લીધા, અન્ય સ્ટાફ પણ. પણ કઠણાઈ તો જોવો, ટ્રુડો ન્યુઝમીડીયા ને કહે છે કે તેણે ભારતીય રાજદૂતને કેનેડા છોડી ચાલ્યા જવાનું કીધું..! એલા આની પાંહે વિવેક-દ્રષ્ટિ પણ નહીં હોય ? એક તરફ પોતે ભારતીય રાજદૂત પર નિજ્જર કીલીંગ્સના આક્ષેપ નાખે છે, બીજી તરફ એજ રાજદૂત ને દેશ છોડીને ચાલ્યા જવાનું કહે છે. હાળું હમજાય એવું તો નથી હો..! સીધું ને સરળ છે. ભારતે પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા, અને ભારતમાં સ્થિત કેનેડિયન રાજદૂતોને ભારત છોડી જવાનું કહ્યું છે. પણ વૈશ્વિક ફલક પર એ ભૂરિયાવનો સંપ જોજો.. બધા એમ જ કહેશે કે કેનેડા એ પોતાને ત્યાંથી ભારતીય રાજદૂતોને કાઢી મુક્યા.
સીધી વાત છે એલા, થોડા જ સમય માં G7 ની મીટિંગ્સ થવાની છે, એ પણ કેનેડામાં જ. ભારત G7 નું સદસ્ય ન હોવા છતાં મેહમાન તરીકે આમંત્રણ મેળવીને તો આ જી-સેવન ગ્રુપની મિટિંગમાં હાજરી આપે જ છે. આ વખતે ભારતે સ્પષ્ટપણે ના પાડતા કેહવું જોઈએ કે આતંકવાદને સમર્થન આપતા કેનેડામાં ભારત તરફ થી કોઈ હાજરી આપશે નહીં. વળી SCO અને BRICKS માં વધી-ચઢીને પોતાની હાજરી નોંધાવવાથી તમામે G7 સદસ્યોને ભારતની કિંમત સમજાય એ અત્યારે તો અત્યંત આવશ્યક છે.
આપણા જયુભાઈનો સ્વૈગ જોયો? હમણાં પાકિસ્તાનમાં SCO સમિટ માટે વિમાનમાંથી ઉતર્યા, રેડ કાર્પેટ ઉપર હાલતા હાલતા એય ને કોટના ગજવામાં હાથ નાખીને કાળા ચશમા આંખ્યું માથે ચડાવ્યા ઈ? એલા જોવા જેવો વિડિઓ છે..!
હાલો લ્યો તંયે.. આજ આટલું ઘણું એલા..! એ સૌને રામ-રામ..